ભારતની ન્યાયપદ્ધતિ કેટલી મંથરગતિએ ચાલે છે, તેનું આદર્શ ઉદાહરણ ૧૯૮૪માં થયેલાં શીખ વિરોધી રમખાણોમાં ૪૦ વર્ષે આવેલો ચુકાદો છે. ૧૯૮૪માં દિલ્હીમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને રમખાણો અને હત્યા સહિત અનેક કલમો હેઠળ દોષી ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. હાલમાં સજ્જન કુમાર શીખ વિરોધી રમખાણોના બીજા એક કેસમાં તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં શીખો વિરુદ્ધ ફાટી નીકળેલાં રમખાણોમાં હજારો શીખો માર્યા ગયા હતા. આમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહ પણ શામેલ હતા. આ હિંસા દરમિયાન સજ્જન કુમાર પર ટોળાનું નેતૃત્વ કરવાનો આરોપ હતો. આ વિસ્તાર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. આ કેસની વિગતો મુજબ ૧ નવેમ્બર ૧૯૮૪ના રોજ પશ્ચિમ દિલ્હીમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા ટોળાએ બંનેને માર માર્યો હતો. જસવંત સિંહની પત્ની, પુત્રી અને ભત્રીજીઓને પણ આ ટોળાએ નિર્દયતાથી માર માર્યો હતો. આ ટોળાનું નેતૃત્વ કોંગ્રેસના નેતા સજ્જન કુમાર કરી રહ્યા હતા.
આ કેસના રેકોર્ડમાં જસવંત સિંહની પુત્રી પોતે પીડિત છે અને સાક્ષી પણ છે. આ ઘટના સમયે સાક્ષી લગભગ ૧૪ વર્ષની હતી અને તે ૧૦મા ધોરણની વિદ્યાર્થિની હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે સાંજે લગભગ ૪ થી ૪. ૩૦ વાગ્યાની વચ્ચે એક ટોળું આવ્યું અને તેણે તેમના ઘર પર આગળ અને પાછળથી હુમલો કર્યો હતો. હજારો લોકો ઘરની બહાર ઇંટો, લાકડીઓ અને લોખંડના સળિયા લઈને ઉભા હતા અને ટોળાએ તેને માર મારવાનું શરૂ કર્યું. કોર્ટે સ્વીકાર્યું હતું કે આ ઉંમરની છોકરી આવી હત્યાની ઘટના ક્યારેય ભૂલી શકતી નથી અને તેથી કોર્ટે આ જુબાની સ્વીકારી હતી.
મૃતક જસવંત સિંહની પત્નીએ ૬ નવેમ્બર ૧૯૯૧ના રોજ ન્યાયાધીશ જે.ડી. જૈન અને ન્યાયાધીશ ડી.કે. અગ્રવાલની સમિતિ સમક્ષ નિવેદન કર્યું હતું કે ઘટના પછી તેણે એક મેગેઝિનમાં સજ્જન કુમારનો ફોટો જોયા બાદ તેને ઓળખી કાઢ્યો હતો. આ કેસ ૪૦ વર્ષ લાંબો શા માટે ચાલ્યો? તે પણ જાણવા જેવું છે. જસવંત સિંહની પત્નીએ ૧૯૮૫માં સોગંદનામામાં સ્પષ્ટપણે લખ્યું હતું કે સજ્જન કુમાર ટોળાનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ તેમની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. આ પછી તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને એક પત્ર લખ્યો હતો. જસ્ટિસ જૈન અને અગ્રવાલ સમિતિએ કેસ દાખલ કરવાની ભલામણ કરી હતી, ત્યારબાદ વર્ષ ૧૯૯૧ માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા પછી પીડિત પરિવારનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
કેસની ફાઇલ અભરાઇ પર ચડી ગઈ હતી. જ્યારે ૨૦૧૪ માં NDA સરકાર સત્તામાં આવી ત્યારે પીડિતોએ એવા કેસોની ફરીથી તપાસની માંગ કરી હતી, જે પોલીસે બંધ કરી દીધા હતા અને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી.પી. માથુરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ અહેવાલ આપ્યો હતો કે શીખ વિરોધી રમખાણોને લગતા ઘણા કેસ ખોટી રીતે બંધ કરવામાં આવ્યા હતા, તેના પુરાવા ઉપલબ્ધ છે અને તેની ફરીથી તપાસ થવી જોઈએ. આ પછી, વર્ષ ૨૦૧૫ માં સરકારે SIT ની રચના કરી હતી. આ SIT એ ઘણા બધા કેસ ફરીથી ખોલ્યા હતા. આ કેસ ૫ મે ૨૦૨૧ ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં શરૂ થયો હતો અને ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ કોર્ટે સાક્ષીઓનાં નિવેદનોના આધારે સજ્જન કુમારને દોષિત ઠેરવ્યો હતો.
૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ, તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના અંગત સુરક્ષા ગાર્ડો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ રક્ષકો શીખ હતા અને તેને કારણે આખી શીખ કોમ ઉપર વેર વાળવા આ ઘટના પછી દિલ્હી સહિત ભારતના ઘણા વિસ્તારોમાં શીખો વિરુદ્ધ રમખાણો ફાટી નીકળ્યાં હતાં. તે સમયે રાજીવ ગાંધી નવા નવા વડા પ્રધાન બન્યા હતા. તેઓ આઘાતમાં હોવાથી દિલ્હીમાં ત્રણ દિવસ સુધી અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ રમખાણોમાં કોંગ્રેસના ઘણા નેતાઓ સક્રિય રીતે સામેલ થયા હતા, જેમાં સજ્જન કુમાર અને જગદીશ ટાઇટલર મુખ્ય હતા. આ રમખાણોની તપાસ માટે સરકારે નાણાવટી કમિશનની રચના કરી હતી. કમિશને પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે આ હત્યાકાંડમાં ૨,૭૩૩ શીખો માર્યા ગયા હતા.
જો કે, આ રમખાણોમાં માર્યા ગયેલા લોકો અંગે સરકારી આંકડાઓ અને શીખ સંગઠનોના દાવાઓ વચ્ચે ઘણો તફાવત છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એચએસ ફૂલકા લાંબા સમયથી ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના પીડિતોનો કેસ લડી રહ્યા છે. તેઓ કહે છે કે મોટાભાગના કેસો હવે પૂરા થઈ ગયા છે. સજ્જન કુમાર વિરુદ્ધ બીજો કેસ પેન્ડિંગ છે. જગદીશ ટાઇટલર વિરુદ્ધ ત્રણ શીખોની હત્યાનો કેસ પેન્ડિંગ છે, જ્યારે ત્રણ અન્ય કેસ ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. જગદીશ ટાઇટલર પર પણ શીખ વિરોધી રમખાણોમાં ભાગ લેવાનો પણ આરોપ છે. શીખ વિરોધી રમખાણો સંબંધિત કેટલીક અપીલો દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે.
દિલ્હીનાં શીખ વિરોધી રમખાણો અને ગુજરાતનાં મુસ્લિમ વિરોધી રમખાણોની સરખામણી કરવા જેવી છે. ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ ના રોજ, દિલ્હીના ઘણા વિસ્તારોમાં શીખો વિરુદ્ધ સાંપ્રદાયિક હિંસાના અહેવાલો આવ્યા હતા, પરંતુ હિંસા પછી હત્યાના પ્રથમ સમાચાર બીજા દિવસે સવારે જ નોંધાયા હતા. આ ઘટના પશ્ચિમ દિલ્હીમાં વહેલી સવારે બની હતી. ઇન્દિરા ગાંધીની હત્યા અને શીખો પર સશસ્ત્ર ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલા અને ત્યારબાદ થયેલી હિંસા વચ્ચે ઘણો સમયનો તફાવત હતો, જેના પરિણામે ૨,૭૩૩ લોકો માર્યા ગયા હતા, જે સરકારના દાવાને ખોટો પાડે છે કે હત્યા પછી તરત જ રમખાણો શરૂ થયા હતા અને તેની પાછળ કોઈ કાવતરું નહોતું.
૨૦૦૨ માં ગુજરાતમાં પણ આ જ મોડેલનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. ગોધરામાં થયેલી હિંસા પછી રમખાણોનો પહેલો કિસ્સો ગુલબર્ગ સોસાયટીમાં નોંધાયો હતો, જે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને સળગાવવાના લગભગ ૩૦ કલાક પછી બન્યો હતો. ૨૦૦૨નાં ગુજરાત રમખાણોના પીડિતોની તુલનામાં ૧૯૮૪નાં શીખ રમખાણોના પીડિતોને ન્યાયના નામે આનંદ કરવા માટે બહુ ઓછું મળ્યું છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં રાજકારણીઓ સંડોવાયેલા હોય. ગુજરાત રમખાણોના પીડિતો માટે રાહતની વાત છે કે તેઓ આ કેસમાં મોદી સરકારનાં મંત્રી માયા કોડનાનીને દોષિત સાબિત કરવામાં સફળ રહ્યા છે.
શીખ વિરોધી રમખાણોના કિસ્સામાં આંકડા ઘણું બધું કહી જાય છે. તપાસ કરાયેલા ૨૯૩ કેસમાંથી ખાસ તપાસ ટીમે માત્ર ૫૯ કેસોની ફાઇલો તપાસ માટે ફરીથી ખોલી હતી. આ ૫૯ ફરીથી ખોલવામાં આવેલા કેસોમાંથી પણ ૩૮ કેસોની ફાઇલો ફરીથી બંધ કરવામાં આવી હતી અને માત્ર ચાર કેસોમાં તપાસ ટીમ ચાર્જશીટ દાખલ કરવા માટે પુરાવા એકત્રિત કરવામાં સફળ રહી હતી. કોંગ્રેસના નેતાઓ જગદીશ ટાઇટલર અને સજ્જન કુમાર ઉપરાંત પૂર્વ દિલ્હીના નેતા એચકેએલ ભગત આ શીખ વિરોધી રમખાણોના મુખ્ય પાત્રો રહ્યા છે.
આ કેસમાં એચકેએલ ભગતનું મૃત્યુ થયું છે, પરંતુ હવે સજ્જન કુમાર ઉપરાંત જગદીશ ટાઇટલર અને કમલનાથ પર પણ કાયદાની તલવાર લટકી રહી છે. જગદીશ ટાઇટલરનો કેસ પહેલાથી જ કોર્ટમાં ચાલી રહ્યો છે. કમલનાથ પર રમખાણો દરમિયાન ગુરુદ્વારા રકાબગંજની સામે કારમાં પહોંચવાનો અને તોફાનીઓને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ છે. આ કેસ પણ કોર્ટમાં છે અને તેમને આરોપી બનાવવા માટે વિનંતી કરવામાં આવી છે. શીખ રમખાણોની તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશનના અહેવાલ મુજબ ફક્ત દિલ્હીમાં જ ૫૮૭ કેસ નોંધાયા હતા. કુલ કેસોમાંથી લગભગ ૨૪૦ કેસો બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૫૦ કેસોમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ, દિલ્હીની ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે શીખ રમખાણોના ૬ કેસોમાં નિર્દોષ છૂટેલા આરોપીઓ સામે અરજી દાખલ કરશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.