શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મોટી રોકાણયોજનાની રજૂઆત
વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારો માટેના અલગ અલગ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં વિવિધ પરિયોજનાઓ માટે રૂ. 197.37 કરોડના 28 કામોને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટોમાં પાણી પુરવઠા, ડ્રેનેજ, રસ્તાઓ, વરસાદી ગટર, અને અન્ય પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મહત્વપૂર્ણ કામો શામેલ છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂર્વ ઝોન માટે વાર્ષિક ઇજારા હેઠળ ઓપરેટર અને મજૂરો રાખવા માટે નાણાકીય મર્યાદા વધારી રૂ. 160 લાખ કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વોર્ડ નં. 5 માં નવી પાણીની લાઈન નાખવા માટે રૂ. 8.65 કરોડનું કામ અને પૂર્વ ઝોનના વહીવટી વોર્ડ 15માં નવી પાણી લાઇન માટે રૂ. 8.31 કરોડ મંજૂર કરવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તર ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા અને રીપેરીંગ માટે રૂ. 7 કરોડ, વોર્ડ 10માં આદિત્ય ગેલેરીથી ઋતુ સિલ્વર સુધી રૂ. 73.66 લાખમાં નવી ગટર લાઈન અને સોલારીસ-2 થી એવરેસ્ટ અન્તારા સુધી રૂ. 83.86 લાખમાં ગટર લાઇન નાખવા માટેની દરખાસ્ત સ્થાયી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
વરસાદી ગટર બનાવવાની દરખાસ્ત પણ સ્થાયી સમક્ષ રજૂ કરવામાં આવી છે જેમાં વોર્ડ 9માં સેવાસી ગામ અને આસપાસના વિસ્તારોમાં નવી વરસાદી ગટર માટે રૂ. 14.62 લાખ જ્યારે સોનારીશથી ભાઇલી એસટીપી અને સમિયાલા ચેનલ સુધી રૂ. 2.72 કરોડમાં વરસાદી ગટર બનાવવાની દરખાસ્ત સ્થાયી સમક્ષ રજૂ કરાઈ છે. સૌથી વધુ વિવાદોમાં રહેલી ભૂખિ કાંસને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ સુધી રૂ. 21.66 કરોડ અને ભૂખી કાંસને કેનાલથી જકાતનાકા સુધી ડાયવર્ટ કરવા માટે રૂ. 18.63 કરોડ મંજૂર કરવા માટેની દરખાસ્ત પણ સ્થાયી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
રસ્તા અને બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સ્થાયી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ છે જેમાં છાણી મેઇન રોડથી કેનાલને સમાંતર સમા સાવલી રોડને જોડતો રસ્તો રૂ. 15.34 કરોડમાં, બદામડી બાગ ખાતે નવી આર્ટ ગેલેરીમાં લિફ્ટ સ્થાપન માટે રૂ. 22.44 લાખ, પાલિકા હસ્તકના બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે રૂ. 1 કરોડ વધારવાનો પ્રસ્તાવ જ્યારે ઉત્તર ઝોન વિસ્તારના સિવિલ કામ માટે વાર્ષિક ઈજારા રૂ. 10 લાખ માટેની દરખાસ્ત રજૂ કરાઈ છે.
