ખેડૂત તરીકે વર્ષોવર્ષ જીવન જીવતો આદિવાસી સમાજ આજે ચાર પાંચ કિલો શાકભાજી અથવા શિયાળુ પાક લેતો થયો છે. નાની મોટી સુવિધાઓ સાથે આદિવાસીઓ જ સુરત સુધી ખેડૂતનો પાક પહોંચાડતો થયો. આજની કડવી વાત એ છે કે ખેડૂતને શાકભાજીનો 20 કિલોનો ભાવ માંડ 300 કે 400 મળે છે. જો આ જ શાકભાજીનો એક કિલો મુજબ સુરતમાં ભાવ પૂછવામાં આવે તો 40 કે 50 રૂપિયાથી ઓછો હોતો નથી. અહીં કિલોનો ભાવ આપણે 40 ગણીએ તો પણ 20 કિલોનો ભાવ 800 થાય. સરકારમાં બેઠેલાં નાગરિકોએ આ ખાસ ધ્યાન આપવામાં આવે તો સારું કે નાના ખેડૂતને હાથમાં માંડ 300 કે 400 જ મળે છે. છૂટક ભાવ ગણતાં 800 કે 900 થાય છે. આવું કેમ તે ચૂંટાયેલા નેતાઓ કયારે કરશે? શું ચૂંટણી સમયે જ MSP જેવા મુદ્દા લાવીને નાગરિકોને હોબાળો કરાવવામાં રસ છે? જો આજની ખેડૂતપોથી દેવાથી ભરેલી છે. સુરત સરદાર માર્કેટમાં શાકભાજી પહોંચાડી સારું વળતર નહિ પણ ખર્ચ નીકળે તેવો ભાવ મળે તેવી આશા તાપીના નાના ખેડૂત રાખીને બેઠા છે. જો તંત્ર થોડો પણ રસ લઈને સારું કરવાનો પ્રયત્ન કરે તો આ આદિવાસીઓ પેટે પાટા બાંધીને જીવન જીવતાં નાગરિકોને રાહત થાય.સરકાર ગામડાને વિકલ્પ તરીકે નહિ પણ વિશ્વમાં પ્રથમ ગામડું આવી ભાવના રાખીને કામ કરશે તો મજબૂત રાષ્ટ્રનું દર્પણ દેખાશે. સુરત સરદાર માર્કેટમાં વચેટિયા અને દલાલી પ્રથા બંધ થવી જોઈએ. સાથે જે જ્યાં માલ સ્ટોક ઉતારીને વેચાણ કરવામાં આવે છે તેના બદલામાં જે અમુક સમયનું ભાડું કહીને ઉઘરાણી કરવામાં આવે છે તે પણ યોગ્ય નથી. ચૂંટાયેલા સેવકો વિચારે તો સારું.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લીંપણકળા, ઓકળી અને સ્વાસ્થ્ય સંદર્ભ
ભારતવર્ષનાં પુરાતન ઘરો ઇમારતી લાકડાં ખ્યાલને આગળ ધરી સંપૂર્ણ કુદરતી સંપદા પર આધારિત હતાં. બૃહદ્ પરિપ્રેક્ષ્યમાં એને કાચું ઘર અને સિમેન્ટ કોન્ક્રીટવાળાં ઘરને પાકું મકાન કહે છે. ટકાઉ શક્તિના દૃષ્ટિબિંદુથી તો પાકું ઘર નિ:સંદેહ કદમ આગે નીકળી જાય પરંતુ જ્યારે માનવજીવન વિકાસના કોઇક તબક્કામાં કુદરતી અને સાત્ત્વિક માલ સામગ્રી વડે તૈયાર થતાં એવાં ઘરો બનાવવાનો વિચાર સાંપડ્યો હશે ત્યારે સાચે જ અર્થસભર મનોમંથન થયું હશે. વિજ્ઞાન, કલા અને સ્વાસ્થ્ય સંબંધી સંદર્ભો સાથેનાં આવાં ઘરોમાં થતાં લીંપણકામનો વિષય પકડી મારે તમને કેટલાંક તથ્યો કહેવાં છે. ગામડા ગામમાં પહેલાં રહેઠાણનાં મકાનમાં જ કોઢારું રહેતું. ગાય, ભેંસ અને બળદો પરિવારના સભ્યની જેમજ એક છત નીચે રહેતાં. એમના ઘાસચારાની એક વિશિષ્ટ અને અનોખી ગંધ હતી. છાણ એક એવી અદ્ભુત ચીજ હતી જેનાં થપાતાં છાણાં વર્ષભરનાં બળતણની જરૂરિયાત પૂરી કરતાં. ઘરની ફર્શ છાણનાં લીંપણથી મઘમઘી ઊઠતી. ઘરની ભીંતો લીંપણથી આવરી લેવાતી ત્યારે ઘરમાં એક છૂપો ઉત્સવ ઉજવાઈ જતો. લીંપણકામ થયાના કેટલાક દિવસો સુધી એની સાત્ત્વિક ઘેરી અસર અનુભવાતી. લીંપણકળા એ સાધારણ કળા નહોતી. એમાં કળા અને આનંદનું નિહિત તત્ત્વ અવશ્ય રહેતું. આવાં તથ્યોને જે નવાં પરિમાણ મળ્યાં તેમાંથી બાઇઓના હાથેથી કલાસભર ઓકળીઓ મળી કે જે કોઇક સુંદર કવિતાથી ક્યાંય ઓછી ન ઊતરતી. ભુલાયેલી કે લુપ્ત થતી એ પરંપરાગત કલાને એક ભાવસભર પ્રણામ.
વલસાડ – કિરણ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
