Dakshin Gujarat

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં મામલો ગરમાયો, વેપારીઓ મારામારી પર ઊતર્યા

અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલા વિવિધ સ્ક્રેપ માર્કેટમાં આગજનીના બનાવો બનતા રહ્યા છે. સોમવારે રાત્રે પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા એક ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના બનાવને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અવારનવાર આ સ્ક્રેપ માર્કેટમાં બનતા આગના બનાવોએ અનેક પ્રશ્નાર્થો પણ ખડા કર્યા છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે મહાવીર માર્કેટમાં સજ્જન બિહારી નામના વેપારીના ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગની વ્યાપક જ્વાળા જોવા મળી હતી. આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતાં અંકલેશ્વર ડી.પી.એમ.સી. અને પાનોલી ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો આદર્યા હતા. લગભગ ત્રણેક કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

આ આગના બનાવ બાદ અનેક પ્રશ્નાર્થો ખડા થયા હતા. તપાસમાં ગંભીર બાબતો સામે આવી કે, સમગ્ર માર્કેટના ગોડાઉનોના સંચાલકો પાસે ફાયર એનઓસી કે આગ બુઝાવવાના કોઈ સાધનો નહોતાં. વધુમાં સંચાલકો ગેરકાયદે રાસાયણિક કચરાનો સંગ્રહ કરતા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ગોડાઉન સંચાલકોએ ફાયર કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતા પોલીસને બોલાવવી પડી હતી. કેટલાક ભંગારના વેપારીઓએ ફાયરકર્મીઓ સાથે ઝપાઝપી કરી હોવાની વિગતો પણ સામે આવી હતી.

નોટિફાઇડ એરિયા ઓથોરિટીના 5 ફાયર ટેન્ડરે મોડી રાતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાઇટરો સાથે માથાકૂટ કરતાં પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી. આ તરફ જે ગાડાઉનમાં આગ લાગી હતી, એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એન.ઓ.સી. કે આગ ઓલવવા એકપણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે. ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે?

Most Popular

To Top