Columns

સોનાના ભાવોમાં છેલ્લા ૧૪ મહિનામાં ૪૦ ટકાનો જંગી વધારો કેમ થયો છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શપથગ્રહણ સમયે કહ્યું હતું કે અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત હવે થાય છે. તેઓ એક અર્થમાં સાચા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પહેલા મહિનામાં સોનાનો ભાવ બધા રેકોર્ડ તોડી રહ્યો છે. તાજેતરમાં જ તે પ્રતિ ટ્રોય ઔંસ ૨,૯૦૦ ડૉલરથી વધુના સ્તરે ચાલી રહ્યો છે. સોનાનો ભાવ ગયા વર્ષે ૧૨ મહિનામાં ૨૭ ટકાના વધ્યો હતો, પણ આ વર્ષે તે બે મહિનામાં લગભગ ૧૨ ટકા વધી ચૂક્યો છે. ઘણા વ્યૂહરચનાકારો તેમના જૂના અંદાજોને વધારી રહ્યા છે અને ભવિષ્યમાં વધુ ભાવ વધારાની આગાહી કરી રહ્યા છે. સોનાના વાયદા બજાર માટેનાં વૈશ્વિક કેન્દ્ર ન્યૂ યોર્કમાં સોનાની માંગ એટલી બધી છે કે લંડનમાં તિજોરીઓમાંથી સોનાની લગડીઓ કાઢવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે.

સોનાને પરંપરાગત રીતે પણ સલામત રોકાણનું સ્વર્ગ માનવામાં આવે છે, જેના શરણે ઉથલપાથલના સમયમાં રોકાણકારો જાય છે. રસપ્રદ વાત એ છે કે, અમેરિકાના શેરોએ પણ પોતાના રેકોર્ડ બનાવવાનું ચાલુ રાખ્યું છે અને શેર બજાર પણ મજબૂત દેખાય છે. સોનાની ખરીદી પાછળ ધસારાનાં કારણોમાં એવો ભય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને વસાહતીઓના દેશનિકાલ અંગેની નીતિઓ ફુગાવાને વધુ વકરાવી શકે છે અને ભૂરાજકીય તણાવને વધુ બગાડી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પછી એવી સંપત્તિઓની શોધ ચાલી રહી છે, જેને અન્ય બજારો સાથે અસંબંધિત માનવામાં આવે છે અને જેને વીમા સાથેની નક્કર સંપત્તિ તરીકે જોવામાં આવે છે. દુનિયાના બજારોમાં ગમે તેટલી ઉથલપાથલ થાય તો પણ સોનાના ભાવો ઘટવાને બદલે વધે છે, કારણ કે, સોનાને કટોકટી કાળનું સૌથી સલામત રોકાણ માનવામાં આવે છે. રોકાણકારોનો માને છે કે સોનાને પકડી રાખવાનો હવે શ્રેષ્ઠ સમય છે, જેને કારણે સોનાના ભાવો બેફામ વધી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફ લગાવવાની ધમકી આપી છે, જે વૈશ્વિક વેપારના નિયમોને ઉથલાવી શકે છે. જો અમેરિકા અને બીજા દેશો વચ્ચે પૂર્ણ વિકસિત વેપાર યુદ્ધ ફાટી નીકળે તો બીટકોઈન જેવાં રોકાણો કરતાં સોનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતી સંપત્તિ હશે, એમ તાજેતરમાં બેંક ઓફ અમેરિકા દ્વારા સર્વે કરાયેલા મોટા ભાગના વૈશ્વિક ફંડ મેનેજરો કહે છે.

એવી પણ આશંકા છે કે અમેરિકામાં સોનાની આયાત પર સીધી જ ૧૦ ટકા ટેરિફ લાગુ થઈ શકે છે, જેના કારણે અમેરિકામાં સોનાનો સંગ્રહ સતત વધી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી ન્યૂ યોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ COMEX ખાતે સોનાનો સ્ટોક ૭૦ ટકાથી વધુ જેટલો વધ્યો છે. રોકાણકારોને સોનાના વાયદામાં વિશ્વાસ નથી રહ્યો માટે તેઓ ડિલિવરી લઈ રહ્યા છે. સોનાનો સૌથી મોટો વેપાર કરનારી સ્વિસ બેન્ક યુબીએસે તાજેતરમાં સોનાના ભાવ માટે તેની આગાહી વધારી છે અને કહ્યું છે કે વર્ષના અંતમાં તે ૩,૦૦૦ ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. હકીકતમાં સોનું અત્યારે ૨,૯૦૦ ડૉલર આસપાસ છે અને તે ટૂંકમાં ૩,૦૦૦ ડૉલર વટાવી શકે છે.

સામાન્ય રીતે ન્યૂ યોર્ક અને લંડનમાં સોનાના ભાવો લગભગ સમાન હોય છે, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ફિઝિકલ સોનાની માગમાં ભારે ઉછાળો આવતાં સોનાના ભાવો વચ્ચેનો તફાવત વધ્યો છે. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ લંડનની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધારે છે, જે સંભવિત ટેરિફના ભય સાથે જોડાયેલી માંગને કારણે છે. આ ભાવના તફાવતનો લાભ લેવા માંગતા વેપારીઓ લંડનથી ન્યૂ યોર્ક સુધી સોનાનું પરિવહન કરી રહ્યા છે. સોનું વજનદાર હોય છે અને તેનું પરિવહન કરવા માટે ઘણી સુરક્ષાની જરૂર પડતી હોય છે.

ચલણી નોટો, શેર, બોન્ડ અથવા ઘણી અન્ય નાણાંકીય સંપત્તિઓ ડિજિટલ રીતે સરહદો પાર કરે છે. તેનાથી વિપરીત ફિઝિકલ સોનાનું પરિવહન કરવું અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ હોય છે. તેના કારણે બ્રિટિશ તિજોરીઓમાંથી સોનું બહાર કાઢવા માટે લાંબી રાહ જોવી પડી છે. બેંક ઓફ ઈંગ્લેન્ડમાં ચાર લાખથી વધુ સોનાની લગડીઓ છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટોકમાંનો એક છે. આ વર્ષના આરંભથી પહેલા બે મહિના કરતાં ઓછા સમયમાં બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી સોનાની આશરે ૮,૦૦૦ લગડીઓ બહાર મોકલવામાં આવી છે, જેમાંની મોટા ભાગની લગડી અમેરિકામાં મોકલવામાં આવી છે.

સોનાના બજારમાં બીજી એક ખાસ વાત એ છે કે સોનાના વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ન્યૂ યોર્કના વેરહાઉસ ચોક્કસ કદ અને વજનની સોનાની લગડીઓ જ સ્વીકારે છે. તેનો અર્થ એ કે લંડનથી સોનાનું દરેક શિપમેન્ટ પહેલાં સ્વિટ્ઝર્લેન્ડ જાય છે, જે વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરીઓનું ઘર છે. ત્યાંથી તેને ઓગાળીને નાની લગડીના આકારમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી તેને ન્યૂ યોર્ક મોકલવામાં આવે છે. જાન્યુઆરીમાં અમેરિકામાં સ્વિસ સોનાની નિકાસ ૧૯૦ મેટ્રિક ટનથી વધુ વધી ગઈ હતી, જે ડિસેમ્બર કરતાં ત્રણ ગણી હતી. આ લાંબી પ્રક્રિયાને કારણે અમેરિકામાં સોનાની ડિલિવરીનો ગાળો ૬ સપ્તાહ જેટલો થઈ ગયો છે.

સોનાના ભાવોમાં તાજેતરનો વધારો જોરદાર રહ્યો હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેની પાછળનું કારણ કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીમાં થયેલો ભારે વધારો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ૨૦૨૨ થી કેન્દ્રીય બેંકોએ દર વર્ષે લગભગ ૧,૦૦૦ મેટ્રિક ટન જેટલાં સોનાની ખરીદી કરી છે. આ ખરીદી ચાલુ રહેવાની ધારણા છે, જેનાથી સોનાના ભાવ પર દબાણ આવશે. ગોલ્ડમેન સૅક્સે તાજેતરમાં સેન્ટ્રલ બેંકોની માંગને ટાંકીને આ વર્ષે તેની આગાહીને અપગ્રેડ કરીને પ્રતિ ઔંસ ૩,૧૦૦ ડૉલર કરી છે. કેટલીક સેન્ટ્રલ બેંકો માટે સોનાની ખરીદી તેમની અનામતનું વૈવિધ્યીકરણ કરવાનો એક માર્ગ છે, જેનાથી અમેરિકન ડૉલર, યુએસ ટ્રેઝરી બોન્ડ અને અન્ય વિદેશી ચલણની સંપત્તિઓ પરની તેમની નિર્ભરતા ઓછી થાય છે. આમ કરવાથી બજારમાં ઉથલપાથલનું જોખમ ઓછું થાય છે.

તાજેતરના વર્ષોમાં યુરોપના નાનકડા દેશ પોલેન્ડની સેન્ટ્રલ બેંક સોનાની સૌથી મોટી ખરીદદારોમાંની એક રહી છે, જેની યોજના તેની અનામતના ૨૦ ટકા સુધી સોનાને વધારવાની છે. સોનાની ખરીદીએ પોલેન્ડની નાણાકીય સુરક્ષામાં સુધારો કર્યો છે, જે વર્તમાન તંગ ભૂરાજકીય પરિસ્થિતિનો સામનો કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. સોનાના અન્ય મોટા ખરીદદારો ચીન, ભારત અને તુર્કીની સેન્ટ્રલ બેંકો છે. ભારતની રિઝર્વ બેંકે વર્ષ ૨૦૨૪માં ૭૨.૬ મેટ્રિક ટન સોનું ખરીદ્યું છે, જે આગલાં વર્ષ કરતાં ત્રણ ગણું છે. ભારતની રિઝર્વ બેન્ક પાસે ૮૭૯ મેટ્રિક ટન જેટલું સોનું છે.

ભારત પોતાનું સોનું સલામતીના તેમ જ અન્ય કારણોસર બીજા દેશોમાં સંગ્રહિત કરતું હતું, પણ હવે દુનિયામાં ઉથલપાથલ થવાના ડરથી RBI એ શાંતિથી સપ્ટેમ્બર ૨૦૨૪ માં પૂરા થયેલાં માત્ર બે વર્ષમાં ૨૧૪ ટન સોનું પાછું લાવ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ માં દેશમાં ફક્ત ૫.૩ ટન સોનું પાછું લાવ્યું હતું, જેનાથી ભારતનો સ્થાનિક સોનાનો સંગ્રહ ૩૦૧.૧ ટન થયો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૪ માં આ સંખ્યા ૧૦૬.૮ ટન વધીને સ્થાનિક સંગ્રહ ૪૦૮.૩ ટન થયો હતો. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રિઝર્વ બેંકે ૧૦૨.૨ ટન સોનું પાછું લાવ્યું હતું, જેનાથી કુલ ૫૧૦.૫ ટન સોનું પાછું લાવ્યું હતું. ઓક્ટોબરના અંતમાં સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા અનુસાર હજુ ભારતનો બાકીનો ૩૧૪ ટન સોનાનો ભંડાર બેંક ઓફ ઈંગ્લેન્ડના સેફ વોલ્ટમાં છે, ૧૦ ટન સ્વિટ્ઝર્લેન્ડના બેસલમાં બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ પાસે છે અને ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂ યોર્ક પાસે ૨૦.૩ ટન ભારતનો સોનાનો ભંડાર પડેલો છે.

ડિસેમ્બર ૨૦૧૭ થી RBI તેની રિઝર્વ મેનેજમેન્ટ વ્યૂહરચનાના ભાગ રૂપે સક્રિય રીતે સોનું એકઠું કરી રહી છે, પરંતુ તે COVID પછી વધુ આક્રમક બની છે અને વૈશ્વિક કેન્દ્રીય બેંકોમાં સોનાના મુખ્ય ખરીદદારોમાંની એક છે. અનામતમાં સોનું રાખવાનો રિઝર્વ બેંકનો ઉદ્દેશ્ય મુખ્યત્વે ફુગાવા સામે રક્ષણ તરીકે તેના વિદેશી ચલણ સંપત્તિ આધારનું વૈવિધ્યીકરણ કરવાનો છે. ફેબ્રુઆરી ૨૦૨૨ માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકોએ સક્રિય રીતે વધુ આક્રમક રીતે સોનું એકઠું કરવાનું શરૂ કર્યું છે. RBI એ પણ વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકોના વલણને અનુસર્યું છે. જાણકારો માને છે કે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ જ રહેવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top