સુરત: સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 7 અને 8 માર્ચ, 2025 ના કાર્યક્રમોને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
7 માર્ચના રોજ બપોરે નીલગીરી સર્કલ, ડીંડોલી ખાતે PM મોદીની જનસભા યોજાવાની છે, જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટશે. તેથી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ 1:00 વાગ્યા પહેલા શાળાએ પહોંચી જવું જરૂરી છે. શિક્ષણ વિભાગે શાળાઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને આ અંગે અગાઉથી માહિતગાર કરવામાં આવે. પરીક્ષા પૂરી થયા પછી ટ્રાફિકની ભીડને ધ્યાનમાં રાખી વાલીઓએ શક્ય હોય તો ટુ વ્હિલરનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ રહેશે. જ્યારે 8 માર્ચે PM મોદી સવારે સરકીટ હાઉસ, અઠવાલાઇન્સ થી સુરત એરપોર્ટ તરફ જવાના હોવાથી આ રૂટમાં આવતી શાળાઓએ ખાસ તકેદારી રાખવી પડશે. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓએ 8:30 વાગ્યા પહેલા શાળાએ પહોંચવું જરૂરી રહેશે, જેથી મુસાફરીમાં કોઈ વિક્ષેપ ન પડે. શાળાના આચાર્યોને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને આગોતરી જાણ કરી દે, જેથી પરીક્ષા સમયે કોઈ મુશ્કેલી ન થાય. શિક્ષણ વિભાગે આ સૂચનાને ગંભીરતાથી લેવા અનુરોધ કર્યો છે, જેથી વિદ્યાર્થીઓની પરીક્ષા અને વડાપ્રધાન મોદીના કાર્યક્રમ બંને સરળતાથી સંપન્ન થઈ શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પહેલા સરકીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ માટે તડામાર તૈયારીઓ
સુરત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૭મી માર્ચના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રસંગે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજનાઓ તથા ગરીબ પરિવારોના બે લાખથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમનું પ્રારંભ કરી તેમને ન્યાય આપશે.
વડાપ્રધાન સુરતના સરકીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. PM ના રોકાણ માટે વિશેષ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સાથે જ સરકીટ હાઉસની અંદર અને બહાર વિશેષ રિનોવેશન અને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. પરિસર ફૂલછોડના કુંડાઓ અને અન્ય શણગારથી સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. સુરતીઓ વડાપ્રધાનના આગમન માટે આતુર છે અને ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ કરાઈ રહી છે. વડાપ્રધાનની મુલાકાત સુરત માટે મહત્વની ગણાઈ રહી છે, અને સુરતવાસીઓએ પણ તેમની આવક માટે ઉત્સાહ દર્શાવ્યો છે.
