Columns

છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીની હૈયું હચમચાવી મૂકે તેવી કરૂણ દાસ્તાન

ભારતમાં મુઘલોના આક્રમણને ખાળવાનું કામ ઉત્તર ભારતમાં જેમ રાણા પ્રતાપે કર્યું, તેમ દક્ષિણ ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજે કર્યું હતું. જો ભારતમાં રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી જેવા નરબંકાઓ પેદા ન થયા હોત તો કદાચ ભારત પણ આજે ઇસ્લામિક દેશ હોત. વૈભવ પુરંદરે નામના લેખક દ્વારા ‘શિવાજી ઇન્ડિયાઝ ગ્રેટ વોરિયર કિંગ’ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજીની દર્દનાક દાસ્તાનનું હૈયું હચમચાવી મૂકે તેવું વર્ણન કરવામાં આવ્યું છે.

સંભાજીએ પોતાની સાવકી માતાના ત્રાસથી કંટાળીને ૨૧ વર્ષની ઉંમરે પોતાના પિતાનો સાથ છોડી દીધો હતો અને તેઓ છત્રપતિ શિવાજીના કટ્ટર દુશ્મન મુઘલોની છાવણીમાં ચાલ્યા ગયા હતા. જો કે, ટૂંક સમયમાં તેમને પોતાની ગંભીર ભૂલ સમજાઈ જતાં તેઓ પાછા આવ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજનું મરણ થયું તે પછી મરાઠા સરદારો દ્વારા સંભાજીને છત્રપતિ શિવાજી મહારાજની ગાદીના વારસદાર જાહેર કરાયા હતા. છત્રપતિ સંભાજી મહારાજને બંધી બનાવીને ઔરંગઝેબે તેમની અત્યંત ક્રૂરતાપૂર્ણ રીતે હત્યા કરી હતી.

છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર સંભાજી ફક્ત બે વર્ષના હતા ત્યારે તેમની માતાનું વર્ષ ૧૬૫૯માં અવસાન થયું હતું. તેઓ તેમના પિતા શિવાજી અને દાદી જીજાબાઈની દેખરેખ હેઠળ મોટા થયા હતા. શિવાજીએ તેમને શીખવવા માટે શિક્ષકોની નિમણૂક કરી હતી. સંભાજીને શરૂઆતથી જ સંસ્કૃત ભાષામાં ખૂબ રસ હતો, જેમાં તેમણે નિપૂણતા મેળવી હતી. વર્ષ ૧૬૭૦ થી શિવાજીએ તેમને મહત્ત્વપૂર્ણ વહીવટી કાર્યોમાં તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે શિવાજી રાજા બન્યા ત્યારે સ્વાભાવિક રીતે જ સંભાજીને તેમના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા, પરંતુ તે દરમિયાન શિવાજીના પરિવારમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો.

શિવાજીની સૌથી મોટી પત્ની સોયરાબાઈએ ૨૪ ફેબ્રુઆરી, ૧૬૭૦ ના રોજ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ રાજારામ રાખવામાં આવ્યું હતું. શિવાજીના રાજ્યાભિષેક સમયે તેઓ ફક્ત ચાર વર્ષના હતા, પરંતુ સોયરાબાઈ ઇચ્છતા હતા કે તેમના પુત્રને શિવાજીના ઉત્તરાધિકારી બનાવવામાં આવે. શિવાજીએ આઠ વાર લગ્ન કર્યા હોવા છતાં તેમને ફક્ત બે પુત્રો હતા. આમાંથી ઘણા લગ્ન રાજકીય હેતુઓ માટે કરવામાં આવ્યા હતા. તેમને છ પુત્રીઓ પણ હતી, જેમના લગ્ન પ્રખ્યાત મરાઠા પરિવારોમાં થયા હતા. ૧૬૭૬ની શરૂઆતમાં જ્યારે શિવાજી એક મહિના માટે ગંભીર રીતે બીમાર પડ્યા, ત્યારે દક્ષિણના કેટલાક વર્તુળોમાં અફવા ફેલાઈ ગઈ કે તેમનું અવસાન થયું છે. તે જ સમયે, શિવાજીના પરિવારમાં ગંભીર મતભેદોના સમાચાર ફેલાવા લાગ્યા. આ સમય દરમિયાન, સંભાજીના કથિત ખરાબ વર્તનના સમાચાર પણ જોર પકડવા લાગ્યા હતા.

૧૬૭૪ માં શિવાજીના રાજ્યાભિષેક પછી આ સમાચાર વધુ સંખ્યામાં આવવા લાગ્યા હતા. તેમની સાવકી માતા સોયરાબાઈ સમાચારો ફેલાવવામાં સામેલ હતી, જેથી લોકોની નજરમાં સંભાજીને બદનામ કરી શકાય. શિવાજીના પરિવારમાં તણાવ શરૂ થઈ ગયો હતો, જેને કારણે સંભાજી પરિવારમાં તેમના સ્થાન બાબતે ખૂબ જ ચિંતામાં હતા. ૧૬૭૪ માં જ સંભાજીના સૌથી મોટાં સમર્થક તેમનાં દાદી જીજાબાઈનું પણ અવસાન થયું. ૧૩ ડિસેમ્બર ૧૬૭૮ ના રોજ સંભાજીએ એક એવું પગલું ભર્યું, જેનાથી તેમના પિતા છત્રપતિ શિવાજીને આઘાત લાગ્યો હતો. સંભાજી ૨૧ વર્ષની ઉંમરે સતારા છોડીને પેડગાંવ ગયા હતા, જ્યાં તેમણે મુઘલ ગવર્નર દિલેર ખાનનો હાથ પકડ્યો હતો.

દિલેર ખાન સંભાજી કરતા ચાલીસ વર્ષ મોટો હતો પણ તે યુવાન રાજકુમાર સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ વર્તન કરતો હતો. જ્યારે સંભાજી હાથી પર સવાર થઈને બહાદુરગઢના કિલ્લામાં પ્રવેશ્યા ત્યારે ત્યાં હાજર લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, તેમ છતાં સંભાજી ખુશ જણાતા નહોતા. દિલેર ખાનની અનુભવી આંખો યુવાન રાજકુમારના ચહેરા પરના ઉદાસીના હાવભાવ વાંચી રહી હતી. તેમણે સંભાજીને સાંત્વના આપી અને કહ્યું કે તમારા ભાઈ દિલેરને સંપૂર્ણ જાણકારી છે કે રાયગઢમાં તમારું કેવી રીતે અપમાન થયું છે.

સંભાજીને પોતાના પક્ષમાં લેવા એ મુઘલો માટે એક મોટી સિદ્ધિ હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેમને દિલાવર ખાન સાથે પણ મતભેદ થવા લાગ્યા. ૧૬૭૯માં જ્યારે દિલેર ખાને ભૂપાલગઢ કિલ્લા પર હુમલો કરીને કબજો કર્યો ત્યારે સંભાજી તેમની સાથે હતા. દિલેર ખાને કિલ્લાના લોકો સાથે ખૂબ જ ક્રૂર વર્તન કર્યું. દિલેર ખાને કિલ્લામાં બચી ગયેલા ૭૦૦ લોકોનો એક એક હાથ કાપી નાખ્યા, પછી તેમને મુક્ત કર્યા હતા અને ગામમાં રહેતા લોકોને પોતાના ગુલામ બનાવ્યા હતા. શિવાજીની ઉદાર જાહેર નીતિ હેઠળ ઉછરેલા સંભાજીને દિલાવર ખાનનું સામાન્ય નાગરિકો પ્રત્યેનું ક્રૂર વર્તન બિલકુલ ગમ્યું નહીં. સંભાજીને ખ્યાલ આવી ગયો હતો કે મુઘલો સાથેનો તેમનો સંબંધ લાંબો સમય ટકવાનો નથી.

સંભાજી મહારાજ તેમની પત્ની યશુબાઈ સાથે મુઘલ છાવણીમાંથી ભાગી ગયા હતા. ઘોડા પર સવાર થઈને તેઓ પન્હાલા પહોંચ્યા હતા, જ્યાં પિતા અને પુત્ર મળ્યા હતા. શિવાજીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, પરંતુ પિતા અને પુત્ર વચ્ચેનો અણબનાવ અંત સુધી દૂર થયો નહીં. લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંભાજીના બળવાથી મરાઠા સામ્રાજ્યમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી. છત્રપતિ શિવાજીનું અવસાન ૩ એપ્રિલ, ૧૬૮૦ ના રોજ થયું. જ્યારે શિવાજી મૃત્યુશય્યા પર હતા ત્યારે સંભાજીને તેની જાણ કરવામાં આવી ન હતી.

જ્યારે સંભાજીને શિવાજીની બીમારી વિશે ખબર પડી ત્યારે તેઓ તરત જ પન્હાલાથી રાયગઢ જવા રવાના થયા. તેઓ રાયગઢના કિલ્લા પર પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. સંભાજી શિવાજીના ઉત્તરાધિકારી બન્યા હતા. રાજા બન્યાના એક વર્ષ પછી તેમણે તેમની સાવકી માતા સોયારાબાઈને મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેના પર શિવાજીને ઝેર આપવાનો આરોપ હતો.

૧૬૮૧ અને ૧૬૮૨ ની વચ્ચે ઔરંગઝેબે દક્ષિણ ભારતમાં પોતાનું અભિયાન શરૂ કર્યું. ૧૬૮૯માં સંભાજીને રત્નાગિરીના સંગમેશ્વર ખાતે કેદી બનાવવામાં આવ્યા હતા. સંભાજીને બહાદુરગઢની મુઘલ છાવણીમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને આખા શહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. સંભાજીને ઔરંગઝેબ સમક્ષ માથું નમાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સંભાજીએ તેમ કરવાની ના પાડી દીધી અને ઔરંગઝેબ સામે તાકી રહેવા લાગ્યા હતા. ઔરંગઝેબે તે જ રાત્રે સંભાજીની આંખો કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. ઔરંગઝેબે તેમને ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો આદેશ આપ્યો, પરંતુ સંભાજીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. તેની સજાના રૂપમાં ઔરંગઝેબના આદેશ પર તેમની જીભ ખેંચી લેવામાં આવી હતી.

શિવાજીના પુત્રને આંધળો કર્યા પછી ઔરંગઝેબના આદેશ પર પંદર દિવસ સુધી ત્રાસ આપવામાં આવ્યો. સંભાજીના શરીરના બધા ભાગો એક પછી એક કાપી નાખવામાં આવ્યા અને અંતે તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો. તેમનું કપાયેલું માથું દક્ષિણનાં મુખ્ય શહેરોમાં ફરાવવામાં આવ્યું. બીજી બાજુ, શિવાજીના નાના પુત્ર રાજારામને રાજા બનાવવામાં આવ્યા. મુઘલોએ તેમનો પણ પીછો કર્યો હતો. મુઘલોએ સંભાજીની પત્ની અને પુત્ર શાહુને બંધી બનાવી લીધા હતા. રાજારામને તેમની પત્ની તારાબાઈ સાથે જિંજી કિલ્લામાં આશ્રય લેવો પડ્યો હતો. આખરે બંને જિંજીના કિલ્લામાંથી ભાગી જવામાં સફળ થયા હતા. આ પછી તેમણે ઔરંગઝેબ સામે બદલો લીધો હતો. રાજારામનું માત્ર ૩૦ વર્ષની ઉંમરે અવસાન થયું, પરંતુ તેમની પત્ની તારાબાઈએ ઔરંગઝેબ સામે લડત ચાલુ રાખી હતી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top