લગ્ન હોય કે વર્ષ ગાંઠની ઉજવણી લોકો નીત નવી રીતે કરતાં હોય છે. ત્યારે સુરતમાં ધંધા વ્યવસાય માટે સ્થાયી થયેલા પાંડે પરિવાર દ્વારા પોતાની 25મી લગ્નની રજત જયંતિને યાદગાર બનાવવા માટે કોઈ ખોટા ખર્ચા કે વિદેશ પ્રવાસ ન કરતાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી મહર્ષિ આસ્તિક વિદ્યાલયના વિશાળ કંપાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય કથાકાર રાજન મહારાજની પ્રવાહી શૈલીમાં કથાનું રસપાન શ્રોતાઓને કરાવવામા આવશે.
11હજાર બહેનો એકસરખી સાડી પહેરશે
27મી ફેબ્રુઆરીથી 7મી માર્ચ સુધી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મુખ્ય યજમાન દિનેશ પાંડે, રાકેશ પાંડે, પવન પાંડે, અરુણ પાંડે, વરુણ પાંડે અને સુરજ પાંડે છે.કથાનો પ્રારંભ 27મી ફેબ્રુઆરીથી થશે. આ પહેલા 27 ફેબ્રુઆરીએ ભવ્ય કળશ અને તુલસી યાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ રાજન મહારાજ દ્વારા રામ કથાનો પ્રારંભ કરાવવામાં આવશે.
કલશ અને તુલસી યાત્રામાં 11હજાર બહેનો એકસરખી સાડીમાં સજ્જ થઈને જોડાશે. કલશ યાત્રામાં જ્યાં મહિલાઓ અને છોકરીઓ કલશ અને તુલસી પકડીને ચાલશે ત્યાં પુરુષો પણ હાથમાં ભગાવો ધ્વજ લહેરાવતા જોવા મળશે.
દરેક દંપતીએ રામસીતામાંથી શીખવું જોઈએ
પવનજી પાંડેએ કહ્યું કે, મારા લગ્નને 25 વર્ષ થઈ રહ્યાં છે. ત્યારે મારી પત્ની કવિતાને મેં કહ્યું કે, લોકો રજત જયંતિએ વર્લ્ડ ટૂર કરતાં હોય છે. ઘણા ફરીથી લગ્ન કરતા હોય છે. તારી ઈચ્છા શું છે. ત્યારે કવિતાએ જવાબ આપેલો કે, મારી ઈચ્છા કંઈક અલગ છે. મારે ભગવાન રામની કથા કરાવવી છે. ભગવાન રામ અને માતા સીતામાંથી દરેક દંપતીએ શીખ મેળવવી જોઈએ. જેથી મારી ઈચ્છા છે કે રાજન મહારાજની રામ કથાનું આયોજન કરીએ.
આ વાત ત્રણેય સંતાનો યોગેશ, સંધ્યા અને સૌમ્યાને કરી હતી. સાથે જ ભાઈઓ સામે આ વાત કરી તો તમામ લોકો કથાના આયોજનમાં સહમત થયા હતાં. સાથે જ શહેરના અગ્રણીઓ અને વેપારીઓએ પોતાનો અમૂલ્ય સમય આપતાં આ કથાનું રૂડું આયોજન થઈ રહ્યું છે. કથા સ્થળે અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ પંડાલ બનાવવામાં આવ્યો છે.
કથાનો સમય સાંજે 5 થી 8 નો રહેશે. કથા સ્થળે પાર્કિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રોજ 30 હજાર જેટલા શ્રદ્ધાળુઓ એક સાથે બેસીને કથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
