દિલ્હી એટલે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી એટલે દિલ્હી એવું સમગ્ર દેશના લોકો માનતા હતાં પરંતુ તેવું કંઇ જ નહીં થયું અને આપના દિગ્ગજોની હાર સાથે સફાયો થયો. અહીં સફાયો શબ્દ એટલા માટે વાપરવો પડે છે કારણ કે આ ચૂંટણીમાં ભાજપે કશું જ ગુમાવવાનું ન હતું. એક વખત તો આમ આદમી પાર્ટીના સંયોજક અને સ્થાપક પૈકીના એક સભ્ય અરવિંદ કેજરીવાલે જાહેરમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આ જન્મમાં તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવી નહીં શકે પરંતુ જે થયુ તે દુનિયાની સામે થયું.
દિલ્હીમાં કોની સરકાર બને તેનાથી દેશ કે દુનિયાને કોઇ ફેર પડતો નથી પરંતુ આમ આદમી પાર્ટીને ભાજપે જે રીતે હરાવી તે ચોંકાવનારી ઘટના છે. તેના કારણે સમગ્ર દુનિયા અને દેશના રાજકારણીઓમાં મનોમંથન શરૂ થઇ ગયું છે. રાજકીય પંડિતો પણ હારના અલગ અલગ કારણ આપી રહ્યાં છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક હૈ તો સેફ હૈ જેવો નાનકડો મંત્ર પણ જો કેજરીવાલ અને રાહુલ ગાંધીએ માની લીધો હોત તો અત્યારે ભાજપે વિપક્ષમાં બેસવું પડતે. ઇન્ડિયા ગઠબંધનનો ભાગ રહેલી કેટલીક પાર્ટીઓના નેતાઓએ આ વાતની તરફ ઇશારો કર્યો છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું, ‘આપ અને કૉંગ્રેસનો રાજકીય પ્રતિદ્વંદ્વી ભાજપ છે. બંનેએ એક સાથે આવવું જોઈતું હતું. જો બંનેએ હાથ મિલાવી લીધા હોત તો ભાજપની હાર ગણતરીના પ્રથમ કલાકમાં જ સુનિશ્ચિત થઈ ગઈ હોત.’ કૉમ્યુનિસ્ટ પાર્ટીના ડી. રાજાએ કહ્યું, ‘આ ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે એકતા ન જળવાઈ એના કારણે બન્યું, દિલ્હી ચૂંટણીનાં પરિણામ એક શીખ આપી રહ્યાં છે.’ ‘ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી હોવાને કારણે કૉંગ્રેસે હવે આત્મનિરીક્ષણ કરીને જોવું જોઈએ કે આગળ કેવી રીતે ગઠબંધનને મજબૂત કરી શકાય. આ બધા માટે એક મોટો પડકાર છે.’ જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી અને જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પણ પરિણામોથી ઘણા નારાજ દેખાયા. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કટાક્ષ કર્યો અને લખ્યું, ’એકબીજા સાથે હજુ લડો!!!’
આપની હાર પાછળના કેટલાક અન્ય કારણની વાત કરીએ તો પેહલું કારણ છે ભ્રષ્ટાચાર પાછલાં બે-ત્રણ વર્ષથી પાર્ટીના ટોચના નેતાઓ ‘ભ્રષ્ટાચાર’ સહિતના આક્ષેપોનો સામનો કરી રહ્યા હોવાની વાત અને તેમની સામે થયેલી ‘કાયદાકીય કાર્યવાહી’ની પણ આ ચૂંટણીમાં તેમના માટે નકારાત્મક અસર થઈ હોઈ શકે. તેઓ ભાજપના વાયદાઓ લોકોને અસર કરી ગયા હોવાની વાત કરતાં કહે છે કે, ‘લોકોના મનમાં સવાલ હતો કે આપ વસ્તુ-સેવાઓ મફતમાં આપ્યા સિવાય બીજાં શું કામ કરશે. દિલ્હીમાં વધુ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરૂર હોવાની વાત પર ભાજપે તેના ચૂંટણીપ્રચારમાં ભાર મૂક્યો હતો. જેમાં ગરીબોને પરવડે એવા ઘર સહિતની વાત પણ સામેલ હતી.’ દિલ્હીમાં પાછલા ઘણા સમયથી આંતરમાળખાકીય વિકાસ થયો ન હોવાનું દેખાય છે, જો આપ એ દિશામાં કામ કરી રહી હોય તો પણ એ વાત તેમના પ્રચારમાં ઝાઝી જોવા નહોતી મળી.
જોકે, સામેની બાજુએ ભાજપે પોતાના પ્રચારમાં મફત સેવાઓ આપવાની યોજનાઓ ચાલુ રાખવાની સાથોસાથ દિલ્હીમાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાનો પણ વાયદો કર્યો, જે કામ કરી ગયું. બીજા કારણની વાત કરીએ તો તે એ છે સત્તાવિરોધી લહેર. જો મોદીની છબીની લહેર જ ચાલવાની હોત તો તેની સૌથી મોટી અસર વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં થવી જોઈતી હતી. જોકે, એ સમયે તો આપને 67 બેઠકો મળી હતી. તેઓ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રાદેશિક એકમમાં ‘નવી ઊર્જા’ જોવા મળ્યાની વાત કરે છે. “આ વખત એવું લાગી રહ્યું કે ભાજપનો પ્રાદેશિક એકમ સક્રિય થયો છે. જે પહેલાં નહોતું લાગતું. શેરી-મોહલ્લામાં જઈ જઈને તેઓ આ વખત સઘન સંપર્ક કરતા જોવા મળ્યા છે.”
આ સિવાય પાટનગરમાં ‘સત્તાવિરોધી લહેર’ને કારણે આપને આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો હોવાનું પણ તેઓ માને છે. આશિષ મહેતા કહે છે કે, “દિલ્હીમાં વિકાસનાં ઘણાં બધાં કામો માટે ઉપરાજ્યપાલની મંજૂરીની આવશ્યકતા રહે છે, અને આ સરકારમાં બધાને ખ્યાલ છે કે કેન્દ્ર અને રાજ્યની સરકારોના ઘર્ષણને કારણે આ કામો પર અસર પડી રહી હતી. જોકે, સામાન્ય લોકો પોતાને ત્યાં દેશના અન્ય ભાગો કરતાં ધીમો વિકાસ થતો હોય તો તેના માટે સીધી રીતે રાજ્યના સત્તા પક્ષને જ સ્વાભાવિકપણે જવાબદાર ઠેરવે છે. આ પ્રકારની લહેરને કારણે પણ આપને નુકસાન થયું છે.”