SURAT

બેંગ્કોકની ફ્રી ટુરની લાલચમાં સુરતના 4 યુવકો ભેરવાયા, મુંબઈ એરપોર્ટ પર કરોડોના ગાંજા સાથે પકડાયા

મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ ગઈકાલે સોમવારે બેંગકોકથી મેળવેલા 15.85 કરોડ રૂપિયાના હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવાના આરોપમાં ચાર ઈસમોની ધરપકડ કરી હતી. ચારેય આરોપી ગુજરાતના સુરતના હોવાની વિગતો જાણવા મળી છે.

સુરતના ડ્રગ્સ પેડલરે ચારેય યુવાનોને બેંગકોક થાઈલેન્ડની મફતમાં ટૂરની લાલચ આપી હતી અને યુવાનોને પરત ફરતી વખતે કોસ્મેટિક વસ્તુઓ હોવાનું કહીને હાઇબ્રિડ ગાંજા ભરેલી બેગ મુંબઈ ડિલિવરી કરવા જણાવ્યું હતું. જ્યારે સમગ્ર મામલે કસ્ટમ અધિકારીએ સુરતના યુવાનો પાસેથી ગાંજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મુંબઈ એરપોર્ટ ખાતેથી સુરતના ચાર યુવાનોને રૂ.15.85 કરોડ હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી મામલે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ સુરતના રહેવાસી ભાવિક પ્રજાપતિ (ઉં.વ. 25), ધાર્મિક મકવાણા (ઉં.વ. 22), રોનિત બલર (ઉં.વ. 23) અને હિતેનકુમાર કાછડિયા (ઉં.વ. 23) તરીકે થઈ છે. સ્પોટ પ્રોફાઇલિંગના આધારે, AIUના અધિકારીઓએ ગઈકાલે રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી આવેલા ચાર મુસાફરોની અટકાયત કરી હતી.

15.84 કિલોગ્રામ ગાંજો પકડાયો
કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા અટકાયત કરાયેલા ચાર ઈસમોના સામાનની તપાસ દરમિયાન પ્રત્યેક પેસેન્જર પાસેથી ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા હતા. જેમાં 15.84 કિલોગ્રામ વજનનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જેની કિંમત 15.85 કરોડ રૂપિયા છે. અધિકારીએ ઝડપાયેલો સામાન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર મામલે કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં દાણચોરી કરીને લાવેલા જપ્ત કર્યો હતો. જોકે, આરોપીઓ ભારતમાં પ્રતિબંધિત વસ્તુની દાણચોરી કરવાના બદલામાં ઝડપથી અને સરળતાથી મોટી રકમ મેળવી રહ્યા હતા. જ્યારે આ મામલે આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ જાણતા હતા કે હાઇડ્રોપોનિક ગાંજો અને અન્ય ગેરકાયદેસર દવાઓની ભારતમાં દાણચોરી કરવા પર કડક સજા થાય છે.

ત્રણ મહિનામાં દક્ષિણ ગુજરાતના 50થી વધુ યુવાનો NDPS કેસમાં પકડાયા
મળતી માહિતી મુજબ સુરતના વિરાટ પટેલ ઉર્ફે સન્ની નામના ડ્રગ્સ પેડલરે ચારેય યુવાનોને બેંગકોક થાઈલેન્ડની મફતમાં ટૂરની લાલચ આપી હતી અને પરત ફરતી વખતે કોસ્મેટિક વસ્તુઓ હોવાનું જણાવી હાઇબ્રિડ ગાંજા ભરેલી બેગ મુંબઈ ડિલિવરી કરવા જણાવ્યું હતું. ડ્રગ્સ માફિયાઓની આ પ્રકારની મોડસ ઓપરેન્ડિમાં છેલ્લા ત્રણ મહિનામાં દક્ષિણ ગુજરાતના 50થી વધુ યુવાનો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) કેસમાં પકડાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બેંગકોકથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટમાં આવેલા ચારેય યુવાનોની કસ્ટમ વિભાગે ધરપકડ કરી લીધી છે અને આગામી 15 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top