SURAT

વેઈટિંગ પિરિયડનું કારણ દર્શાવી વીમા કંપની ક્લેઈમ નકારી નહીં શકે, જાણો ગ્રાહક કોર્ટ શું કહે છે..

સુરત: વેઇટિંગ પિરિયડના બહાને ક્લેમની રકમ ચૂકવવાનો ઇન્કાર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટે લપડાક આપી હતી. કોર્ટે વીમા કંપનીને વ્યાજ સહિત દવાની રકમ 42,900 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

  • સુરતના રસિક ચીહલાનો યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીએ ક્લેઈમ નકાર્યો હતો
  • પોલિસી ખરીદયાના 30 દિવસ પુરા થાય તે પહેલાં બિમાર થતા કંપનીએ દાવો નકાર્યો હતો
  • રસિક ચીહલાએ ગ્રાહકો કોર્ટમાં ફરિયાદ કરી, કોર્ટે વ્યાજ સહિત રકમ ચૂકવવાનો આદેશ કર્યો

કેસની વિગત એવી છે કે, રસિક પ્રભુ ચીહલાએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મુજબ રસિકે વીમા કંપની પાસેથી હેલ્થ પોલિસી ખરીદી હતી. ત્યારબાદ તાવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને સારવાર પાછળ ખર્ચાયેલા રૂ.42,900 માટે વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો.

વીમા કંપનીએ જણાવ્યું હતું કે, પોલિસી ધારકની બીમારી સંબંધિત સમસ્યા પોલિસી ખરીદ્યાના 30 દિવસ પૂરા થાય તે પહેલાં શરૂ થઈ હતી, પોલિસીના નિયમો અને શરતો અનુસાર બીમારીની સારવાર પર થયેલા ખર્ચનો દાવો વેઇટિંગ પિરિયડના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવતો નથી.

મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચતા એડવોકેટ ઘનશ્યામ પ્રજાપતિએ પોતાની દલીલો રજૂ કરતાં જણાવ્યું કે, 30 દિવસના વેઇટિંગ પિરિયડની અવધિ પૂર્ણ થાય તે પહેલાં તેમના અસિલ સ્વસ્થ હતા અને કામ પર જઈ રહ્યા હતા. જે અંગે કોર્ટ સમક્ષ પુરાવા પણ રજૂ કર્યા હતા. અંતિમ સુનાવણી બાદ ફરિયાદ પક્ષની દલીલો તથા રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે ફરિયાદ મંજૂર રાખી અને વીમા કંપનીને ફરિયાદ દાખલ કર્યાની તારીખથી 8% વાર્ષિક વ્યાજ સાથે રૂ.42,900ની ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Most Popular

To Top