રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓને ઇન્જેક્શન આપતા વીડિયો ટેલિગ્રામની પોર્ન ચેનલ પર વેચી મારવાના કૌભાંડમાં આગળની તપાસ દરમ્યાન રાજકોટની આ હોસ્પિટલના સીસીટીવી નેટવર્કને હેક કરનાર સુરતના એક સાયબર ચાંચીયા સહિત વધુ ત્રણ સાયબર માફિયાઓની ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા ત્રણ સાયબર માફિયાઓમાં સુરતના પરીત ધનશ્યામભાઈ ધામેલીયા, રાયન રોબીન પરેરા ( રહે. વસઈ – મહારાષ્ટ્ર ) અને વૈભવ માને (રહે.સાંગલી, મહારાષ્ટ્ર )નો સમાવેશ થાય છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ડૉ લવીના સિન્હાએ કહયું હતું કે આ જ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓ પ્રજ્જવલ તૈલી ( લાતુર – મહારાષ્ટ્ર) , પ્રજા રાજેન્દ્ર પાટીલ (સાંગલી – મહારાષ્ટ્ર) અને ચંદ્રાપ્રકાશ ફુલચંદ ( પ્રયાગરાજ) સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે, આ ત્રણેય આરોપીના 1 માર્ચ સુધીના રિમાન્ડ પર છે. તેઓની વધુ પુછપરછ દરમ્યાન મળેલી માહિતી તેમજ ટેકનીકલ એનાલીસીસ કરતાં વધુ ત્રણ આરોપીઓની સંડોવણી બહાર આવી છે. ખાસ કરીને સુરતના પરીત ધામેલીયા વિદેશી લોકો પાસેથી સીસીટીવી હેક કરવાની ટેકનીક શીખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જુદા જુદા ત્રણ સોફટવેરનો ઉપયોગ કરીને રાજકોટના પાયલ હોસ્પિટલનું સીસીટીવી નેટવર્ક હેક કર્યુ હતું. જેમાં મહિલા દર્દીને નર્સ દ્વારા થાપે ઈન્જેકશન આપવામાં આવતું હોય તે સીસીટીવી ફૂટેજ આરોપીઓએ વેચી માર્યા હતા. રાયન પરેરાની ભૂમિકા ટેલીગ્રામ ચેનલ પર વીડિયો વેચવાની હતી. જયારે વૈભવ માને ટેલીગ્રામ ચેનલનું માર્કેટિંગ કરતો હતો. એટલું જ નહીં બેન્ક એકાઉન્ટની પણ સુવિધા આપતો હતો. આ ઉપરાંત દિલ્હીના અન્ય એક વધુ સાયબર ગુનેગાર રોહિત સીસોદિયાની પણ સંડોવણી બહાર આવી છે. આ ગેંગ દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર વેચ્યા હતા.
