એક ઓફિસમાં નવા નવા એક લેડી કામ કરવા આવ્યા, નામ રેખા બહેન. લગભગ સેકેન્ડ ઇનિંગ શરૂ કરી હતી એમ કહેવાય. ઉંમર 50ની થવા આવી હતી. છોકરાઓ મોટા થઈ ગયા હતા અને પતિ બિઝનેસમાં બીઝી હતા એટલે તેમણે પણ પોતાનું મનગમતું કામ શોધી લીધું અને ઓફિસમાં કામ કરવા લાગ્યા. રેખા બહેન સરસ તૈયાર થઈને આવે, બધાને વોચમેનથી લઈને પ્યૂન સુધી બધાને સ્માઇલ આપે.
કોઇપણ મદદ કરે એટલે તરત થેન્ક્યુ કહે અને હસતા ચહેરે કામ કરતા રહે અને કરાવતા રહે. ક્યારેક કંઇક સરસ મજાનો લાડવો કે અડદિયો લઈને ઓફિસમાં આવે, બધાનું મોઢું મીઠું કરાવે અને બીજા કઈ પણ ઓફર કરે તે પણ પ્રેમથી સ્વીકારે. બધા સાથે થોડા જ દિવસોમાં – અઠવાડિયાઓમાં એવા ભળી ગયા કે તે ન આવે તો બધાને તેમની ખોટ લાગે. બે મહિનામાં તો રેખા મેડમ ઓફિસની જાન બની ગયા અને સૌથી મોટી ખૂબી હતી કે વોચમેનથી લઈને લિફ્ટમેન સુધી બધાને તેમના સ્માઈલની આદત પડી ગઈ, તેમના થેન્ક્યુની આદત પડી ગઈ.
હંમેશા હસતા રહેતા રેખા બહેનને તેમની બાજુમાં જ બેસતા બકુલભાઈએ પૂછ્યું, ‘આટલા ખુશ કઈ રીતે રહી શકો છો? ક્યારેય કોઈ ટેન્શનમાં નથી હોતા, હંમેશા એકદમ તૈયાર થયેલા હો છો અને તમારા હાથના નખ જોઈને તો એમ લાગે છે કે ક્યારેય કોઈ કામ કરતા જ નહીં હોય.’ આ સાંભળી ઓફિસમાં બધા હસી પડ્યા અને રેખા બહેન બોલ્યા, ‘ભાઈ રોજ સવારે ગરમ નાસ્તો અને રસોઈ બનાવીને આવું છું અને તમને જે ખવડાવું છું એ બધું જ જાતે બનાવું છું.’ બકુલભાઈએ પાછું પૂછ્યું, ‘તમે હંમેશા ખુશ લાગો છો કોઈ ટેન્શન નથી લેતા? કામનો ગમે તેટલો ભાર હોય હસતા હસતા બધું કામ કરી આપો છો. ક્યારેય કોઈ વાંધો નથી ઉઠાવતા રહસ્ય શું છે?
રેખા બહેને કહ્યું, ‘અરે મારી ખુશીનું રહસ્ય બે જ વાક્યમાં છે; બીજાની ખુશીથી હું ક્યારેય જલતી નથી અને પોતાનું દુઃખ ક્યારેય કોઈને બતાવતી નથી. મને ક્યારેય દુઃખ નથી થતું કે હું કેરિયરમાં પાછળ રહી ગઈ. હું ખુશ છું કે આ ઉંમરે પણ મને કેરિયર શરૂ કરવાની તક મળી છે. હું ક્યારેય દુઃખી થતી નથી કે મારા કરતા કેટલાય લોકો ક્યાંય આગળ વધી ગયા. હું ખુશ છું કે હું જ્યાં છું ત્યાં પ્રેમથી મારું મનગમતું કામ કરી શકું છું. હું કોઈની ખુશીથી દુઃખી નથી થતી અને મારું દુઃખ કોઈને દેખાડતી નથી બસ આજ છે ખુશીનું સાચું રહસ્ય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
