Charchapatra

પાડાના વાંકે પખાલીને ડામ

 ‘પાડાના વાંકે પખાલીને ડામ’ એવી કહેવત આપણા સમાજમાં પ્રચલિત છે. આ વાત એટલા માટે યાદ આવી કે વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં કેટલીક વાર નામ લખવામાં, અટક લખવામાં, જાતિ-પેટાજાતિ લખવામાં ભૂલ થતી હોય છે. આ ભૂલ શાળાનો ક્લાર્ક કે લાગતોવળગતો કર્મચારી કરતો હોય છે. આ પ્રમાણપત્રમાં નીચેના ભાગે આચાર્યની સહી થતી હોય છે. તો શું આચાર્ય વેરીફાઇ નહીં કરતા હોય! આ પ્રમાણપત્ર તૈયાર કરનાર કયા પુરાવા પર આધાર રાખતા હશે, તે આવી ભૂલ થતી હશે? ક્યારેય કોઈ આચાર્યે ક્લાર્કની ભૂલ પકડીને ક્લાર્કને નોટિસ આપી હોય એવું બન્યું હશે?

વાલી જ્યારે આ પ્રમાણપત્ર હાથમાં પકડે અને ભૂલ બતાવે ત્યારે જવાબ મળે – હવે અમે ના સુધારી શકીએ – હવે તમારે સુધારો કરાવવા પુરાવા ભેગા કરવાના,એફિડેવિટ કરાવવાની,વકીલની ફી આપવાની,કોર્ટના ધકકા ખાવાના.આ ભૂલ કરનારને એહસાસ પણ નથી થતો કે મારી એક નાનકડી ભૂલના કારણે બીજાને કેટલી તકલીફ પડે છે.નામ સાથે કુમાર હોય તો ભાઈ લખાઈ જાય કે ચન્દ્ર લખાઈ જાય.ક્યારેક પેટાજાતિ લખવાની રહી જાય.આમાં વાલી કે વિદ્યાર્થીએ શા માટે સહન કરવાનું.

આવી જ રીતે ચૂંટણીકાર્ડ,આધાર કાર્ડ,રેશનકાર્ડમાં તો ગયા જન્મમાં સારાં કર્મો કર્યાં હોય તો જ ભૂલ વગરનું આવે.આ ભૂલો કરનાર સામે કડક પગલાં લેવાવાં જોઈએ,અસલ દસ્તાવેજમાં જે હોય તેનાથી જુદું કેવી રીતે લખાઈ જાય.રેશનકાર્ડમાં સરનામું સુધારવા બે કલાક તડકામાં લાઈનમાં ઊભા રહેવાનું,ફોર્મ ભરીને પાછું આપવા ફરી બે કલાક લાઈનમાં ઊભા રહેવાનું,પછી ત્રણ મહિનાની તારીખ મળે ત્યારે માત્ર સરનામું સુધરે અને એ રેશનકાર્ડ પર અનાજ લેતા ના હોય તો પણ આ યાતના તો સહન કરવાની જ.આ માટે કાંઈ વિચારાશે કે એ જ -પાડાના વાંકે પખાલીને ડામ.
સુરત     – પ્રવીણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top