સુપ્રીમ કોર્ટે મંગળવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ની ચકાસણી માટે નીતિ ઘડવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. CJI સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને સુનાવણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી EVMમાં કોઈપણ ડેટા ફરીથી લોડ ન કરવાનો કે ડિલીટ ન કરવાનો નિર્દેશ આપ્યો છે.
સીજેઆઈએ કહ્યું, ‘આ વિરોધની સ્થિતિ નથી.’ જો હારેલા ઉમેદવારને સ્પષ્ટતાની જરૂર હોય, તો એન્જિનિયર સ્પષ્ટતા કરી શકે છે કે કોઈ છેડછાડ થઈ નથી. ચૂંટણી પંચે હવે સુપ્રીમ કોર્ટને EVMની મેમરી અને માઈક્રો કંટ્રોલર ડિલીટ કરવાની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપવી પડશે. આગામી સુનાવણી 3 માર્ચથી શરૂ થતા અઠવાડિયામાં થશે.
છેલ્લી સુનાવણીમાં, બેન્ચે કહ્યું હતું કે- ફક્ત જૂની બેન્ચે જ કેસની સુનાવણી કરવી જોઈએ. આ અરજી હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી કરણ સિંહ દલાલ અને 5 વખતના ધારાસભ્ય લખન કુમાર સિંગલાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. તેમણે કોર્ટને EVM તપાસવા માટે એક મજબૂત સિસ્ટમ બનાવવાની વિનંતી કરી હતી.
તેમણે કહ્યું કે ચૂંટણી પંચે EVM ના ચાર ઘટકો – કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, VVPAT અને સિમ્બોલ લોડિંગ યુનિટ – ની મૂળ બર્ન મેમરી અને માઇક્રોકન્ટ્રોલર તપાસવા માટે એક નીતિ બનાવવી જોઈએ. ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ થયેલી સુનાવણીમાં ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ પીબી વરાલેની બેન્ચે અપીલકર્તાઓને કહ્યું કે તેઓ અરજી અહીં કેમ લાવ્યા છે, તેને જૂની બેન્ચમાં મોકલવી જોઈએ.
અગાઉ 26 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે જૂના બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને EVM સાથે ચેડાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે EVM સુરક્ષિત છે, તેનાથી બૂથ કેપ્ચરિંગ અને નકલી મતદાન બંધ થયું છે. હરિયાણા ચૂંટણી પરિણામોને પડકારતી અલગ-અલગ અરજીઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
