જો હું તમને કહું કે તમે જે રેસ કરી રહ્યા છો, તમે જે સફળતા ઈચ્છો છો અને તમે જે નિષ્ફળતાથી ડરતા હો તે બધું નિરર્થક છે? જીતવા માટે પાગલ દુનિયામાં, ભગવદ ગીતા કથાને પલટાવવાની હિંમત કરે છે: જીવન જીતવા કે હારવા વિશે નથી, તે છોડવા વિશે છે. વાહિયાત લાગે છે? કદાચ, પરંતુ સદીઓ પહેલાં પરમાત્માએ એક સત્ય કહ્યું હતું. જે આજે પણ આપણી વાસ્તવિકતાને હચમચાવી દે છે : અનાસક્તિ જ એકમાત્ર વાસ્તવિક વિજય છે.
શા માટે આપણે આપણી ખુશીને સફળતા અને નિષ્ફળતાના રોલરકોસ્ટર પર મૂકીએ છીએ? જીતવું એ સારું લાગે છે – ક્ષણભર માટે. તે તમારા અહંકારને વેગ આપે છે, તમને તાળીઓના ગડગડાટથી વધાવે છે અને વધુ મેળવવાની તમારી ઇચ્છાને પોષે છે. પરંતુ ક્ષણભંગુર છે. વિજય અને પરાજય એ એક જ સિક્કાની માત્ર બે બાજુઓ છે અને બંને ભ્રમણાઓ છે.ભગવદ્ ગીતામાં, પરમાત્મા આપણને યાદ અપાવે છે કે બાહ્ય માન્યતાનો પીછો કરવો એક જાળ છે. સફળતા ક્યારેય પૂરતી નહીં લાગે અને જ્યાં સુધી તમે આ લેબલ્સથી ઉપર ઊઠશો નહીં ત્યાં સુધી નિષ્ફળતા હંમેશાં તમને ત્રાસ આપશે. આનંદ અને પીડા, લાભ અને હાનિ, વિજય અને પરાજયમાં સમાન બનો.
સુરત – પ્રો. સ્નેહલ ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આધુનિક સ્કૂલો અને વિદ્યાર્થીઓનુ ઘડતર
છોકરા-છોકરીઓના જીવનની શરૂઆતના વર્ષોમાં ઘરના વાતાવરણ અને એમના વડીલોની જીવનશૈલીની ઉંડી છાપ પડે છે, જે ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી ઘડતર નિશાળમાં થાય છે. છેલ્લા બે દિવસોથી મોંઘીદાટ ગાડીઓમાં સરઘસ કાઢી ફટાકડા ફોડતા ઘોરણ બારના વિદ્યાર્થીઓ એમની ‘ફાઉન્ટન હેડ નામની નિશાળમાં એમને માટે વિદાય સમારંભમાં એમના પિતાની મોંઘી ગાડી સાથે સરઘસ રૂપે ભાગ લેવા જઇ રહ્યા હતા, ત્યારે આ સરઘસના ફોટા અને આ અંગે પોલીસની કાર્યવાહી અંગેના સમાચારો વર્તમાનપત્રોમાં પ્રગટ થયા.
આ સમાચાર અને ફોટા સારૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘરાવતી સ્કૂલ તેમજ આ વિદ્યાર્થીઓ દ્વારા ભવિષ્યમાં આકાર લેનાર સમાજ અંગે ઘણાં પ્રશ્નો ખડા કરે છે. આ વિદ્યાર્થીઓને એમના માતા-પિતાએ મોંઘીદાટ ગાડીમાં નિશાળમાં જવાની પરવાનગી આપી હતી? વિદ્યાર્થીઓના માતા-પિતા પણ એમની સંપત્તિનું પ્રદર્શન કરવા ઇચ્છતા હતા? અલબત્ત આ પ્રકારના બનાવોને કારણે બધા વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્કૂલને દોષી ન ઠરાવી શકાય, પરંતુ આ પ્રકારનો બનાવ આઘુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કૂલોમાં શિસ્તનુ પાલન કેટલુ કરાવાતુ અને થતુ હશે એ અંગે લોકોને વિચારતા કરી જ શકે છે.
હકિકતે આપણને જરૂર છે ઓછા ખર્ચે સારા શિક્ષણની. જે પહેલા આપણા સુરતની સ્કૂલ અને કોલેજોમાં અપાતુ જ હતુ. અનેક બુદ્ધિજીવી, સાહિત્યકાર, લેખક, હાસ્યકાર, રાજકારણી, કાયદાશાસ્ત્રી, શિક્ષક જેવા અનેક મહાનુભાવોએ સુરતની સ્કૂલ અને કોલેજમાં ભણીને આપણા દેશ અને દુનિયામાં શહેરનું નામ રોશન કર્યુ જ છે. આજની મોંઘીદાટ સ્કૂલોમાં આજના સમયને અનુલક્ષીને જરૂરી વિષયોનું જ્ઞાન તો અપાતુ જ હશે, પરંતુ આવા બનાવો બનતા રોકવા માટે અત્યંત જરૂરી છે નૈતિકતાના પાઠ ભણાવવાનુ, જેના વિના થતી જ્ઞાનની ઉપલબ્ધી અધુરી છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.