ગાઝા પટ્ટી ઉપર ઇઝરાયેલના હુમલા બાદ હવે હમાસ ફરી સક્રિય થઇ ગયું છે અને નવા કમાન્ડર પણ બનાવી દેવામાં આવ્યા છે. જો કે હવે ભારત માટે ગંભીર બાબત એ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે આતંકવાદી સંગઠનો એક થઈ રહ્યા હોય તેવું લાગે છે. તેઓ આતંકની નવી લહેર શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ગુપ્તચર એજન્સીઓ સતર્ક છે.
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, POK માં એક કાર્યક્રમ પણ યોજાયો હતો જેને હમાસના એક ટોચના કમાન્ડરે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં આતંકવાદી જૂથો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ હાજરી આપી હતી અને હમાસના પ્રવક્તા ખાલિદ કાદુમી દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું. આ બતાવે છે કે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન કેટલું મોટું ષડયંત્ર રચી રહ્યું છે. તેની ધરતી પર જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનો મજબૂત બની રહ્યા છે એટલું જ નહીં, પરંતુ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ પણ તેના મૂળિયા મજબૂત કરી રહ્યું છે.
ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે આના દ્વારા પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવા માંગે છે. તેનો પ્રયાસ એ સંદેશ આપવાનો છે કે પેલેસ્ટાઇન અને કાશ્મીર સમાન મુદ્દાઓ છે અને બંને જગ્યાએ મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. બંને સ્થળો વચ્ચેની સમાનતાઓ દર્શાવતા, તેમણે ઘણીવાર ઇસ્લામિક વિશ્વને સમર્થન માટે અપીલ કરી છે. તુર્કી અને મલેશિયા જેવા દેશોએ ઘણીવાર સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારતને નુકસાન પહોંચાડતી વાતો કહી છે, પરંતુ સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને કુવૈત જેવા દેશો પાકિસ્તાનના પ્રચારથી દૂર રહ્યા છે. પાકિસ્તાનમાં 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સરકારી કાર્યક્રમોમાં કાશ્મીર અંગે પ્રચાર ફેલાય છે. આ અંતર્ગત, આતંકવાદી સંગઠનો એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે જેમાં હમાસના નેતાઓએ હાજરી આપી હતી.
અહીં મહત્ત્વની વાત એ છે કે POKમાં આ કાર્યક્રમનું આયોજન અલ અક્સા ફ્લડના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું. આ નામ હેઠળ જ 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયેલમાં આતંકવાદી હુમલો થયો હતો. તે હુમલામાં લગભગ 700 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકોને હમાસે કેદ કર્યા હતા. વાસ્તવમાં અલ અક્સા જેરુસલેમમાં સ્થિત એક મસ્જિદ છે, જેના પર મુસ્લિમો અને યહૂદીઓ બંને દાવો કરે છે. તેમના નામે હાથ ધરાયેલા ઓપરેશનના બેનર હેઠળ POKમાં કાર્યક્રમનું આયોજન કરવું એ એક ખતરનાક સંકેત છે. આ દ્વારા આતંકવાદી સંગઠનો મુસ્લિમ ઉમ્માની એકતાનો સંદેશ આપવા માંગે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને ઘણીવાર પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલી હુમલાઓની તસવીરોનો ખોટો પ્રચાર કર્યો હતો અને કહ્યું હતું કે તે કાશ્મીરના છે અને તેનું જુઠ્ઠાણું પણ ખુલ્લું પડી ગયું હતું.
તો બીજી તરફ દેશમાં તખ્તાપલટ બાદ ભારત આવેલા પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણ અને હિંદુઓ પર અત્યાચારને લઈને ભારત સાથેના સંઘર્ષ વચ્ચે બાંગ્લાદેશ સરકાર સતત પાકિસ્તાન સાથેની નિકટતા વધારી રહી છે. પાકિસ્તાનને વેપાર સુવિધાઓ આપવાની સાથે વચગાળાની સરકાર પણ આઈએસઆઈની નજીક હોવાનો આનંદ માણી રહી છે. પરિણામ એ આવ્યું કે ISI ઢાકા પહોંચી ગઈ છે. હકીકતમાં થોડા સમય પહેલા બાંગ્લાદેશ સશસ્ત્ર દળોના પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ કમર-ઉલ-હસન ઈસ્લામાબાદ ગયા હતા.
હવે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના અધિકારીઓ તેમની ઉચ્ચ સ્તરીય ટીમ સાથે ઢાકા પહોંચી ગયા છે. આ ટીમમાં પાકિસ્તાનના પૂર્વ સૈન્ય રાજદ્વારી મેજર જનરલ શાહિદ અમીર અફસર, બે બ્રિગેડિયર આલમ આમિર અવાન અને મુહમ્મદ ઉસ્માન ઝતીફ પણ પહોંચ્યા છે. જે પણ ભારત માટે ગંભીર બાબત છે. મળતી માહિતી મુજબ ISIના આ અધિકારીઓ 24 જાન્યુઆરી સુધી બાંગ્લાદેશમાં જ રહ્યાં હતાં. આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ઘણા દાયકાઓ પછી બંને દેશો વચ્ચે આવી નિકટતા જોવા મળી રહી છે, જે એક-બે મોરચે ભારત માટે પડકાર બની શકે છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારત વિરોધી ગતિવિધિઓ માટે બાંગ્લાદેશનો ઉપયોગ કરી શકે છે.
મોહમ્મદ યુનુસે સત્તા સંભાળ્યા બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય અને ગુપ્તચર સંબંધો વધુ ગાઢ બન્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં મોહમ્મદ યુનુસ સરકારે બાંગ્લાદેશ આવતા પાકિસ્તાની લોકો માટે વધુ સુવિધાઓ પણ આપી છે. તે જ સમયે, બંને દેશો વેપારને સરળ બનાવવા માટે સતત વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવ્યા બાદ જે રીતે શાહબાઝ શરીફ સરકાર મોહમ્મદ યુનુસ સાથે સંબંધો બનાવી રહી છે તે દર્શાવે છે કે પાકિસ્તાન વાસ્તવમાં આ ક્ષેત્રમાં પોતાની શક્તિને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ, મોહમ્મદ યુનુસ ભારત વિરુદ્ધ તેના વિરોધીઓ સાથે તાલમેલ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે.
બાંગ્લાદેશમાં આઈએસઆઈની દખલગીરી સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ભારત માટે ખતરનાક બની શકે છે કારણ કે તેનાથી દેશમાં અસામાજિક તત્વો દ્વારા અપ્રિય ઘટનાઓ થઈ શકે છે. બીજી તરફ મોહમ્મદ યુનુસ પણ ચીન સાથે પોતાના સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે અથવા તો ચીનના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે, જ્યારે ચીન સતત ભારત સામે પડકારો ઉભો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની નિકટતાને કારણે ભારતને ત્રણ મોરચે પડકારોનો સામનો કરવો પડી શકે છે. એક તરફ પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યું છે તો બીજી તરફ તે આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. તે ગમે તે બહાને ભારતને પરેશાન કરવાનું છોડતું નથી. એટલે તેની પર ભરોસો નહીં કરીને ભારત જે કરી રહ્યું છે તે યથા યોગ્ય જ છે. જો કે, ભારતની ગુપ્તચર એજન્સીઓ પણ હવે એટલી જ સક્રિય થઇ ગઇ છે. તેનું ઉદાહરણ ખાલિસ્તાનીઓ અને પાકિસ્તાનમાં જે રીતે એક પછી એક આતંકવાદીને સ્વધામ પહોંચાડાઇ રહ્યાં છે તે છે.