SURAT

સુરત મનપાના વાંકે 2 વર્ષના માસૂમનું દર્દનાક મોતઃ ગટરમાં પડેલા કેદારની લાશ 24 કલાકે મળી

બુધવારની સાંજે ખુલ્લા ગટરમાં પડી ગયેલા 2 વર્ષના બાળકની લાશ 24 કલાકે મળી છે. વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકની લાશ મળી આવી છે. બાળકના મૃતદેહને હોસ્પિટલમાં મોકલી અપાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઈકાલે બુધવારે તા. 5 ફેબ્રુઆરીની સાંજે 5.30ની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી.

કલાકોની જહેમત બાદ પણ બાળક ન મળતાં મોડીરાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી. દરમિયાન આજે તા. 6 ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 16 કલાકથી વધુ સમય થઈ ગયો, પણ તેનો હજુ કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યાર બાદ એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ મિશનની જવાબદારી સોંપાઈ હતી. આખરે બાળકનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો છે.

શું બની હતી ઘટના?
સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી. 3 ફૂટ પહોળી આ ગટરમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.

ક્યાંથી લાશ મળી?
ગટરમાં ફાયરના જવાનો બાળકને શોધવા ઉતર્યા હતા. પરંતુ બાળકનો પત્તો લાગ્યો નહોતો. રેસ્ક્યુ ઓપરેશનને 16 કલાકથી વધુ સમય વીતી જતા આખરે વરિયાવ પમ્પિંગ સ્ટેશન પર શોધખોળ હાથ ધરાઈ હતી. વરિયાવ પમ્પિંગ સ્ટેશન ખાતે ડ્રેનેજ વિભાગના ચીફ ભૈરવ દેસાઈ, એનડીઆરએફની ટીમ, ડ્રેનેજ સમિતિના પ્રમુખ અને ડેપ્યુટી મેયર સહિતના નજર રાખી રહ્યાં હતાં. ઓક્સિજન માસ્ક પહેરી પમ્પિંગ સ્ટેશનમાં રેસ્ક્યુ ટીમ નીચે ઉતરી હતી. કોન્ટ્રાક્ટના માણસોને નીચે ઉતાર્યા હતા. આખરે 5 વાગ્યાની આસપાસ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો.

Most Popular

To Top