સુરત: સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ગતરોજ પૂર્ણ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના અંતે 540 ઉમેદવારોએ મેદાને જંગમાં ઝુકાવ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ચૂંટણીમાં હરીફોની વાત કરીએ તો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દ્વિપાંખીયો જંગ જોવા મળતો હતો પરંતુ, આ વખતે આમ આદમી પાર્ટીનું ફેક્ટર ઉમેરાતા હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ઉમેદવારીપત્રોના વર્ગીકરણ બાદ સપાટી પર આવેલી માહિતી પ્રમાણે ભાજપના કુલ 120 ઉમેદવારો, કોંગ્રેસના કુલ 119 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના કુલ 116 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જુદી જુદી બેઠકો પર અપક્ષોએ ભરેલા ફોર્મ કુલ 91ની સંખ્યામાં છે. અન્ય પક્ષો નાના મોટા પક્ષો મળીને કુલ 94 ફોર્મ ભરાયા છે, આમ કુલ 1288 ફોર્મ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી બેઠકો માટે ભરાયા છે.
ડિંડોલી દક્ષિણ વોર્ડ નં.27માં સૌથી વધુ 11 અપક્ષ ઉમેદવારો
સુરત મ્યુનિસિપલ વોર્ડ નં.27, ડિંડોલી દક્ષિણ વિસ્તારમાં સમગ્ર સુરતના તમામ વોર્ડ પૈકી સૌથી વધુ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 11 અપક્ષોએ ઉમેદવારીપત્રો ભર્યા હોવાનું જાણવા મળે છે. અહીં ચૂંટણી જંગ બહુપાંખીયો થાય તેવી શક્યતા જોવાય રહી છે.
અહો આશ્ચર્યમ્ ! આ 4 વોર્ડમાં એકેય અપક્ષ ઉમેદવારો નથી
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.6 કતારગામ, વોર્ડ નં.7 કતારગામ વેડ, વોર્ડ નં.11 અડાજણ ગોરાટ અને વોર્ડ નં.16 પૂણા પશ્ચિમ વિસ્તાર એવા વોર્ડ વિસ્તાર છે જ્યાં એકપણ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી. ખુદ ચૂંટણી અધિકારીઓને પણ આ બાબતે આશ્ચર્ય થયું છે.
વોર્ડ નં. 1માં સૌથી વધુ 28 ઉમેદવારો
મ્યુનિસિપલ વોર્ડ નં.1 જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ વિસ્તાર એવો છે જ્યાં સુરતના તમામ 30 વોર્ડ પૈકી સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ વોર્ડમાં કુલ 28 ઉમેદવારો મેદાને જંગમાં છે જેમાં અન્ય રાજકીય પાર્ટીઓના કુલ 10 ઉમેદવારો તેમજ 6 ઉમેદવારો અપક્ષ હોવાનું જાણવા મળે છે. સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં.4, વોર્ડ નં.6 અને વોર્ડ નં.11માં નોંધાયા છે.