Charchapatra

ખરીદશક્તિની બહાર જતું સોનુ

છેલ્લા સમાચાર મુજબ સોનાનો ભાવ ૯૦ હજાર જેટલો થયો છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગે કે રોકાણ માટે સોનું ખરીદવામાં આવે છે. 24 કેરેટનું કાચું સોનું ખરીદો અને સોની પાસે તેની ઘડામણ કરાવો તો તે સોનાનો દાગીનો પ્રત્યેક 10 ગ્રામ દીઠ લાખ રૂપિયા જેટલો થઇ જાય છે. આપણે ત્યાં સોનું પહેરવાનો શોખ આદિકાળથી ચાલ્યો આવે છે. સ્ત્રીઓ  લગ્ન પ્રસંગે સોનું વધુ પહેરતી હોય છે. હવે તો વરઘોડામાં પણ સોનું પહેરવું જોખમ થઈ ગયું છે.  વરઘોડામાં સોનું પહેરનારાંઓ લુંટાઇ ન જાય તે માટે  હવે બાઉન્સરો રાખવા પડે છે તેના પરથી એટલું તો પુરવાર થાય છે કે ચોર લૂંટારાઓ પર હવે કાયદાની ધાક નથી. ચેઇન સ્નેચિંગના અનેક બનાવો બનતા  રહે છે. આટલું મોઘું સોનું પહેરવું તે હવે જાનનું જોખમ બનતું જાય  છે.

જો હજુ પણ સોનાનો ભાવ વધતો રહેશે તો પછી આમ આદમી માટે સોનું ખરીદવું લગભગ અશક્ય કે ઓછું થઈ જશે. દીકરી હોય કે દીકરાની વહુને લગ્ન પ્રસંગે સોનું આપવું પડતું હોય છે, જે હવે ખરીદશક્તિની બહારનું થતું જાય છે. હવે સોનું કેમ ખરીદવું તે સમસ્યા તો છે જ પરંતુ સોનું પહેરીને  બહાર નીકળવું એ મોટી સમસ્યા છે. ચેઇન સ્નેચરો કે લૂંટારાઓ સોનું પહેરનારને ક્યારેક સોનાની લૂંટ કરવા માટે મોતને ઘાટ પણ ઉતારી દીધાના બનાવો બનતા રહે છે. આટલું મોઘું સોનું પહેરીને બહાર નીકળતાં પહેલાં આપણી સલામતીનો વિચાર કરવો જરૂરી છે. બજાર શાકભાજી લેવા કે અન્ય કારણે  જો બહાર નીકળવાનું થાય તો ડુપ્લિકેટ દાગીના પહેરવામાં જ સલામતી છે.
સુરત     -વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top