Columns

સોશ્યલ મીડિયા પર બિભત્સ સામગ્રી પર સરકારે પ્રતિબંધ મૂકવાની જરૂર છે

યુટ્યુબ પર ૧ કરોડથી વધુ ફોલોઅર્સ, X પર ૬ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર ૪૫ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક સ્પર્ધકને એક એવો પ્રશ્ન પૂછ્યો, જેણે બધાને દંગ કરી દીધાં હતાં. આ પ્રશ્ન અંગ્રેજીમાં પૂછવામાં આવ્યો હતો અને તેનો સાર એવો હતો કે શું તમે તમારા માતાપિતાને આખી જિંદગી સેક્સ કરતાં જોવાનું પસંદ કરશો કે પછી તમે એક વાર તેમાં જોડાઈને તેને કાયમ માટે બંધ કરી દેશો? કોમેડી શોના નામે તેણે જે અશ્લીલ વાતો કરી હતી તેનો વિડિયો વાયરલ થવામાં લાંબો સમય લાગ્યો નહીં. આ વિડિયો વાયરલ થતાંની સાથે જ આ સોશ્યલ મિડિયા પ્રભાવકને બિનશરતી માફી માંગવાની ફરજ પડી છે. રણવીર અલ્હાબાદિયા ચારે બાજુથી એવી રીતે ઘેરાઈ ગયો કે તેની પાસે બિનશરતી માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

કોમેડિયન સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના જજ રણવીર અલ્હાબાદિયાની અત્યંત અભદ્ર ટિપ્પણીઓ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર મહિલા આયોગ સુધી પહોંચી છે. જીભ પરનો કાબૂ ગુમાવ્યા પછી તેણે જે કહ્યું તે માતાપિતાના પવિત્ર સંબંધનું અપમાન હતું. ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પર એક અભદ્ર મજાક હતી, જેમાં અશ્લીલતાને નવી સામાન્યતા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રણવીર અલ્હાબાદિયા સોશ્યલ મિડિયામાં ગંદી વાતો કરીને અને બિભત્સતાનો પ્રચાર કરીને લાખો રૂપિયા કમાય છે અને ભારતના જનરેશન ઝેડ તરીકે ઓળખાતાં યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. યુટ્યુબ પર તેની બીયર બાયસેપ્સ નામની ચેનલ છે.

આ શોમાં આવી અશ્લીલતા પહેલી વાર જોવા મળી નથી. આ પહેલાંની પણ મહિલાઓ વિરુદ્ધ અત્યંત બિભત્સ ટિપ્પણીઓની વિડિયો ક્લિપ્સ હવે વાયરલ થઈ રહી છે. સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર આડેધડ પહોંચ સાથે, વાણી સ્વાતંત્ર્ય ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે તે ધ્યાનમાં લેવું મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો વાણીસ્વાતંત્ર્યના નામે, હાસ્યના નામે, લોકોને પ્રભાવિત કરવાના નામે કંઈ પણ કહેવાનું ચાલુ રહેશે તો આ રીતે અશ્લીલતા વધતી રહેશે.

સોશ્યલ મિડિયા ઇન્ફ્લુએન્સર્સ માર્કેટ ૨૦૧૬ માં ૧.૭ અબજ ડોલરનું હતું, તે આજે ૧૪ ગણાથી વધુ વધીને ૨૪ અબજ ડોલર થયું છે, કારણ કે લોકો સુધી ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મની પહોંચ વધી રહી છે. આ માર્કેટ ભારતીય ચલણમાં ૨ લાખ કરોડ રૂપિયાથી થોડું ઓછું છે. મિડિયા પ્રભાવકોના આ બજારમાં વ્યક્તિના જેટલા વધુ ફોલોઅર્સ હોય છે અથવા તેમનું કન્ટેન્ટ જેટલું વધુ જોવામાં આવે છે, તેટલા વધુ પૈસા તેમને મળે છે.

આ જ સામગ્રી સાથે જાહેરાતોની દુનિયા પણ જોડાયેલી છે. ઘણાં લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવવામાં કોઈ કસર છોડતાં નથી. એ એક કડવું સત્ય છે કે સમાજમાં કરોડો લોકો એવાં છે, જેમને હલકી અને અશ્લીલ વાતો અને ઉપરછલ્લી સામગ્રી બહુ ગમે છે. ઘણાં પ્રભાવકો આ નબળાઈનો પૂરો ફાયદો ઉઠાવે છે, પરંતુ વાસ્તવમાં આ પ્રભાવકો માત્ર બજારને જ નહીં પરંતુ સમગ્ર સમાજને પણ ગુમરાહ કરે છે. સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. સોશ્યલ મિડિયાની દુનિયા એટલી મોટી થઈ ગઈ છે કે તેમની પ્રવૃત્તિઓ ઘણી વાર ધ્યાન બહાર રહેતી નથી.

ભારતમાં સોશ્યલ મિડિયા પહેલાંથી જ લોકપ્રિય થઈ રહ્યું હતું, પરંતુ કોરોના મહામારી પછી સોશ્યલ મિડિયા પ્લેટફોર્મની પહોંચ ઘણી વધી ગઈ છે. આનું મુખ્ય કારણ એ હતું કે લોકો ઘણા મહિનાઓ સુધી પોતાના ઘરની બહાર નીકળ્યાં નહોતાં તેથી સોશ્યલ મિડિયા લોકોની પસંદગી બનવા લાગ્યું. આજે ભારતમાં ૮૫ કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ૨૦૨૫ ની શરૂઆત સુધીમાં ભારતમાં ૪૬ કરોડ લોકો સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરી રહ્યા હતા, જે ભારતની વસ્તીના ૩૨% છે.ભારતના લગભગ ૫૦% કે અડધા ગ્રાહકો જાહેરાતના અન્ય કોઈ પણ સ્વરૂપ કરતાં સોશ્યલ મિડિયા પ્રભાવકો દ્વારા શેર કરાયેલ સામગ્રી પર વિશ્વાસ કરે છે.ભારતમાં લગભગ ૫૬% બ્રાન્ડ્સ તેમના મિડિયા બજેટના ૨% થી વધુ ભાગ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પર ખર્ચ કરે છે.

૪૬% બ્રાન્ડ્સ નેનો અને માઇક્રો ઇન્ફ્લુએન્સર્સ દ્વારા તેમના માર્કેટિંગ ઝુંબેશ ચલાવવાનું પસંદ કરે છે. એટલે કે, આવાં પ્રભાવકો જેમના ફોલોઅર્સ ૧૦૦ થી એક લાખ સુધીનાં હોય છે. ભારતમાં લગભગ ૯ લાખ ૩૦ હજાર કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જેમાંથી ૧૨% એટલે કે ૧ લાખ ૧૨ હજાર કન્ટેન્ટ ક્રિએટર્સ દર મહિને ૧ લાખથી ૧૦ લાખ રૂપિયા કમાય છે. ભારતમાં ઇન્ફ્લુએન્સર માર્કેટ ૨૦૨૪ માં રૂ. ૧,૮૭૫ કરોડ હતું, જે ૨૦૨૫ માં રૂ. ૨,૩૪૪ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. ૨૦૨૬ માં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ઉદ્યોગ વધીને રૂ. ૩,૩૭૫ કરોડ થવાની ધારણા છે. ભારતમાં સૌથી વધુ પ્રભાવક સામગ્રી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જોવામાં આવે છે. ઘણાં લોકો તો સોશ્યલ મિડિયામાં અશ્લીલતાનો પ્રચાર કરીને બંગલા-ગાડી ધરાવતાં થયાં છે.

એક સમય હતો કે જ્યારે વિવિધ ક્ષેત્રોનાં પ્રખ્યાત લોકો, રમતવીરો, અભિનેતાઓ વગેરે સમાજમાં પ્રભાવક તરીકે કામ કરતાં હતાં. બજારે પણ લોકોને પ્રભાવિત કરવાની તેમની કળાનો પૂરો લાભ લીધો હતો. જાહેરાતો માટે તેનો વ્યાપક ઉપયોગ થતો હતો, પરંતુ ઇન્ટરનેટ યુગમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મનો વિસ્તાર થતાં ઘણા એવા લોકો પણ સોશ્યલ મિડિયા પર દેખાવા લાગ્યા, જેઓ ચોક્કસ વિષય પરની તેમની કુશળતા અને વાર્તા કહેવાની તેમની કળાને કારણે લોકપ્રિય બન્યાં છે. તેમાંથી ઘણાએ અદ્ભુત સામગ્રી બનાવી છે અને હજુ પણ બનાવી રહ્યાં છે. માહિતીના આ સમુદ્રમાં ઘણાં એવાં લોકો પણ આવ્યાં, જેમને બિભત્સ સામગ્રીને કારણે સસ્તી લોકપ્રિયતા મળી અને બજારમાં નફાનું ગણિત તેમની હિંમત વધારતું રહ્યું. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં શું બતાવવામાં આવ્યું તેનું આ એક નાનું ઉદાહરણ છે. હકીકતમાં, જો આ બધા પાછળ સસ્તી લોકપ્રિયતા ન હોત તો આ મામલો આટલો આગળ વધ્યો ન હોત.

હકીકતમાં, સોશ્યલ મિડિયા જે રીતે ફેલાયું છે તે સાથે નવા નવા યુટ્યુબર્સ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આમાં એક મોટી ચિંતા એ છે કે કોઈ સોશ્યલ મિડિયા સામગ્રી પર ધ્યાન આપી રહ્યું નથી. તેના પર કોઈનું કોઈ પ્રકારનું નિયંત્રણ દેખાતું નથી. વાણીસ્વાતંત્ર્યના નામે કંઈ પણ પીરસવામાં આવી રહ્યું છે. યુટ્યુબ જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ કોઈ જવાબદારી લેતાં હોય તેવું લાગતું નથી. યુટ્યુબ ઉપર ગંદી ગાળોને, સોફ્ટ પોર્નને અને દ્વિઅર્થી સંવાદોને કોઈ સેન્સર કરતું નથી. આવી ગંદી સામગ્રીને પુખ્ત સામગ્રી તરીકે લેબલ કરવામાં આવી નથી. તે બાળકો માટે પણ સરળતાથી સુલભ છે. આ સર્જકો અને પ્લેટફોર્મની કોઈ જવાબદારી નથી.

ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એજન્સી કોફ્લુએન્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં સોશ્યલ મિડિયા ઇન્ફ્લુએન્સર્સ મહિને ૨૦ હજારથી ૨ લાખ રૂપિયાની વચ્ચે કમાણી કરી રહ્યા છે. કમાણી તમારા કેટલા સબ્સ્ક્રાઇબર્સ અથવા ફોલોઅર્સ છે અને તમારી સામગ્રી કેટલા સમયમાં જોવાઈ રહી છે તેના પર આધાર રાખે છે. હાલમાં, દેશમાં ૨૫થી ૩૫ લાખ લોકો વ્યક્તિગત સ્તરે સોશ્યલ મિડિયા સામગ્રી બનાવી રહ્યાં છે, પરંતુ તેમાંથી માત્ર દોઢ લાખ લોકો જ તેમાંથી પૈસા કમાઈ શકે છે.

સેલિબ્રિટીઓ ઇન્સ્ટાગ્રામ વિડિયોમાંથી ૭ થી ૧૫ લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેઓ યુટ્યુબ વિડિયોમાંથી ૧ થી ૫ લાખ રૂપિયા કમાય છે. મેક્રો ઇન્ફ્લુએન્સર્સ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયોથી ૬૦,૦૦૦ થી ૧.૬ લાખ રૂપિયા અને યુટ્યુબના એક વિડિયોથી ૪૦,૦૦૦ થી ૧ લાખ રૂપિયાની કમાણી કરે છે. સોશ્યલ મિડિયામાં બિભત્સ કન્ટેન્ટ પીરસીને લાખો રૂપિયાની કમાણી કરતાં સોશિયલ મિડિયા પ્રભાવકો પર સરકારે રોક લગાવવાની તાતી જરૂર છે.

Most Popular

To Top