Charchapatra

શું ભારતને અમેરિકા તરફથી ચૂંટણી માટે 21 મિલિયન ડોલર મળ્યા?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ધડાકો કર્યો છે! તેમણે અગાઉના યુએસ શાસન દ્વારા ભારતને ‘મતદારોની સંખ્યા’ વધારવા માટે યુએસએઆઈડી એજન્સીના માધ્યમથી 21 મિલિયન ડૉલર (રૂ. 182 કરોડ) આપવામાં આવ્યા હોવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે આ વાત ઓછામાં ઓછી પાંચ વખત કહી છે. ટ્રમ્પનાં નિવેદનો પછી ભાજપ માને છે કે, યુએસએઆઈડી ભંડોળ અમેરિકાથી ભારતમાં મતદારોની સંખ્યા વધારવાના પ્રોજેક્ટના નામે આવ્યું હશે, પરંતુ તેનો ઉપયોગ મોદી સરકારને અસ્થિર કરવા માટે કરવામાં આવ્યો હતો. આથી મોદી સરકાર હવે યુએસ અધિકારીઓ પાસેથી વિગતો એકત્રિત કરી રહી છે.

ટ્રમ્પે શું કહ્યું? તેમણે પૂછ્યું: ‘‘અમારે ભારતમાં મતદારોની સંખ્યા વધારવા પર 21 મિલિયન ડૉલર ખર્ચવાની શું જરૂર છે? મને લાગે છે કે તેઓ બીજા કોઈને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આપણે ભારત સરકારને કહેવું પડશે.’’ ટ્રમ્પે આવું એક વાર નહીં, પણ પાંચ વાર કહ્યું. ટ્રમ્પની આ ટિપ્પણી અબજોપતિ એલન મસ્કના નેતૃત્વ હેઠળના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ) દ્વારા વિવિધ દેશોને આપવામાં આવતા 486 મિલિયન ડૉલરના ભંડોળને બંધ કર્યાના થોડા દિવસો પછી આવી છે. ડોજએ યુએસએઆઈડી દ્વારા વિશ્વના અન્ય દેશોમાં વિવિધ હેતુઓ માટે મોકલવામાં આવેલા ભંડોળની યાદી બહાર પાડી.

આમાંથી 21 મિલિયન યુએસ ડૉલર ભારતમાં ‘મતદાતા, મતદાન’ વધારવા માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. ડોજએ એમ પણ કહ્યું હતું કે, 29 મિલિયન યુએસ ડૉલર ‘બાંગ્લાદેશમાં રાજકીય પરિદૃશ્યને મજબૂત બનાવવા’ માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જ્યાં ગયા ઓગસ્ટમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ અને મુખ્ય વિપક્ષ બીએનપી અને ઇસ્લામિક કટ્ટરપંથી પક્ષ – જમાત-એ-ઇસ્લામી દ્વારા સમર્થિત હિંસક રાષ્ટ્રવ્યાપી આંદોલન પછી બન્યું હતું.

તે સમયે એવા આરોપો લાગ્યા હતા કે શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં યુએસ ‘ડીપ સ્ટેટ’ સામેલ હતું. ટ્રમ્પની ટિપ્પણીનો ભારતમાં રાજકીય પ્રભાવ પડ્યો છે. ભાજપના નેતાઓ માને છે કે, યુએસએઆઈડીનું મોટા ભાગનું ભંડોળ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ દ્વારા શરૂ કરાયેલા સંગઠનો દ્વારા આવે છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓ કહે છે કે, આ તેમની વિરુદ્ધનું એક કાવતરું છે, જેથી તેમને બદનામ કરી શકાય. મોદીના સમર્થકોનું કહેવું છે કે સોરોસે સત્તાવાર રીતે કહ્યું છે કે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવાનાં પગલાંને પ્રોત્સાહન આપવા માંગતા હતા.

યુએસએઆઈડીનાં નાણાંનો ઉપયોગ ભારતમાં દલિત અને ઓબીસી મતદારોને મતદાનમાં ભાગ લેવા માટે રાજી કરવા માટે કરવામાં આવ્યો હતો. લગભગ તે જ સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીની માંગ ઉઠાવી હતી. આ જ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી અમેરિકા પણ ગયા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે, ‘‘ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે અને પશ્ચિમી દેશોએ હસ્તક્ષેપ કરવો જોઈએ.’’ તે સમયે રાહુલ ગાંધી બાઇડેન વહીવટીતંત્રના ઘણા ટોચના અધિકારીઓ અને યુએસ સાંસદોને મળ્યા હતા. કોંગ્રેસે ભારતમાં વિવિધ સરકારી સંગઠનો અને એનજીઓને આપવામાં આવતા યુએસએઆઈડી સહાય અંગે મોદી સરકાર પાસે શ્વેતપત્રની માંગ કરી છે.

આ મામલો કેમ બહાર આવ્યો છે? ટ્રમ્પ સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે. તેઓ તેમની સરકારના પૈસા અન્ય દેશોની સરકારો બદલવા માટે ખર્ચવા માંગતા નથી. આ યુએસ નીતિમાં 360-ડિગ્રી બદલાવ છે. તમે યુક્રેનમાં તેની અસરો જોઈ શકો છો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડેનનું પ્રશાસન રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનને ભારે સમર્થન આપી રહ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીને રશિયા સામેના યુદ્ધમાં યુએસ તરફથી લશ્કરી અને નાણાકીય સહાય મળી રહી હતી. અમેરિકાએ યુક્રેનને 300 બિલિયન યુએસ ડૉલરની સહાય આપી હતી, પરંતુ હવે ટ્રમ્પે યુ-ટર્ન લીધો છે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શાંતિ કરાર કરવાનો નિર્ણય લીધો છે.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) એસવાય કુરૈશીએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે, અમેરિકાએ મતદાતાઓને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું અને અહેવાલોને ‘સંપૂર્ણપણે ખોટા અને દુર્ભાવનાપૂર્ણ’ ગણાવ્યા હતા. જોકે, તેમણે સ્વીકાર્યું કે, 2012માં જ્યારે તેઓ સીઈસી હતા ત્યારે ઈસીઆઈએ ‘ભારતમાં મતદાન વધારવા માટે એક અમેરિકન એજન્સી દ્વારા ચોક્કસ મિલિયન ડૉલરના ભંડોળ’ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પૈસા ક્યારેય ઈસી પાસે આવ્યા નહીં. 2012માં મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન યુએસ સ્થિત ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ (આઈએફઈએસ) સાથે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

હવે, આપણી પાસે થોડા પ્રશ્નો છે : આ ભંડોળનો હેતુ શું હતો અને તે કોના હિતોને પૂર્ણ કરી રહ્યું હતું? ભારતની ચૂંટણીઓમાં અને ચોક્કસ વસ્તી વિષયક લોકોના મતદાનમાં અમેરિકાનું શું હિત છે? કોઈ એવો આરોપ લગાવતું નથી કે, ઈસીઆઈને ખુદ યુએસએઆઈડીના પૈસા મળ્યા હતા. તેના બદલે, ભંડોળ ભારતીય અને વિદેશી બંને પ્રકારના બહુવિધ એનજીઓ દ્વારા મોકલવામાં આવ્યું હતું. આમ, આપણે એ વાતનો ઇનકાર કરી શકતા નથી કે, ડોજ દ્વારા જાહેર કરાયેલી માહિતી અને ત્યાર બાદની કાર્યવાહીઓથી ભારતની ચૂંટણી પ્રક્રિયાઓમાં વિદેશી પ્રભાવ વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. ચૂંટણી ચક્ર સાથે યુએસએઆઈડી ભંડોળ પેટર્નનું સંરેખણ, ચોક્કસ મતદારોની વસ્તી વિષયક માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવું અને વિદેશી સંસ્થાઓની સંડોવણી રાજકીય પરિણામોને આકાર આપવા માટે ઇરાદાપૂર્વકના પ્રયાસ સૂચવે છે. આ ખુલાસાઓ સંબંધિત પક્ષો તરફથી ઊંડી તપાસ અને પારદર્શિતાની માંગ કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top