આપણા સુરત શહેરની કાયાપલટ થઇ ગઇ લોકો દૂર દૂર સુધી વસી ગયા. શહેરનો જબરજસ્ત વિકાસ થયો હોવા છતાં હજુ આજે પણ સુરતવાસીઓ ભાગળને ભૂલી શકયા નથી. હાર્ટ સમાન ભાગળ ક્યારેય ભુલાશે નહીં. ભાગળ એટલે ભાગળ એટલે ભાગળ. વાર તહેવારે ભાગળ વિશેષ યાદ આવે છે. ભાગળ પર વર્ષોથી ભારતની મેચની જીતની ઉજવણી શાનદાર રીતે થતી આવી છે અને હજુ પણ આજે થાય છે. તાજેતરમાં ‘ચેમ્પિયન ટ્રોફીની મેચ યાદગાર બની. ભારતે ભવ્ય જીત મેળવી એ મનાવવા માટે સુરતી લાલાઓ દૂર દૂરથી આવીને ભાગળ પર ભેગા થયા ‘ભારત માતા કી જય’‘વંદેમાતરમ’અને ‘વિરાટ કોહલી જિંદાબાદ’ના નારાથી ભાગળની આસપાસનો આખો વિસ્તાર ગુંજી ઉઠયો.
‘મિત્ર’અખબારના અહેવાલ પ્રમાણે 25,000 ક્રિકેટ પ્રેમીઓ વિજયનાં ઉત્સવ મનાવ્યો. સામી હોળી પર દિવાળી જેવુ રંગીન વાતાવરણ જોવા મળ્યુ. મન મૂકીને આતશબાજી ફટાકડા ફોડીને સુપર સન્ડેની ઉજવણી ઉમંગ-ઉત્સાહ સાથે યુવાનો નાચી ઉઠયા. તિરંગા, ઢોલ, ત્રાસા, ડીજેના સંગીત સાથે બંદોબસ્ત માટે આવેલા પોલીસ જવાનાઓ પણ હસતા હસતા એમા હાજરી પુરાવી ભારત માતાના હિન્દુ મુસ્લિમ સંતાનોએ અરસપરસ બીજાને ગળે લગાડી ઉત્સવની પ્રેમથી હર્ષથી લાગણી વ્યકત કરી. 2022, 2023, 2024 પાકિસ્તાન સામેની જીતની પુરાણી રંગીન તસ્વીર પ્રકટ કરી ‘મિત્ર’અખબારે અમારા જેવા લાખો ક્રિકેટ પ્રેમીઓના દીલ જીતી લીધા સુરતવાસીઓનો ‘મિત્ર’અખબાર સાથે ભાગળ સાથેનો પ્રેમ સદા અકબંધ રહેશે.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજનું જીવન બુલેટ ટ્રેન
આજ-કાલ સમયની ગતિ જાણે બુલેટ ટ્રેન જેવી થઈ છે. વર્ષ મહિના, મહિના અઠવાડિયા, અઠવાડિયા દિવસ અને દિવસ જાણે કલાકોમાં ફેરવાઈ ગયા છે. આજનું જીવન જ જાણે બુલેટ ટ્રેન બની ગયું છે. આની પાછળ મહદઅંશે ટેકનોલોજી જવાબદાર છે. જેણે માનવીના કામ કરવાની ઝડપ તો વધારી દીધી છે, પરિણામે માનવી વધુને વધુ કામ કરી, વધુને વધુ સફળ થવાના પ્રયાસ કરે છે અને આ પ્રયાસોની વચ્ચે એ પોતાના સ્નેહીજનોને ક્યાંક ખૂણામાં મૂકી દીધા છે. સફળતાની શિખરો સર કરી માનવી આખરે તો એકલાનો જ ભોગ બને છે, પરિણામે મનનારોગો પણ વધી રહ્યા છે. સમયે પકડેલી ઝડપે માનવીને પોતાના સ્નેહીજનોથી ખૂબ જ દૂર કરી દીધો છે. આ સમયે પકડેલી ઝડપ માનવીને પોતાની સફળતાનો આનંદ પણ માણવા દેતી નથી. આ જોઈને ફરી લોકલ ટ્રેન યાદ આવે છે. સમયની ઝડપ સાથે સફળતા મેળવવામાં માનવી સ્નેહીજનોને અને ઘણી વખત પોતાને પણ ભૂલી જાય છે, તો આવી સફળતા કોઈ કામની ખરી?
ખરોડ – ઉમ્મેકુલસુમ શેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.