દેશમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ જેટલો ઊંચો છે, તેમ તેમ તેની કિંમત પણ ઊંચી ને ઊંચી જ જાય છે. અને ભારતમાં જો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ પણ જાય તો એ આપણા કામનો હોતો નથી કારણ કે આપણા ખિસ્સા પર ઘટાડાની વધારે અસર થતી નથી. આ ઘટાડો ખૂબ ઓછો હોય છે અને તેના પર વસૂલાતો કર ખૂબ વધારે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવા છતાં આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થતો નથી. ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલના બેઝ પ્રાઈસથી ત્રણ ગણા ચુકવે છે.
તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે ભારતમાં પેટ્રોલના ભાવ બે પાડોશી દેશો નેપાળ અને શ્રીલંકા કરતા ઘણા વધારે છે. નોંધપાત્ર વાત એ છે કે નેપાળ કે જ્યાં તેલ ભારતમાંથી પૂરા પાડવામાં આવે છે, ત્યાંનું તેલ ભારત કરતા સસ્તુ છે. દરરોજ ભારતમાંથી 1800 જેટલા ઓઇલ ટેન્કર માર્ગ દ્વારા નેપાળ જાય છે. ઉપરાંત હવે ભારતથી નેપાળના પારસાના અમલેખગંજ ડેપોમાં 69 કિલોમીટર મોતીહારી-અમલેખગંજ પાઇપલાઇન દ્વારા તેલ મોકલવામાં આવી રહ્યું છે.
ભારત કરતા પડોશી દેશોમાં પેટ્રોલની કિંમત ઓછી છે:
એક નેપાળી રૂપિયો આપણા 62 પૈસા બરાબર છે, એટલે કે નેપાળના 100 રૂપિયા ભારતમાં 62 રૂપિયા જેટલા છે. ભારતના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ લગભગ 93 રૂપિયા છે. નેપાળ ઓઇલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ અનુસાર 19 જાન્યુઆરીએ બિરગંજમાં તેલની કિંમત 108.50 નેપાળી રૂપિયા (67.95 ભારતીય રૂપિયા) હતી. નેપાળના બીજા બોર્ડર ડિસ્ટ્રિક્ટ રક્સૌલમાં તેલની કિંમત 140.76 નેપાળી રૂપિયા (ભારતીય રૂપિયામાં 88.15 રૂપિયા) છે. એટલે કે, ભારતથી નેપાળ જાય છે તે પેટ્રોલ નેપાળમાં ભારત કરતા ઘણું સસ્તું છે.
શ્રીલંકામાં પેટ્રોલની કિંમત હાલમાં શ્રીલંકાના 161 રૂપિયા પ્રતિ લિટર છે. જે ભારતીય ચલણ મુજબ 61 રૂપિયા છે. બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત ભારતીય ચલણ મુજબ લિટર દીઠ 76 રૂપિયા છે. ભૂટાનમાં પેટ્રોલ સૌથી સસ્તું એટલે કે 49 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલ 46 રૂપિયા પ્રતિ લિટરની નજીક છે. ભુટાન પણ ભારતમાંથી સંપૂર્ણ તેલની આયાત કરે છે. પરંતુ પેટ્રોલ પર ખૂબ જ ઓછો કર છે. પાકિસ્તાનના 100 રૂપિયા ભારતના 46 રૂપિયા જેટલા છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા (50.99 ભારતીય રૂપિયા) પ્રતિ લિટર છે. ડીઝલની કિંમત (52.81 ભારતીય રૂપિયા) છે.
હકીકતમાં ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ વેરા ખૂબ વધારે છે. પેટ્રોલ પર સેસ પણ ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. આ જ કારણ છે કે આપણા દેશમાં પેટ્રોલના ભાવ ઘણા ઊંચા છે. આપણે જે પેટ્રોલ પ્રતિ લીટર રૂ .84ના ભાવે મળે છે, તેની મૂળ કિંમત 26 થી 27 રૂપિયા પ્રતિ લિટર છે. નેપાળમાં પેટ્રોલ પરનો કર ભારત કરતા ઘણો ઓછો છે.
વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયા બાદ લોકો રાહતની આશામાં હતા. પરંતુ સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો હતો. આ પહેલા 2014 માં પેટ્રોલ પર 9.48 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 3.56 રૂપિયા ટેક્સ હતો. નવેમ્બર 2014 થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ ગણો વધારો કર્યો. આ 15 અઠવાડિયામાં પેટ્રોલ પર ડ્યુટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લિટર વધી છે. આને કારણે સરકારે 2016-17માં 2,42,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે 2014-15માં 99,000 કરોડ રૂપિયા હતી. બાદમાં ઑક્ટોબર 2017 માં તેમાં બે રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા. જો કે એક વર્ષ પછી ડ્યુટીમાં ફરીથી લિટર દીઠ રૂ .1.50 નો વધારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જુલાઈ 2019 માં ફરી એક લીટર દીઠ બે રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. આ પછી 1 ફેબ્રુઆરી 2021 ના રોજ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લાદવાની જાહેરાત કરવામાં આવી. પેટ્રોલ પર લિટર દીઠ 2.5 રૂ. અને ડીઝલ પર લિટર દીઠ 4 રૂ. કૃષિ સેસ લાગશે.