દિલ્હીની સરહદો પર ખેડૂતોના ધરણા શરૂ થયા તેને બે મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ ખેડૂત આંદોલને આ સમયગાળા દરમ્યાન ધીમે ધીમે ભારે વેગ પકડ્યો છે અને તેમાં અનેક ઘટનાક્રમો સર્જાયા છે. લાંબા સમય સુધી એકંદરે અહિંસક રહેલા આંદોલનમાં ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને ટ્રેકટર પરેડ વખતે તોફાનો થયા. આ આંદોલન તે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ધ્યાન તો ખેંચવા માંડ્યું જ હતું.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, અમેરિકા અને બ્રિટનના કેટલાક સાંસદોએ આ આંદોલનને ટેકો આપતા નિવેદનો કર્યા, જો કે તે માટે મોટે ભાગે વિદેશોમાં વસતા ભારતીયો, ખાસ કરીને પંજાબી શીખોનું લોબીઇંગ વધારે જવાબદાર જણાતું હતું પરંતુ પ્રજાસત્તાક દિનની હિંસા પછી તો આ આંદોલને સ્વાભાવિક રીતે આંતરરાષ્ટ્રીય સમાજનું ધ્યાન ખેંચ્યું છે અને કેટલીક વિશ્વ પ્રસિધ્ધ સેલિબ્રિટીઓએ આ આંદોલનના ટેકામાં નિવેદનો કર્યા તે સાથે જ ભારત સરકાર જાણે શિયાવિયાં થઇ ગઇ.
જાણીતી ગાયક રિહાનાએ આ આંદોલનના ટેકામાં એક ટ્વીટ કર્યું. ‘આપણે શા માટે આ વિશે બોલતા નથી?’
માત્ર એટલું તેણે ટ્વીટર પર ખેડૂત આંદોલન વિશે લખ્યું. આનાથી વિશેષ લખવા માટે તેના પાસે કદાચ કોઇ માહિતી પણ ન હશે! આમાં મહત્વનું નિવેદન ગ્રેટા થંબર્ગનું હતું જેણે આ ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે ટુલ-કિટ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મૂકી. આ ગ્રેટા થંબર્ગ ભલે ખૂબ નાની વયની હોય પણ ભારે બાહોશ છે અને હવામાન પરિવર્તન અંગે વૈશ્વિક નેતાઓની નિષ્ક્રિયતાને ઝાટકતા તેના પ્રવચનો ખૂબ ગાજ્યા હતા. તેણે ટ્વીટર પર ટૂલ કિટ મૂકી તેનાથી ભારત સરકારમાં જાણે ગભરાટ ફેલાઇ ગયો.
કોઇ પણ મોટા આંદોલનને ટેકો આપવા માટે શું કરવું તેના સલાહ સૂચનો, માર્ગદર્શનો વૈશ્વિક ચળવળકારો વગેરે મૂકતા હોય છે અને તેને ટૂલ-કિટ કહેવામાં આવે છે અને આવી જ એક ટૂલ કિટ ગ્રેટાએ મૂકી હતી. જો કે દિલ્હી પોલીસે તો તે અંગે ગુનો દાખલ કરી દીધો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેણે તે ‘ટૂલકિટ’ અંગે કેટલાક અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો છે જે તરૂણવયની હવામાન ચળવળકાર ગ્રેટા થંબર્ગ તથા અન્યોએ ટ્વીટર પર શેર કરી હતી.
ટૂલકિટના નામે ઓળખાવાયેલા આ દસ્તાવેજમાં આંદોલનકારીઓને આંદોલનને ઉગ્ર બનાવવા માટે વિવિધ સલાહો આપવામાં આવી છે જેમાં આંદોલનને કઇ રીતે ટેકો આપી શકાય તે માટે વિવિધ સલાહો આપવામાં આવી છે જે મુખ્યત્વે વિદેશોમાં વસતા લોકો માટે છે. આમાં ટ્વીટર પર ટ્વીટ્સનો મારો ચલાવીને તોફાન સર્જવાની, ભારતીય દૂતાવાસોની બહાર વિરોધ પ્રદર્શનો કરવા જેવી બાબતોની સલાહો આપવામાં આવી છે.
તેમાં ભારત સરકાર સામે સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક યુદ્ધ છેડવાનો હેતુ જણાયો છે એવો દાવો દિલ્હી પોલીસનો હતો.એક પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર(ક્રાઇમ) પ્રવીર રંજને જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે આ ‘ટૂલકિટ’ તપાસી છે જેમાં સામાજીક શત્રુતા ફેલાવવાની યોજના જણાય છે. તે તેયાર કરનારાઓ સામે ગુનાહિત કાવતરું, દેશદ્રોહ તથા અન્ય ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જણાયું છે કે આ ‘ટૂલકિટ’ એક ખાલીસ્તાન તરફી સંગઠન દ્વારા બનાવવામાં આવી છે. આ સંગઠનનું નામ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન હોવાનું જાણવા મળ્યું છે. ગ્રેટા થંબર્ગ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે કેમ? એવું પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે એફઆઇઆરમાં કોઇનું નામ નથી.
જો કે બાદમાં આવેલા એક અહેવાલ પ્રમાણે આ ટૂલ-કિટ ખાલિસ્તાનવાદી સંગઠને તૈયાર કરી હોવાનું જણાતું નથી. અહીં પ્રશ્ન એ થાય છે કે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓના નિવેદનો બાબતે ભારત સરકાર આટલી બધી સંવેદનશીલ કેમ બની ગઇ છે? જ્યારે કે અત્યાર સુધી આવી કોઇ હસ્તિએ ભારત સરકાર કે ભારત દેશની વિરુદ્ધ નિવેદન કર્યું નથી, તેઓ ફક્ત અહિંસક ખેડૂત આંદોલનને જ ટેકો આપી રહ્યા છે, હિંસક ઘટનાઓને કોઇએ ટેકો આપ્યો નથી.
આ વિદેશી મહાનુભાવો કે આંતરરાષ્ટ્રીય જાણીતી હસ્તિઓના ખેડૂત આંદોલન અંગેના નિવેદનો બાબતે ભારતના વિદેશ મંત્રી જય શંકરે શનિવારે નિવેદન કર્યું જેમાં તેમણે કહ્યું કે ‘’સ્પષ્ટ જણાઇ આવે છે કે ખેડૂત આંદોલન અંગે નિવેદનો કરતા આંતરરાષ્ટ્રીય હસ્તિઓને આ આંદોલન અંગે કોઇ માહિતી જ નથી.’’
વિદેશ મંત્રીની વાત સાચી જ છે અને અહીં એ જ પ્રશ્ન દોહરાવવાનો થાય છે કે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓના નિવેદનો અંગે ભારત સરકાર આટલી બધી સંવેદનશીલ કેમ બની ગઇ છે? ખરેખર તો તેણે આ બાબતને કશું જ મહત્વ આપ્યા વિના અવગણવી જોઇએ.