રેડી ટુ ડ્રિન્ક બોટલમાં મહેમાનોને પીરસવામાં આવ્યો દારૂ :
સ્કોચ વિસ્કીની બોટલમાંથી નાની બોટલમાં ઠાલવતો હોવાનો વીડિયો થયો વાયરલ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
સંસ્કારી નગરી વડોદરામાં દારૂની રેલમછેલ જોવા મળી છે. માંજલપુરમાં બિલ્ડરના પુત્રના આયોજિત લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટ બારમા ફેરવાઈ ગયો હતો. રેડી ટુ ડ્રીંક બોટલમાં મહેમાનોને દારૂ પીરસવામાં આવ્યો હતો. સ્કોચ વિસ્કીની બોટલ માંથી નાની બોટલમાં દારૂ ઠાલવવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે.



ગાંધીના ગુજરાતમાં સંસ્કારી નગરી વડોદરામાં દારૂની રેલમછેલ જોવા મળી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડવા પામ્યા છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં ઘણા એવા વિડીયો વાયરલ થયા છે. પરંતુ આ એક એવો વિડિયો છે. જેમાં પોલીસના નીતિ નિયમની એસી તેસી કરી નાખી છે માંજલપુરમાં બિલ્ડરના પુત્રના લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટને જાણે બારમાં ફેરવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આયોજિત આ લગ્ન પ્રસંગમાં રેડી ટુ ડ્રીંક બોટલમાં મહેમાનોને વિદેશી શરાબ પીરસવામાં આવ્યો હતો. સ્કોચ વિસ્કીની બોટલ માંથી નાની બોટલમાં વિદેશી શરાબ ઠાલવવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચાર જેટલા ઈસમો મોટી બોટલમાંથી નાની બોટલમાં શરાબ ઠાલવતા હોવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. વિદેશી દારૂની 20 જેટલી બોટલોમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી છે. ત્યારે માલતુજારોએ પૈસા ના દમ પર દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીના પણ હાથમાં આવ્યો છે. તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ આ કયા પાર્ટી પ્લોટનો વિડીયો છે અને કોનો લગ્ન પ્રસંગ હતો તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.