Vadodara

વડોદરા ઝૂમાં પહોચ્યા દુર્લભ સફેદ કાળિયાર, સહેલાણીઓ માટે નવું આકર્ષણ

આગામી માસમાં નવી હરણ પ્રજાતિઓ વડોદરા ઝૂમાં ઉમેરાશે


એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કેવડિયાથી વડોદરા લાવવામાં આવ્યા ચાર સફેદ કાળિયાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ સ્થિત ઝૂમાં નવી મોસમ સાથે સહેલાણીઓ માટે એક નવા આકર્ષણનો ઉમેરો થયો છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત, સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક, એકતા નગર, કેવડીયાથી ચાર સફેદ કાળિયાર વડોદરા ઝૂમાં લાવવામાં આવ્યા છે. આ નવા મહેમાનોમાં બે નર અને બે માદા છે. વડોદરા ઝૂના અધિકારી ડો. પ્રત્યુષ પાટણકરના જણાવ્યા મુજબ, આ ચારેય પ્રાણીઓ સંપૂર્ણ તંદુરસ્ત છે અને હાલ ક્વોરેન્ટાઇન પિરિયડમાં રાખવામાં આવ્યા છે. એક સપ્તાહ બાદ તેમને સહેલાણીઓ માટે ખુલ્લા પાંજરામાં મૂકવામાં આવશે.

સફેદ કાળિયાર ખૂબ જ દુર્લભ પ્રજાતિમા ગણાય છે. તેમના દૂર્લભ સફેદ રંગને કારણે તેઓ સહેલાણીઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે. તે ઉપરાંત, થોડા સમય પહેલાં જ કેવડિયાથી છ સાબર, હરણ અને 14 પક્ષીઓ પણ વડોદરા ઝૂમાં આવ્યા હતા. ગયા વર્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ ઘડાયા હતા, જેમાંથી એક કેવડિયાનો પણ હતો. વડોદરા ઝૂએ કેવડિયાને પક્ષીઓ આપ્યા, જેના બદલામાં સફેદ કાળિયાર અને સાબર તેમજ હરણ મળ્યા.

હાલના સમયમાં, વડોદરા ઝૂમાં સામાન્ય કાળિયાર હાજર છે, પરંતુ સફેદ કાળિયારનો ઉમેરો પ્રથમવાર થઈ રહ્યો છે. આવનારા મહિનાઓમાં જૂનાગઢ ઝૂ સાથે પણ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ થશે, જેમાં નવી હરણ પ્રજાતિઓ વડોદરા ઝૂમાં ઉમેરાશે. જૂનાગઢ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે અગાઉ વરુ અને જરખને પણ કમાટીબાગ ઝૂમાં લાવવામાં આવ્યા હતા. આગામી મહિનાઓમાં વધુ નવા અને આકર્ષક પ્રાણીઓ વડોદરા ઝૂમાં ઉમેરીને સહેલાણીઓ માટે નવતર અનુભવ ઉભો કરાશે.

Most Popular

To Top