એક કાકા 65 વર્ષની ઉંમરે હજી બે મહિના પહેલાં જ રીટાયર થયા. રીટાયર થયા પછી શું કરવું છે તે વિષે, તેમની પાસે રિટાયર થયા તે દિવસે જ હજી જીવનમાં કેટલું કરવાનું બાકી છે તેનું લાંબુલચક વિશલિસ્ટ હતું. રિટાયરમેન્ટની પાર્ટીમાં બધાએ તેમને કહ્યું કે, ‘ હવે તો બસ આરામ કરશો ને…’ તો બધાને નવાઈ લાગે તેવો જવાબ કાકાએ આપ્યો.કાકાએ કહ્યું, ‘ ના, ના, હવે તો જીવનમાં જવાબદારીનું કામ પૂરું થયું. હવે જિંદગી જીવવાનું શરૂ કરીશ.વહેલો ઊઠીશ અને મનગમતી રીતે મારો સમય પસાર કરીશ.’ કાકા રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જાય. પોતાનું મનગમતું મ્યુઝિક મૂકે. પછી મેડીટેશન કરે. પછી એક્સરસાઇઝ કરે, પછી ચાલવા જાય. તેમણે ગાર્ડનમાં ઘણા દોસ્ત બનાવી લીધા. બધા દોસ્તો સાથે અલકમલકની પોતાના અનુભવોની વાતો કરે અને તેમની વાતો સાંભળે.
ચાલીને ઘરે આવતાં આવતાં શાકભાજી ફ્રુટ જેવું જે કંઈ જરૂરી સામાન હોય તે તાજી વસ્તુઓ લઈને આવે. ઘરે આવીને છાપું વાંચે, ચા પીએ અને પછી પાછા તૈયાર થઈને મંદિરે જાય. એમણે પોતાનું જીવન એકદમ સરસ રીતે વિચારેલું હતું અને એ ઢાળમાં તરત જ ગોઠવી લીધું. પોતાનો શોખ પૂરો કરવા માટે એમણે આખી બપોર અને સાંજ બાકી રાખી.વાચનનો શોખ હતો એટલે બધી મનગમતી બુક્સ જે અત્યાર સુધી વાંચવાની ઈચ્છા હતી પણ ન વાંચી શક્યા હતા. તે બધી બુકસ ખરીદીને લઈ આવ્યા અને વાંચવા લાગ્યા. જેવું આવડે એવું પેઇન્ટિંગ કરવા લાગ્યા અને રોજ સવારે ચાર વાગ્યે ઊઠી અને સાંજે ચાર વાગ્યા સુધી શું કરું તેનું મસ્ત પ્લાનિંગ ગોઠવી દીધું હતું. તે પ્રમાણે જીવવા લાગ્યા. સાંજના ચાર પછી તેઓ કહેતા કે હવે પછીનો મારો સમય મારા પરિવારનો છે. હું પત્ની સાથે બહાર જઈશ, પૌત્રો સાથે રમીશ વગેરે વગેરે.
ગાર્ડનમાં મિત્રોએ કહ્યું કે , ‘બધું બરાબર છે, તું તારી રીતે જીવે છે, સારી વાત છે પણ ચાર વાગ્યે ઊઠવાની શું જરૂર છે? આરામથી અમારી જેમ આઠ વાગ્યે ઊઠ. 9:00 વાગ્યે ઊઠ. હવે તારે ક્યાં તોડીને ટ્રેન પકડવી છે.’ કાકાએ કહ્યું, ‘ ભાઈ, હું વહેલો ઊઠું છું કારણ કે હું મારી બાકી રહેલી જિંદગીને વધુ સારી રીતે જીવવા માંગુ છું. રોજ થોડાં થોડાં વહેલાં ઊઠો અને થોડું થોડું વધારે જીવો.સ્વાસ્થ્ય માટે તો સારું જ છે. વહેલાં ઊઠવું પણ થોડાં વહેલાં ઊઠવાથી થોડી વધુ જિંદગીને માણવા મળે છે તેવું મારું માનવું છે.હું તો કહું છું તમે બધા પણ થોડાં વહેલાં ઊઠો અને જિંદગીને માણો.’કાકાએ સરસ વાત કરી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.