ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જ્યારથી (૨૦૧૭ માં ) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારો ગુમાવ્યાના બીજા જ દિવસથી સત્તાધારી ભાજપ ગામડાંઓ અને ખાસ તો ખેડૂતો માટેની જાહેરાતો કરતો થઈ ગયો છે. આગામી ચૂંટણીઓ જીતવી હોય તો ગામડાંઓ ઉપર ધ્યાન આપવું પડશે એમ એમને લાગ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ગામડાંઓનો વિચાર માત્ર ચૂંટણી જીતવા જ કરવાનો.
ધારો કે આ વખતે પણ ગ્રામ પંચાયતોમાં ભાજપ જીતી હોત તો ગામડાંઓ ઉપર ધ્યાન ના ગયું હોત ને? ગામડાંઓને માત્ર રાજકીય જીત-હારનાં સમીકરણથી જોવાનું બંધ કરો. આપણાં ગામડાંઓ વિકટ, સામાજિક અને આર્થિક પ્રશ્નોથી ઘેરાઈ ગયા છે, જેનો ઉકેલ માત્ર સરકાર પણ લાવી શકે તેમ નથી કારણ કેટલાક પ્રશ્નો માત્ર સુવિધાના નથી સમજણના પણ છે. આપણાં ગામડાંઓ મોટાં ઘરડાંઘર બની ગયાં છે. માત્ર સ્ત્રીઓ અને વૃદ્ધો જ ત્યાં રહે છે. યુવાનો તો બધાં શહેર તરફ જ ભાગી રહ્યાં છે. શિક્ષણની જેમ ખેતી પણ યુવાનો માટે આકર્ષક રહી નથી.
અને શા માટે રહે? ના પૈસો, ના પ્રતિષ્ઠા કંઈ તો એમાં મળતું નથી. ગુજરાતનાં ગામડાંમાં સવારે એક બસ આવે, સાંજે એક બસ આવે, બીમાર પાડો તો દાકતર ને બતાવવા શહેરમાં જ જવું પડે. દવા લેવા પણ શહેરમાં જવું પડે.ભણવા માટે પણ શહેરમાં જ જવાનું અને નોકરી તો શહેરમાં જ હોય.પાયાની એવી કઈ સુવિધા છે, જે ગામડાંમાં આજે પણ મળે છે? આપણે અદ્ભુત વિકાસ કર્યો છે કે ગામડાં ખાલી થઈ રહ્યાં છે. મિડિયા પણ ગામડાંના પ્રશ્નોમાં રસ લેતું નથી. ગામડાંના સમાચાર છાપતા નથી. આવાં ગામડાં નવી પેઢી માટે જીવવાલાયક રહ્યાં નથી. આ ગામોને જીતવા માટે શું મહેનત કરવાની? ગામડાંઓની જમીનો સિવાય હવે કોઈને કશામાં રસ નથી. રાજ્ય સરકારો હમેશાં ગામડાંની ગોચર જમીનો સત્તાનો દુરુપયોગ કરીને વેચી મારવા સિવાય ગામડાંમાં ક્યારેય રસ લેતા નથી.
ગામડામાં રોજગાર નથી, આવકો નથી, એટલે સરકાર જ નહિ, ખાનગી બજારને પણ ત્યાં રસ નથી. ના મનોરંજનનાં સાધનો, ના સિનેમાઘરો, ના ખાનગી શાળાઓ, કાંઈ જ ગામડાંમાં મળતું નથી. એટલે ખરીદી માટે પણ સૌ શહેરમાં જ આવે છે. ગામડાંઓ માટેની આ ઉપેક્ષા જ વધતા શહેરીકરણનું કારણ છે. આપણા શાસકોએ આ વાત સમજવાની જરૂર છે. સત્તા મેલાવવાના નામે પણ જો ગામડાંઓની પાયાની જરૂરિયાત પૂરી થશે તો તે જીવવાલાયક બનશે.
ગ્રામ્ય ક્ષેત્ર માત્ર આર્થિક બદલાવની નહિ, સામાજિક અને વૈચારિક બદલાવની પણ જરૂર છે. આપણા ધર્મગુરુઓથી માંડીને સામાજિક કાર્યકરોએ આ કામ કરવા જેવું છે. યુવાનો શહેર તરફ ભાગે છે એનું એક કારણ ગામડાંની માનસિકતા છે. ગામડાંઓમાં બધી જ સુવિધા પછી પંજો માનસિકતા ના બદલાય તો યુવાનો ગામ છોડશે જ. આ કામ માત્ર રાજનેતાઓનું નથી. આપણા સૌનું છે. આ ચૂંટણીનાં પરિણામોમાંથી બોધપાઠ લઇ આપણે સૌ ભારતના, ખાસ તો ગુજરાતના ગ્રામીણ વિકાસમાં લાગીએ તો જ ખરું ભારત તો ગામડાંમાં વસેલું છે એ વાત સાચી પડે.
દર દસ વર્ષે થતી વસ્તી ગણતરી થઇ નથી, બાકી આપણને સમજાત કે ગામડાંમાં હવે ખરેખર કેટલી વસતી રહી છે. હમણાં જ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આપણાં અખબારોએ હરખભેર છાપ્યું કે ગુજરાતનાં પાંચ મોટાં શહેરોમાં કુલ વસતીના પચાસ ટકાથી વધુ વસતી યુવાન છે. જો કે ગામડાંનાં યુવાનો નોકરી માટે શહેરોમાં આવ્યાં છે તે વાત તેમણે સાવચેતીપૂર્વક છુપાવી દીધી. ચાર પાંચ મોટાં શહેરોમાં યુવાનો વધારે છે પણ રાજ્યનાં હજારો ગામડાંઓમાં માત્ર સ્ત્રીઓ અને વૃધ્ધો જ રહે છે તે વધારે ચિંતાનો વિષય છે.
માનનીય વડા પ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે રૂરલ અર્બનના શબ્દો ભેગા કરીને દરેક ગામડું શહેર બને તેવી સુવિધા વિકસાવવાનાં વચન આપ્યાં હતાં પણ તેમના વડા પ્રધાન બન્યાનાં દસ વર્ષ પછી પણ ગુજરાતના નર્મદા ,છોટા ઉદેપુર જેવાં અનેક તાલુકા ક્ષેત્રોનો પણ વિકાસ નથી થયો. સ્થિતિ તો એ છે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવાં શહેરોમાં પણ અમુક વિસ્તારનો જ વિકાસ થાય છે. બીજા તો માત્ર મતદાન કરવા માટે જ રાખ્યા છે. તો આવનારી ચૂંટણીઓમાં પ્રજા થોડી વધારે જાગૃત થઇ ,પોતાના લોક પ્રતિનિધિ ચૂંટે અને રાજકીય પક્ષો થોડા વધુ જવાબદાર બને તેવી અભ્યર્થના.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે