સુરતઃ હત્યાના ગુનામાં સંડોવાયેલા પુખ્તવયના પુત્રની સામેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચલાવવાના હેતુસર જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવીને કોર્ટમાં રજૂ કરી ગુનો કરવા બદલ પિતાને સુરત કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
- પુત્રના જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવી કોર્ટમાં રજૂ કરનાર પિતાને 5 વર્ષની સજા
- હત્યાના ગુનામાં સંડોવાયેલા પુખ્ત વયના પુત્રની સામેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચલાવવાના હેતુસર ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હતું
કેસની વિગત એવી છે કે, લંબે હનુમાન રોડ ભોળાનગર ખાતે મધુ રણછોડ ખેરાળા રહે છે. તેનો દીકરો લાલો ઉર્ફે ભુરીયા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધાયો હતો. આ કેસ જુવેનાઇલ કોર્ટમાં ટ્રાન્સફર કરવાના હેતુથી આરોપી લાલો પુખ્ત વયનો હોવા છતાં તેના પિતા મધુ ખેરાળાએ દીકરા લાલાનો નવાગામ ગ્રામ પંચાયતનું ખોટું અને બનાવટી જન્મનું પ્રમાણપત્ર બનાવી કોર્ટ સમક્ષ મૂક્યું હતું.
તેમજ આ પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવા છતાં આરોપી દીકરાને જામીન ઉપર મુક્ત કરાવવા માટે ખરા તરીકે આ પ્રમાણપત્ર સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં પણ રજૂ કર્યું હતું. જેથી પિતા મધુ ખેરાળાએ બોગસ પ્રમાણપત્ર ઉપજાવી કાઢતા તેની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ બનાવવા બદલ ગુનો દાખલ થયો હતો. આ કેસની ઇન્સાફી કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી.
કોર્ટે આ ગુનામાં આરોપી પિતા મધુ ખેરાળાને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સરકાર તરફે વકીલ એ.ટી પરમારે દલીલો કરી હતી.