Columns

સંભાજીની હત્યા કરનાર ઔરંગઝેબ એકલતામાં રીબાઈ રીબાઈને મર્યો હતો

ભારતના ઈતિહાસમાં ઔરંગઝેબનું નામ એક જુલમી અને ધર્માંધ શાસક તરીકે અંકિત થઈ ગયું છે. કોઈ સમયે ભારતના મોટા ભાગ ઉપર શાસન કરનાર ઔરંગઝેબ ૮૯ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો ત્યારે તે દુ:ખી હતો અને તદ્દન એકલો હતો. ઈ.સ. ૧૬૮૦માં ઔરંગઝેબે સંપૂર્ણ લાવલશ્કર સાથે દક્ષિણ ભારત તરફ કૂચ કરી હતી. વિશાળ સેના, સમગ્ર સ્ત્રીવૃંદ અને એક પુત્રને બાદ કરતાં ત્રણેય પુત્રો તેની સાથે ગયા હતા. તેના ગયા પછી દિલ્હી ઉજ્જડ અને વેરાન થઈ ગયું હતું અને લાલ કિલ્લાની દીવાલો પર ધૂળનું આવરણ જામી ગયું હતું.

ઔરંગઝેબે પોતાના જીવનના છેલ્લા ત્રણ દાયકા દક્ષિણ ભારતમાં વિતાવ્યા હતા અને તેણે મોટા ભાગની લડાઈઓનું જાતે નેતૃત્વ કર્યું હતું. ઔરંગઝેબના શાસનનો છેલ્લો તબક્કો તેના માટે જરાય સુખરૂપ નહોતો. તેને લાગતું હતું કે આખા ભારત પર શાસન કરવાની તેની ઇચ્છા ધૂળમાં રગદોળાઈ ગઈ હતી. ઔરંગઝેબ પોતાની વૃદ્ધાવસ્થામાં એકલતાનો શિકાર થઈ ગયો હતો. તેના બધા વિશ્વાસુ સાથીઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. તેની યુવાનીના માત્ર એક સાથી તેમના વજીર અસદખાં જ જીવિત હતો. ઔરંગઝેબના મૃત્યુના સમયે તેના ત્રણ પુત્રો જીવતા હતા. એ પહેલાં તેના બે પુત્રોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. તેમાંના એક પણ પુત્રમાં ભારતના બાદશાહ બનવાની ક્ષમતા કે શક્તિ નહોતાં.

ઈ.સ. ૧૭૦૫માં ઔરંગઝેબે મરાઠા કિલ્લા વાગિનજેરા પર જીત મેળવી લીધા પછી કૃષ્ણા નદી પાસે એક ગામમાં પોતાની છાવણી નાખી. અહીં જ ઔરંગઝેબ બીમાર પડી ગયો. દિલ્હી જવાના ઇરાદાથી તે અહમદનગર તરફ આગળ વધ્યો, પરંતુ આ તેનો અંતિમ પડાવ સાબિત થયો. ત્રણ માર્ચ ૧૭૦૭એ ઔરંગઝેબ ધીરે ધીરે બેભાન થતો ગયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તેની અંતિમ ઇચ્છા હતી કે જુમ્માનો દિવસ તેના જીવનનો અંતિમ દિવસ હોય. આખરે તેની આ ઇચ્છા પણ પૂરી થઈ. ઔરંગઝેબના મૃતદેહને દોલતાબાદ પાસે સૂફી સંત શેખ ઝૈન-ઉદ-દિનની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો હતો. પોતાના અંતિમ દિવસોમાં ઔરંગઝેબને નાના પુત્ર કામબક્ષની માતા ઉદયપુરીનું સાંનિધ્ય ખૂબ ગમતું હતું.

ઔરંગઝેબના મૃત્યુના થોડાક મહિનામાં જ ઉદયપુરીએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.  ઔરંગઝેબ શાહજહાં અને મુમતાઝ બેગમનાં ૧૪ સંતાનોમાંનું છઠ્ઠું સંતાન હતો. શાહજહાં ૧૬૫૮ના પ્રારંભમાં બીમાર પડતાં તેના પુત્રો દારા, શુજા, ઔરંગઝેબ અને મુરાદ વચ્ચે ગાદીપ્રાપ્તિ માટે વિગ્રહ શરૂ થયો હતો. આગ્રાથી આશરે ૧૩ કિલોમીટર દૂર સામુગઢ પાસેની અંતિમ લડાઈમાં ઔરંગઝેબ તથા મુરાદનાં સંયુક્ત લશ્કરોને હાથે દારાનો પરાજય થયો અને ઔરંગઝેબે આગ્રાનો કબજો લઈને જુલાઈ ૧૬૫૮માં પોતાની જાતને સમ્રાટ તરીકે જાહેર કરીને ગાદીનશીન થયો.

તેણે પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કર્યો. ત્યાં શાહજહાંનું જાન્યુઆરી ૧૬૬૬માં અવસાન થયું. શુજા પરાજિત થઈને બંગાળ તરફ નાસી ગયો. ઢાકા થઈને આરાકાન ગયો. તેની બંગાળ જીતવાની યોજના જાહેર થઈ જતાં તેને મારી નાખવામાં આવ્યો. ઔરંગઝેબે ગાદી માટે હક-દાવો કરી શકે તેવા દારા, મુરાદ, તેમના પુત્રો વગેરે તમામની હત્યા કરાવી. પોતાનાં આવાં ઘાતકી કૃત્યો પ્રત્યે અમીરો, અમલદારો તથા લોકોમાં અસંતોષ ન ફેલાય અને તેઓ પોતાને વફાદાર રહે તે માટે ઔરંગઝેબે તેમને સોનામહોરોની લહાણી કરી હોવાનું કહેવાય છે. 

મહત્ત્વાકાંક્ષી ઔરંગઝેબે મુઘલ સામ્રાજ્ય તથા ઇસ્લામ ધર્મ ભારતભરમાં ફેલાવવાના આશયથી અનેક યુદ્ધો ખેલ્યાં. તેણે આસામ અને બંગાળ, અફઘાનિસ્તાન અને તેના સરહદી વિસ્તારો, રાજપૂતાના અને પશ્ચિમી પ્રદેશો તથા દખ્ખણનાં રાજ્યો અને મરાઠાઓ સામે મેળવેલા વિજયો તેની ધર્માંધ નીતિને લીધે છેવટે નિષ્ફળતામાં પરિણમ્યાં હતાં. ઔરંગઝેબનો અર્ધી સદી ઉપરાંતનો શાસનકાળ એકંદરે સંઘર્ષો, વિજયો તથા નિષ્ફળતાઓનો ઇતિહાસ કહી શકાય અને તેની આવી ધર્માંધ નીતિ ભારતમાં મુઘલ સત્તાના પતનનું મુખ્ય કારણ ગણાયું છે.  આસામને મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવા તેની આહોમ જાતિ અને તેના રાજાઓ સામે ઔરંગઝેબે આશરે વીસ વર્ષ સુધી યુદ્ધો કર્યાં. તેમાંથી ઔરંગઝેબને પુષ્કળ સોનું, ચાંદી અને અન્ય સામગ્રી મળી. પરંતુ આખરે તે નિષ્ફળતામાં જ પરિણમ્યાં. બંગાળના માનવતાવાદી મુઘલ સુબેદાર મીર જુમલાએ મુઘલોના આાસામના શરૂઆતના વિજયોમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

કૂચબિહાર વિજયમાં પણ ઔરંગઝેબને આવી જ નિષ્ફળતા મળી. ઔરંગઝેબે ૧૦ વર્ષ સુધી અફઘાનિસ્તાન અને સરહદી ટોળીઓ સામે કરેલી લડાઈઓમાં પણ તેને એકંદરે નિષ્ફળતા મળી. તેણે સ્વાતંત્ર્યપ્રિય સરહદી ટોળીઓ આફ્રિદી, ખટક, શિરાની, યુસુફઝાઈ વગેરેને તાબે કરવા ખૂનખાર યુદ્ધો કર્યાં. તેમના નેતાઓને મોટી રકમની લાંચો, હોદ્દાની લાલચો વગેરે આપીને ફોડ્યા, તો પણ સરહદી ટોળીઓનો જુસ્સો અણનમ રહ્યો. આથી મુઘલોએ હજારો સૈનિકો ગુમાવ્યા તથા કરોડો રૂપિયાનું નુકસાન વેઠ્યું, એટલું જ નહિ પરંતુ આના પરિણામે ઔરંગઝેબે રાજપૂતો, શીખો તથા મરાઠાઓ સામે ખેલેલાં લાંબાં યુદ્ધોમાં બહાદુર અફઘાન જાતિઓનો સાથ ગુમાવ્યો હતો. અંગ્રેજોને પણ અફઘાનિસ્તાન અને સરહદી જાતિ સામેનાં યુદ્ધોમાં આવો જ અનુભવ થયો હતો.

ઔરંગઝેબના સમકાલીન ઇતિહાસકાર ખાફીખાનના કથન મુજબ ઔરંગઝેબની નીતિ હિન્દુઓ વિરુદ્ધની હતી. શીખોનાં અમુક મંદિરો તોડી પડાવ્યાંની નીતિની શીખગુરુ તેગબહાદુરે ટીકા કરતાં ઔરંગઝેબે તેને મુસ્લિમ ધર્મ સ્વીકારવા કહ્યું પણ તેગબહાદુરે તેનો ઇન્કાર કરતાં ઔરંગઝેબે ગુરુનો વધ કરાવ્યો હતો. આથી તેગબહાદુરના પુત્ર ગુરુ ગોવિંદસિંહે ખાલસા નામે શીખ લશ્કરી દળ સ્થાપીને ઔરંગઝેબ સામે આજીવન લડાઈ ચાલુ રાખી હતી. કેદ પકડાયેલા તેના બે બાળપુત્રોએ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇન્કાર કરતાં ઔરંગઝેબે તેમનો ક્રૂર રીતે વધ કરાવ્યો. પરિણામે ગુરુ ગોવિંદસિંહનું મુઘલો સામેનું યુદ્ધ ઔરંગઝેબના અવસાન સુધી ચાલુ રહ્યું.

પછીથી મુઘલ સામ્રાજ્યના પતનમાં શીખોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઔરંગઝેબે દખ્ખણનાં શિયા રાજ્યો બિજાપુર તથા ગોલકોંડાને મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવા અને શિવાજી તથા મરાઠાની વધતી જતી સત્તાને નાબૂદ કરવા પોતાના જીવનનાં અંતિમ ૨૫ વર્ષો દખ્ખણમાં ગાળ્યાં. ઔરંગઝેબે ભારે જહેમતથી છેવટે બિજાપુરના સુલતાન સિકંદર આદિલશાહને પરાજય આપીને બિજાપુરને મુઘલ સામ્રાજ્ય સાથે જોડી દીધું. ઔરંગઝેબ ગોલકોંડાને લશ્કરી તાકાતથી જીતી શક્યો નહિ, એટલે કિલ્લાના કિલ્લેદારને મોટી રકમની લાંચ આપીને ફોડ્યો અને સુલતાન અબુલ હસનને કેદી બનાવીને ગોલકોંડાનો કબજો લીધો. તેને પણ મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યું.

ગોલકોંડાની જીતથી તેને કરોડો રૂપિયાનો માલસામાન લૂંટવા મળ્યો હતો. અબુલ હસનના બહાદુર અને વફાદાર સરદાર અબુદુર રઝાકે મુઘલો સામે બતાવેલી શૂરવીરતા ગોલકોંડાના ઇતિહાસ તથા લોકગીતોમાં વણાયેલી છે. ઔરંગઝેબે મેળવેલી બિજાપુર તથા ગોલકોંડાની જીત અને તેમનો મુઘલ સામ્રાજ્યમાં કરેલ સમાવેશ એ તેની મોટી રાજકીય તથા લશ્કરી ભૂલ હતી. મરાઠાઓ સામે ઔરંગઝેબ તેમનો બફર રાજ્યો તરીકે ઉપયોગ કરી શક્યો નહીં, જેના પરિણામે મરાઠાને મુઘલો સામે ઝઝૂમવાનું વિશેષ બળ પ્રાપ્ત થયું. ઔરંગઝેબે શિવાજી તથા મરાઠાને નમાવવા તેમની સામે ૪૪ વર્ષો સુધી એકંદરે નિષ્ફળ લડાઈઓ કરી, તો પણ તે છેવટે મરાઠાને તાબે કરવામાં નિષ્ફળ ગયો. શિવાજીના અવસાન બાદ તેના પુત્ર સંભાજીનો ઔરંગઝેબે ક્રૂર રીતે વધ કરાવતાં રાજારામ, તારાબાઈ વગેરેની નેતાગીરી નીચે એક થઈને મરાઠાઓ મુઘલો સામે ખૂબ ઝનૂનપૂર્વક લડ્યાં અને તેમનાં આક્રમણોને નિષ્ફળ બનાવ્યાં.

આ સ્થિતિમાં ઔરંગઝેબનું દખ્ખણમાં જ ૧૭૦૭માં મૃત્યુ થયું. ઔરંગઝેબની દખ્ખણનીતિ માત્ર તેની પોતાની જ નહિ, પરંતુ મુઘલ સામ્રાજ્યની પણ કબર બની. ઔરંગઝેબના પુત્રોએ બળવો પોકારતાં ઔરંગઝેબ ભાંગી પડેલી સ્થિતિમાં અવસાન પામ્યો. બાબર, હુમાયુ અને અકબર દ્વારા જે મહાન મુઘલ સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો હતો તેના પતનનો પ્રારંભ ઔરંગઝેબનાં મૃત્યુ સાથે થયો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top