Editorial

ગુજરાતમાંથી કોંગ્રેસ સાવ સાફ થઈ રહી છે, શહેરીકરણની વ્યુહરચના ભાજપને ફાયદો કરી રહી છે

ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાના પરિણામો મંગળવારે જાહેર થયા. પરિણામ અપેક્ષા મુજબનું જ આવ્યું છે. જૂનાગઢ મહાપાલિકા ઉપરાંત 68માંથી 60 નગરપાલિકા ભાજપે જીતી લીધી. પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી સપાએ જીતી પરંતુ એ કાંધલ જાડેજાની વ્યક્તિગત જીત કહી શકાય. સમ ખાવા પૂરતી એકમાત્ર સલાયા નગરપાલિકા કોંગ્રેસ જીતી શકી ત્યાં મુસ્લિમ બાહુલ્ય અને અતિક્રમણ હટાવવાનો મુદ્દો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતે પણ ચોરવાડમાં હારી ગયા અને તેમના સાથી ઉમેદવારોને પણ ડૂબાડતા ગયાં. આંકલાવમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા પોતાના હોમ ટાઉનમાં પણ પક્ષને જીતાડી શક્યા નહીં. તેવી જ રીતે ખેડબ્રહ્મામાં તુષાર ચૌધરી પોતાની પાર્ટીને જીતાડી શક્યા નહીં. આ ચૂંટણીમાં ભાજપનાં મતની ટકાવારી 60 ટકા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 16 ટકા મત મળ્યાં છે.

આ ચૂંટણીના પરિણામોએ ફરી સવાલ ઊભા કર્યા છે કે ગુજરાતમાં શું કોંગ્રેસ સાવ વિલુપ્ત થવા જઈ રહી છે? કોંગ્રેસના નેતાઓનું કદ એટલું વામણું થઈ ગયું છે કે પોતાના ગામમાં પણ ચૂંટણી જીતી કે જીતાડી શકતા નથી. સામે પક્ષે ભાજપ કોઈ પણ ચૂંટણીને નાની ચૂંટણી ગણી અવગણતો નથી. તેના નેતાઓ અને કાર્યકરો આખું વર્ષ ઇલેક્શન મોડમાં જ રહે છે. અત્યાર સુધી ભાજપ માત્ર શહેરોનો પક્ષ ગણાતો હતો, પરંતુ હવે ભાજપે એ માન્યતા પણ તોડી નાખી છે. હવે આદિવાસીથી લઈ દલિતો અને મુસ્લિમો સુધી ભાજપે પગપેસારો કર્યો છે.

આ ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ચૂંટાયા છે. આ સાથે જ ભાજપે પોતાની શહેરોમાં સ્થિતિ અત્યંત મજબૂત કરી દીધી છે. ભાજપે પહેલાથી જ ગુજરાતમાં શહેરીકરણની નીતિ અપનાવી છે. અત્યાર સુધી તમામ મહાનગરો પર ભાજપની મજબૂત પકડ હતી. ભાજપે ગુજરાતમાં નવા 12 મહાનગર બનાવી દીધા છે. સેમી અર્બન ગણાતા નગરોમાં 90 ટકાથી વધારે પાલિકાઓ ભાજપ પાસે છે.

એવું નથી કે આ નગરપાલિકાઓમાં ભાજપ બહુ સારું શાસન કરે છે. અનેક સમસ્યાઓ આ નગરોમાં છે. ત્યાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર છે. રાજ્ય સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે, પણ સ્થાનિક સ્તરે ખાયકી થઈ જાય છે. ઘણી પાલિકાઓ પાસે લાઈટ બિલ ભરવાના રૂપિયા નથી. સરકાર સ્વિમિંગ પૂલ જેવી સુવિધા તો કરી આપે છે, પરંતુ તેને મેન્ટેન કરવાનું આ પાલિકાઓનું ગજું નથી. આવા તો ઘણા મુદ્દાઓ આ નગરોમાં હતા.

વર્ષોથી ભાજપનું શાસન હોય તો સ્થાનિક સ્તરે નારાજગી પણ રહેવાની જ. પરંતુ ભાજપે ઉમેદવારો બદલાવી નાખવાથી લઈ અનેક વ્યૂહ અપનાવ્યા. કોંગ્રેસ દરેક મોરચે ઊંઘતી ઝડપાઈ. આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં સંગઠન જેવું કઈ નથી. જ્યાં તેના ઉમેદવારો ચૂંટાયા તે ભાજપની ટિકિટ નહીં મળવાથી નારાજ બળવાખોરો હતા અને ચૂંટાયા પછી ભાજપમાં જોડાઈ જાય તો નવાઈ નહીં. અનેક નગરો તો  એવા છે કે જ્યાં આખી નગરપાલિકામાં વિપક્ષની હાજરી જ નહીં હોય. ગુજરાતમાં આવી સ્થિતિ આવી તે માટે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસ પાસે નવી નેતાગીરી ઉભરી રહી નથી. ભાજપની હિન્દુત્વની વિચારધારા હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી અસર કરી રહી છે. આવનારા ઘણાં વર્ષો સુધી હવે કોંગ્રેસ ફરી ઊભી થઈ શકે તેવી કોઈ સ્થિતિ જણાતી નથી.

Most Popular

To Top