Comments

રાજકીય કિન્નાખોરી ટ્રમ્પના સ્વભાવનો એક ભાગ છે, દરેક સરમુખત્યાર આમ જ વર્તતો હોય છે

એક સરકાર જાય અને બીજી સરકાર આવે ત્યારે અગાઉની સરકારમાં જે લોકો આંખે ચઢી ગયા હોય તેમની સામે એક યા બીજી રીતે કનડગતો ઊભી થતી હોય. અમેરિકા ભલે આદર્શ લોકશાહીનાં બણગાં મારતું હોય પણ ટ્રમ્પના સત્તા પર આવ્યા બાદ તો ત્યાંની પરિસ્થિતિ અમેરિકામાં લોકશાહી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે તેવી થઈ છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસીને નાનુંમોટું કમાઈને રહેનાર લોકો સામે આડેધડ ત્રાસ અમેરિકન ઇમીગ્રેશન ઑથોરિટી તેમજ અન્ય અધિકારીઓ દ્વારા વરસી રહ્યો છે. જે પકડાયા એને પહેલાં તો કેમ્પમાં એકઠાં કરી ત્યાર પછી જે તે દેશમાં અમેરિકન સૈન્યનું ટ્રાન્સપોર્ટ પ્લેન ઘેટાં-બકરાંની માફક બાંધીને મૂકી આવે છે.

દુનિયાભરમાં માનવ અધિકારની દુહાઈ દેતી આ અમેરિકન ગરોળીઓ માનવ અધિકારને ગળી જઈ ઉલ્કાપાત મચાવી રહી છે. અમેરિકા જાણે આખું બદલાઈ ગયું. ‘અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા’ એ ન્યાયે અમેરિકામાં અત્યારે ગાંડિયા રાજાના શાસનની શરૂઆત થઈ છે. બધા અધ્ધર જીવે જીવે છે. આપણાવાળા તો ખાસ, કારણ કે, ઉત્તર ગુજરાતમાં જેને ‘ઇલ્લીગિલ્લી’ કહેવાય છે તે ગેરકાયદેસર ગયેલા અને દેશનિકાલ માટે પકડાવાપાત્ર ભારતીયોની સંખ્યા લગભગ સાતેક લાખથી ઉપર હોવાનું અંદાજાયું છે. આમાં સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની છે એટલે ચિંતા થાય તે સ્વાભાવિક છે.

આવો જ એક કેસ નિવૃત્ત થયેલા રિટાયર્ડ જનરલ માર્ક મિલેનો છે જેમને નિવૃત્તિ સમયે આપવામાં આવેલ સિક્યોરિટી ક્લિયરન્સ પાછું ખેંચી લેવાની પેન્ટાગોન સેક્રેટરી પીટ હેગસેત દ્વારા સૂચના આપવામાં આવી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના માની લીધેલા શત્રુઓ સામે રાજકીય બદલો લેવાનું આ તાજેત૨નું ઉદાહરણ છે. સિક્યોરિટી ક્લિયરન્સ પાછું ખેંચી લેવા ઉપરાંત ઇન્સ્પેક્ટર જનરલ જેવી ઉચ્ચ કક્ષાએથી મિલેની કામગીરી બાબત ઇન્કવાયરી કરવામાં આવશે.

જનરલ મિલેનું ભૂત પેન્ટાગોનને અથવા સશસ્ત્ર દળોને ભવિષ્યમાં ક્યારેય કનડવું જોઈએ નહીં એવું પેન્ટાગોનમાં ચર્ચાઇ રહ્યું છે. મૂળ વાત કોઈ પણ રીતે જનરલ મિલેની જવાબદારી નક્કી કરી એને એ માટે સજા કરવાની છે. પ્રતિશોધની આગ ક્યાં સુધી જઈ શકે છે, તે સમજવું હોય તો ટ્રમ્પની સોગંદવિધિ થઈ તે જ રાત્રે પેન્ટાગોન બિલ્ડિંગમાંથી જનરલ મિલેનો પ્રોર્ટ્રેઇટ હટાવી લેવામાં આવ્યો હતો. ટ્રમ્પ એવું માને છે કે, બાઇડેન પાસેથી પ્રમુખ તરીકેના તેના કાર્યકાળના છેલ્લા કલાકોમાં જે જે લોકોએ ટ્રમ્પને માફી ન આપવા દીધી, તેમાં મિલેનું નામ ટોચ પર હતું.

મિલેએ ચાર વર્ષ જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ તરીકેનું પદ ભોગવ્યું, જેમાં ટ્રમ્પ તેમજ પૂર્વ પ્રમુખ બાઇડેનના કાર્યકાળનો સમાવેશ થાય છે. મિલે ટ્રમ્પના ઉગ્ર ટીકાકાર છે અને પત્રકાર બૉબ વુડવર્ડના પુસ્તકમાં જનરલ મિલેને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે કે, ‘આ દેશ માટે ટ્રમ્પ જેટલો જોખમી માણસ ક્યારેય થયો નથી. હવે મને લાગે છે કે, એ સંપૂર્ણપણે ફાસિસ્ટ છે અને આ દેશ માટે અત્યંત જોખમી વ્યક્તિ છે.’ ‘ધી એટલાન્ટિક’ નામના પ્રકાશનને આપેલ એક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક સમયે તો આ નિવૃત્ત જનરલને મારી નાખવો જોઈએ એવું કહ્યું હતું.

ટ્રમ્પે એના પહેલા કાર્યકાળ દરમિયાન જે લોકોએ એના હાથ નીચે કામ કર્યું હતું એવા બધાના, જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જહોન બોલ્ટન અને એન્થોની ફોસીનો સમાવેશ થાય છે. તેમના સિક્યોરિટી પ્રોટેક્શન પાછાં ખેંચી લીધાં છે. બંધારણમાં લખેલા શબ્દો ‘ફ્રીડમ ઑફ સ્પીચ’ એટલે કે ‘વક્તવ્યની સ્વતંત્રતા’ અને ‘ફ્રીડમ ઑફ એક્ષપ્રેશન’ એટલે કે ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ રૂપકડાં લાગે છે પણ અમેરિકા જેવા દેશમાં જો આ સ્થિતિ હોય તો ભારત સમેત બીજા લોકશાહી દેશોમાં આદર્શ સ્થિતિની અપેક્ષા રાખવી કેટલા અંશે વ્યાજબી છે?
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top