તાજેતરમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જેની ચર્ચા અત્ર, તત્ર, સર્વત્ર ચાલી રહી છે. એક મર્મસભર સંદેશ વાંચવા મળ્યો કે, ‘‘ક્યાંક તો કર્મની બીક હશે, એટલે પ્રયાગમાં આટલી ભીડ હશે’’. શ્રધ્ધાળુઓ મોક્ષપ્રાપ્તિ અને પાપ પ્રક્ષાલન કરી પુણ્ય પ્રાપ્ત કરવા મહાકુંભ ભણી દોટ મૂકે છે. ઘણાંખરાં રાજકારણીઓ અને બિઝનેસમેન પણ ડૂબકી મારવા પહોંચી ગયાં છે, જેમનો આશય પણ પાપમુક્તિ અને પુણ્યપ્રાપ્તિનો હશે એવું માની લઈએ! પણ અમુક મુખ્ય દિવસોમાં ટી.વી. પર મહાકુંભમાં જવા માટે જે આંધાધૂંધી દૃશ્યમાન થઈ એ જોતાં લાગ્યું કે અહીંયા જ સારાં છીએ! અમારી તાપી જ અમારી પુણ્યસલિલા. બિહારમાં એક ટ્રેઈનમાં એ.સી. કોચના કાચ તોડી નાંખી અંદર પ્રવેશવાનો પ્રયત્ન થતો હતો! જ્યાં કરોડો શ્રધ્ધાળુઓ ભેગાં થઈ સ્નાન કરતાં હશે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે એ વિચારવા જેવી વાત છે.
પાણી ભલે વહેતું હશે પણ એમાં માનવગંદકી તો ફેલાતી જ હશે ને? કેટલાય કિલોમીટર સુધી વાહનવ્યવહાર ઠપ અને આગળ વધવાનો કોઈ માર્ગ જ નહીં ત્યારે સ્ત્રી-બાળકોની હાલત શી થઈ હશે?’’શ્રધ્ધાનો હો, વિષય તો પુરાવાની જરૂર નથી’’પણ કચડાઈ જવાની ભીતિ હોય ત્યાં હાથે કરીને મૃત્યુને આમંત્રણ શા માટે આપવું? ત્યાંના પ્રશાસને લાંબા સમયથી શ્રધ્ધાળુઓની સગવડ સાચવવા કવાયત કરી જ છે એમાં કોઈ શંકા નથી. પણ પ્રજાને ‘‘હું રહી જઈશ’’નો ભય સતાવે અને દુર્ઘટના ઘટે! અઘોરીઓ, તાંત્રિકો, નાગાબાવા વિ. સ્મશાનની રાખ ચોળીને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે એ પાણી કેવું હશે એ વૈજ્ઞાનિક અભિગમથી વિચારવું જ રહ્યું! કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો આશય નથી પણ મન ચંગા તો કથરોટમેં ગંગા.’’એટલું તો વિચારી શકાય ને?
સુરત – નેહા શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સંસદ અને રાહુલ ગાંધી
હંમેશા હાથમાં બંધારણની ચોપડી(?) લઈ ફરતા એ ઓક્ષફર્ડના ગ્રેજ્યુએટને જાણે આખું બંધારણ મોઢે હોય એવી વાતો કરે છે અને કહે છે કે મોદી અને ભાજપ બંધારણ બદલી નાખશે એ હું નહીં થવા દઉં. લગભગ બધા જ જાણે છે કે પોતાની સત્તા બચાવવા એમનાં દાદી શ્રીમતી ગાંધીએ જ સૌ પ્રથમ બંધારણમાં સેક્યુલર શબ્દ ઉમેરી અદ્વિતીય ફેરફાર કરેલો, જેનાં પરિણામ જાણે છે. પ્રિયંકા પણ રાહુલ સાથે લોકસભામાં પહોંચ્યાં છે. હતું કે એ થોડી પરિપકવતા દાખવશે પણ એવું થયું નહીં. અને એ પણ ભાઈની સાથે બંધારણની ચોપડી લઈને ફરે છે. સંસદ ચલાવવા પ્રામાણિક કરદાતાના પૈસાનો વેડફાટ ન થવો જોઈએ. સંસદના એજન્ડાની નકલ પહેલેથી જ બધાને આપવામાં આવે છે.
તો એ સિવાયની કાર્યવાહી સત્રના રાબેતા મુજબના સમયમાં પહેલાં થવી જોઈએ પછી જ બીજી કોઈ વિરોધની કાર્યવાહી માટે સમય ફાળવવો જોઈએ. જેથી અગત્યના ખરડા પાસ થઈ જાય અને વારંવાર સંસદ મુલતવી ન રાખવી પડે. રાહુલને કોઈ કારણસર અદાણી અને અંબાણી પ્રત્યે ભારોભાર અદેખાઈ અને નફરત છે તો એ માટે એ અદાલતમાં જઈ શકે છે. સંસદમાં ફક્ત દેશહિત અને વિકાસના મુદ્દે જ ચર્ચા થવી જોઈએ. પ્રજાએ પણ પોતે ચૂંટેલા સાંસદોને આ માટે આગ્રહ કરવો જોઈએ.
હૈદરાબાદ – જીતેન્દ્ર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
