રોડ અકસ્માતમાં ક્રિકેટર ઋષભ પંતનો જીવ બચાવનાર યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે ઝેર પીધું છે. 25 વર્ષીય યુવક રજત કુમારને 21 વર્ષની મન્નુ કશ્યપ સાથે પ્રેમ સંબંધમાં હતો. સારવાર દરમિયાન ગર્લફ્રેન્ડ મન્નુનું મોત થયું, જ્યારે રજત રૂરકીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રજત અને મન્નુ અલગ અલગ સમુદાયના હતા જેના કારણે તેમના પરિવારોને તેમના સંબંધની મંજૂરી નહોતી. આ કારણોસર છોકરીના લગ્ન તેના પરિવાર દ્વારા બીજી જગ્યાએ ગોઠવવામાં આવ્યા હતા. જેના કારણે આ પ્રેમી યુગલે ઝેરી પદાર્થ ખાઈને જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો.
ડિસેમ્બર 2022 માં હરિદ્વારના ગુરુકુલ નરસનમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા પ્રખ્યાત ક્રિકેટર ઋષભ પંતને રજત અને તેના ગામના અન્ય એક યુવક નિશુએ બચાવી લીધો હતો. ફેક્ટરીથી તેમના ગામ પરત ફરતી વખતે આ બે યુવાનો ઋષભ પંતને ક્રેશ થયેલી સળગતી કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા, જેના કારણે ઋષભ પંતે રજત અને નિશુને એક-એક સ્કૂટર પણ ભેટમાં આપ્યું હતું.
ત્યાર બાદ પંતે એક પોસ્ટ મૂકી અને રજત અને નિશુનો આભાર માન્યો હતો. પંતે લખ્યું હતું હું દરેકનો વ્યક્તિગત રીતે આભાર માની શકતો નથી પરંતુ મારે આ બે નાયકોનો આભાર માનવો જોઈએ જેમણે મારા અકસ્માત દરમિયાન મને મદદ કરી અને ખાતરી કરી કે હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચ્યો. આભાર રજત કુમાર અને નિશુ કુમાર. હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ.
પોલીસે તપાસ શરૂ કરી
આ મામલે કાર્યવાહી કરવા માટે પોલીસને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તેમ છતાં પોલીસ દરેક દ્રષ્ટિકોણથી આ મામલાની તપાસ કરી રહી છે. સમગ્ર ઘટના અંગે વધુ માહિતી આપતાં એસપી સિટી સત્યનારાયણ પ્રજાપતે જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા જ્યારે પુરકાજીના બુચ્ચા બસ્તી ગામના એક છોકરા અને છોકરીના પરિવારના સભ્યો તેમના પ્રેમ સંબંધને કારણે તેમના લગ્ન માટે સંમત ન થયા ત્યારે બંનેએ આત્મહત્યા કરી લીધી. એસપી સિટીએ કહ્યું- સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે, જે પણ પુરાવા હશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.