તાજેતરમાં દેશની સુપ્રિમ કોર્ટના જજોએ ટીપ્પણી કરતા કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી અને પ્રજાને મફતની લ્હાણીઓ કરવા સામે નારાજગી બતાવીને જવાબ માંગ્યો છે. વર્લ્ડ બેંકે પણ થોડા સમય પહેલાં ભારત સરકારને આ અંગે ચેતવણીઓ આપી છે કે તમારું દેવું તમારા જી.ડી.પી.ને પાર કરી ગયું છે. પ્રજાને અપાતી મફતની રેવડીઓ બંધ કરો. આ તદ્દન સત્ય બાબત છે. શરૂઆત મનમોહન સરકારે ‘મનરેગા’ યોજનાથી કરી હતી. ગ્રામ્ય મજૂરોને કામ ન મળે તેવા સંજોગોમાં સરકાર એમને ચોક્કસ રકમની સહાય કરતી યોજના સારી હતી.
પરંતુ સામાજિક પ્રત્યાઘાત અવળા પડ્યા. ગ્રામ્ય સ્તરે મજૂરી મોંઘી થઈ ગઈ. મજૂરો સસ્તું કામ કરતાં બંધ થયાં. નવરાં બેસી રહે પણ કામે ન જાય. આથી ખેતીકામ સાથે મજૂરોથી થતાં બધાં કામો મોંઘાં થયાં. સરકાર આર્થિક, સામાજિક વૈશ્વિક અસરોનો અભ્યાસ કર્યા વિના યોજનાઓ અમલમાં મૂકે છે, જેનાં અતિ ગંભીર પરિણામો આવે છે. સરકારે વિધવાઓને આર્થિક સહાય ચાલુ કરતાં એની ગંભીર અસર રૂપે વિધવાઓના પુન:લગ્ન ઓછાં થઈ ગયાં. એક તો સ્ત્રીઓની સંખ્યા આમેય પુરુષો કરતાં ઓછી છે. મફત વીજળી, મફત પાણી- મફત રાશન- લાડલી બહેના-કુંવરબાઈનું મામેરું જેવી મોટા ભાગની યોજનાઓ સરકારી તિજોરી ખાલી કરે છે અને એનો લાભ ગેરલાયક ખમતીધર લોકો ઉઠાવે છે. આ બધી રેવડીઓ દેશને ડુબાડશે.
સુરત – જિતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
.