Editorial

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશનાર ભારતીયોને માટે વસમી વેળા આવી છે

અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને હાલમાં ભારત સહિત વિવિધ દેશોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોટા પાયે દેશનિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. અનેક દેશોના, ખાસ કરીને લેટિન અમેરિકન દેશોના સંખ્યાબંધ ગેરકાયદે ઇમિગ્રન્ટોને વિમાનોમાં બેસાડીને તેમના દેશ મોકલી દેવાયા તેના પછી ભારતીયોનો વારો પણ આવી ગયો છે.  મંગળવારે, એક અમેરિકી લશ્કરી વિમાન ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા રવાના થયું, જે ભારતીયોની આ રીતે હકાલપટ્ટી કરવા માટે રવાના થયેલું પ્રથમ વિમાન હતું. અને આગામી દિવસોમાં ધીમે ધીમે અનેક ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી થઇ શકે છે.

જ્યારે હું ફરીથી ચૂંટાઈશ, ત્યારે અમે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટું દેશનિકાલ ઓપરેશન શરૂ કરીશું એમ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું અને હવે તેના પર અમલ શરૂ કરી દીધો છે. 205 ભારતીય નાગરિકોને લઈને એક C-17 વિમાન ટેક્સાસના સાન એન્ટોનિયોથી  મંગળવારે સવારે 3 વાગ્યે રવાના થયું હતું, સૂત્રોએ જણાવ્યું હતું. આ વિમાન પંજાબના અમૃતસર જવા માટે રવાના થયુ જે બુધવારે અમૃતસર આવી પહોંચ્યું છે.અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોમાં પંજાબીઓ અને ગુજરાતીઓનું પ્રમાણ નોંધપાત્ર મોટું છે.

પંજાબીઓ અને ગુજરાતીઓને લઇને આવેલી આ ફ્લાઇટ ઘણી આયોજિત ફ્લાઇટ્સમાંથી પ્રથમ છે, અને આગામી સપ્તાહોમાં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના વધુ જૂથોને વિમાનોમાં પાછા મોકલવામાં આવે તેવી શક્યતા છે. અન્યોને પોતાની રીતે સામાન્ય ફ્લાઇટોમાં રવાના થઇ જવાનો આદેશ પણ આપવામાં આવી શકે છે. ભારત ખાતેની અમેરિકન એમ્બેસીએ જો કે ભારતીયોની આ હકાલપટ્ટી અંગે કોઇ સ્પષ્ટ ફોડ પાડ્યો ન હતો ત્યારે એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા તેના ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર કરી રહ્યું છે. આ પગલાં સ્પષ્ટ સંદેશ મોકલે છે: ગેરકાયદેસર સ્થળાંતર જોખમ લેવા યોગ્ય નથી એમ પ્રવકતાએ કહ્યું હતું. દેખીતી રીતે આ પ્રવકતાએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારાઓને ગર્ભિત ચેતવણી આપી છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર હાલ દેશમાં બિનદસ્તાવેજીકૃત અથવા ગેરકાયદેસર વસાહતીઓને નિશાન બનાવી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને હકાલપટ્ટીના તેના તાજેતરના તબક્કા માટે વાણિજ્યિક ફ્લાઇટ્સ અને લશ્કરી વિમાન બંનેનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધીમાં, લશ્કરી વિમાનો ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસના ગેરકાયદે ઇમિગ્રન્ટોને તેમના દેશોમાં મૂકી આવ્યા છે. હવે ભારતનો પણ વારો આવી ગયો છે અને આગામી સપ્તાહોમાં આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. અમેરિકામાંથી કેટલા ભારતીયોની હકાલપટ્ટી કરવામાં આવશે તે હજી ચોક્કસ જાણવા મળતું નથી પણ બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ભારત અને અમેરિકાએ એવા 18,000 ભારતીય ઇમિગ્રન્ટોની ઓળખ કરી છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસે છે અને તેમની હકાલપટ્ટી થઇ શકે છે.

અમેરિકી  ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) અનુસાર, ઓછામાં ઓછા 20,407 બિનદસ્તાવેજીકૃત ભારતીયો આ પગલાથી પ્રભાવિત થઈ શકે છે. આમાંથી 17,940 પેપરલેસ વ્યક્તિઓ છે જેમને અંતિમ નિકાલના આદેશો છે. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના એન્ફોર્સમેન્ટ અને રિમૂવલ ઓપરેશન્સ (ERO) વિભાગ હેઠળ હાલમાં 2,467 અન્ય લોકો અટકાયતમાં છે. આ આંકડા છેલ્લે 2022 માં અપડેટ કરવામાં આવ્યા હતા અને આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. આમ તો જો કે પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, ભારતમાંથી આશરે 725,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં રહે છે, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અનધિકૃત ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં ત્રીજા ક્રમે છે. પરંતુ આ તમામની હકાલપટ્ટી નહીં થાય. જેઓ કદાચ દસ્તાવેજો મેળવી શકે તેમને હાંકી કાઢવામાં નહીં આવે.

હવે ભારતે આ હકાલપટ્ટી પામેલાઓને સ્વીકારવા પડશે.  અમેરિકામાંથી હકાલપટ્ટીની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારતે કહ્યું હતું કે તે હંમેશા બિનદસ્તાવેજીકૃત ભારતીયોને તેમના દેશમાં કાયદેસર રીતે પરત કરવા માટે ખુલ્લું રહ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત ચકાસી રહ્યું છે કે અમેરિકામાંથી કોને ભારત દેશનિકાલ કરી શકાય છે, અને આવા વ્યક્તિઓની સંખ્યા હજુ સુધી નક્કી કરી શકાઇ નથી. દરેક દેશ સાથે, અને અમેરિકા પણ તેનો અપવાદ નથી, અમે હંમેશા જાળવી રાખ્યું છે કે જો અમારા કોઈપણ નાગરિક ત્યાં ગેરકાયદેસર રીતે રહે છે, અને જો અમને ખાતરી હોય કે તેઓ અમારા નાગરિક છે, તો અમે હંમેશા તેમના કાયદેસર રીતે ભારતમાં પાછા ફરવા માટે ખુલ્લા રહ્યા છીએ વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું.

ભારતીયોને અમેરિકામાં ગમે તેમ કરીને ઘૂસી જવાની ઘેલછા હવે ભારે પડી રહી છે. ટ્રમ્પે બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સથી જન્મેલા બાળકો માટે જન્મજાત નાગરિકતા પણ સમાપ્ત કરી દીધી છે અને શરણાર્થી કાર્યક્રમોને તોડી પાડ્યા છે અને આ બધુ ગેરકાયદે ઇમિગ્રન્ટોને ભારે પડી રહ્યું છે. આપણા સંખ્યાબંધ ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યા હતા અને હવે તેમને પરત ફરવાનું કેટલું ભારે પડશે તેની કલ્પના કરવા જેવી છે.

Most Popular

To Top