વાત લીક થઈ જતા સાયક્લ બજારના વેપારીઓ દ્વારા રોડ ખુલ્લા કરી દેવાયા હતા
વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા મદનઝાંપા રોડના સાયકલ બજાર સહિત ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંથી ફ્રુટના દુકાનદારો, પથારાના ગેરકાયદે દબાણો હટાવીને પાલિકા તંત્રે કબ્જે લીધેલો સામાન સ્ટોરમાં જમા કરાવ્યો હતો.
શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. જુદી જુદી જગ્યાએ પાલિકા તંત્ર દ્વારા રોજે રોજ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે છે. ત્યારે જૂની જગ્યાએ દબાણો ફરી યથાવત થઈ જતા હોય છે.
દરમિયાન મદનઝાંપા રોડ પર ટ્રાફિકથી ચહલપહલવાળા વિસ્તારમાં સાઈકલના વેપારીઓ દ્વારા બંને બાજુના ફૂટપાથ સાઇકલો ગોઠવી ઢાંકી દેવાય છે. ઉપરાંત બંને બાજુના રસ્તા પણ અડધાથી વધુ રોકાઈ જાય છે. પરિણામે આ વિસ્તારમાં સતત ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાયા કરે છે. જેથી દબાણ શાખાની ત્રાટકેલી ટીમે આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. પરંતુ દબાણ શાખા ની ટીમ આવવાની હોય એવી વાત લીક થઈ જતા વેપારીઓએ પોતાનો સામાન દુકાનમાં મૂકી દીધો હતો જેના કારણે પાલિકા તંત્ર એ ધોયેલા મોઢે પાછું વળવું પડ્યું હતું.
આવી જ રીતે ખંડેરાવ માર્કેટ આસપાસના ફ્રુટના દુકાનદારો અને પથારાવાળા પોતાનો ફ્રુટનો માલ સામાન ગોઠવીને ગેરકાયદે દબાણ કરતા ટ્રાફિકને ભારે અડચણ પડતી હોય છે. જેથી ત્રાટકેલી પાલિકાની દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાવીને કબજે કરેલો સામાન પાલિકા સ્ટોર ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.
