થોડા સમય પહેલા ‘ગુજરાતમિત્ર’માં આવેલા સમાચાર મુજબ ધારાસભ્ય અરવિંદકુમાર રાણાની RTIની કલમ 19(8)C અને કલમ 25(5) હેઠળ રાજ્ય માહિતી આયોગ, મહારાષ્ટ્ર દ્વારા ઉપરોક્ત કલમ બાબતે આદેશ આપવામાં આવ્યો છે કે જાહેર સત્તાવાળાઓએ બાંધકામ, ઈમારતના નકશા, દસ્તાવેજો માંગવામાં આવે ત્યારે સુરક્ષાના કારણસર આવી માહિતી આપવી જોઈએ નહીં. તે બાબતે અમો સંમત નથી. જો કે, દુરુપયોગ માટે પ્રવર્તમાન કાયદા હેઠળ પગલાં લેવાં જોઈએ. પરંતુ માહિતી તો આપવી જ જોઈએ. અરવિંદભાઈ રાણાની જાગૃતિ માટે તેમને અભિનંદન.
સુરત – શાંતિલાલ પી. ઉમરીગર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારમાં મરજિયાત રાખો
હેલ્મેટ નહિ પહેરનાર ટુ વ્હીલર ચલાવનારને દંડ કરવામાં આવશે. આ વાંચ્યા પછી હું સૂચનો રજૂ કરવા પ્રેરાયો. 1. “સદર વ્યવસ્થા”દ્વારા શહેરના ખરાબ રસ્તાઓ પર ધ્યાન આપવામાં આવે અને તે અંગેનો રિપોર્ટ મ્યુનિ કોર્પોરેશનને રજૂ કરાય 2. “સદર વ્યવસ્થા”દ્વારા રીલ બનાવવા માટે વાહન ચલાવતી વખતે સ્ટંટ કરતાં તેમજ દારૂનો નશો કરીને બેફામ સ્પીડે મોટરગાડી ચલાવતા નબીરાઓને અટકાવી શકાય. જે લોકો કામકાજ માટે આખો દિવસ શહેરમાં ફરવાનું રહે છે તેઓ માટે હેલ્મેટનો ઉપયોગ કરવાનું કેટલું કઠિન છે તે એ.સી. ગાડીમાં ફરતા અધિકારીઓ અને રાજકારણીઓને નહિ ખબર પડે.
હું હેલ્મેટ પહેરવાનો વિરોધ નથી કરતો જેમને એની ઉપયોગિતા સમજમાં આવતી હોય તે ચોક્કસ પહેરે. અમુક લોકો તો હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતાં જ નથી. સારી વાત છે. પરંતુ તેનો ઉપયોગ કરવાનું મરજિયાત (ખાસ કરીને શહેરમાં) હોવું જોઈએ. કોઈ વ્યક્તિ નહિ પહેરે તો તેને ગુનો ગણવો અને દંડ કરવો એ કેટલું યોગ્ય છે? ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ – જેઓ જ ટુ વ્હીલર ચલાવે છે આજે ટૂંકી આવક અને અસહ્ય મોંઘવારીથી પીડાઈ રહ્યાં છે. તેવામાં મસમોટી રકમનો દંડ મહિનાનું બજેટ ખોરવનારો સાબિત થશે.
– કેતન દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
