ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદે વિરાજમાન થવાની સાથે જ કેટલાક નિર્ણયો જાહેર કર્યા જેમાં અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી. ભારત સરકારે તત્કાળ પ્રતિભાવ પણ આપ્યો કે જે ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરે છે તેને ભારત પરત સ્વિકારશે. મતલબ પાછા આવવામાં મદદરૂપ થશે! વેલ! દુનિયાભરમા વસતો ભારતીય નાગરિક ભારતમાં તો પાછો આવી જ શકે છે! વળી તે મુશ્કેલીમાં હોય ત્યારે તેને પરત આવવામાં સરકાર મદદરૂપ થાય તે પણ સારી જ વાત કહેવાય! પછી તે ઇરાક હોય, યુક્રેન હોય કે અમેરિકા!
સ્થળાંતર! અને તે પણ ઉજવળ ભવિષ્ય માટે! આ દુનિયાભરનો પ્રશ્ન છે. આર્થિક વળતરનું આકર્ષણ સૌને જન્મભૂમિ છોડાવે છે. શિક્ષણ, રોજગાર, આવક માટે જન્મસ્થળ છોડવું તે સ્થળાંતરનું સૌથી મોટુ કામણ છે. પણ માણસ ગામ છોડે, શહેર છોડે, રાજય છોડે ત્યારે જે પ્રશ્નો નથી સર્જાતા તે દેશ છોડે ત્યારે સર્જાય છે! અને આ પ્રશ્નો રાજકીય, સાંસ્કૃતિક, સામાજીક હોય છે! દેશમાં આંતરિક સ્થળાંતર કાયદેસરતાના પ્રશ્નો નથી સર્જતું પણ આંતરરાજકિય સ્થળાંતર કાયદેસરતાના પ્રશ્નો ઉભા કરે છે!
ઘૂસણખોરી ભારતમાં પણ છે અને અમેરિકામાં પણ છે! પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા અનેક અરાજકતાભર્યા દેશોમાંથી સામાજીક સુરક્ષા અને આર્થિક પ્રગતિ માટે લોકો ભારતમાં ઘૂસે છે. તેવી જ રીતે વધુ સારી વૈભવિ જીંદગી માટે માણસ અમેરિકામાં ઘૂસે છે! જો કે એ પણ વિચારવા જેવું છે કે યુરોપમાં ગેરકાયદે વસવાટ ઓછો છે! વળી ભારતીયોનું અમેરિકા જેટલું ઘેલું બીજા દેશોમાં નથી! ખેર! આપણે વિચારવું એ છે કે આ લોકો ભરત છોડી કેનેડા, અમેરિકા દોડે છે શા માટે? પ્રથમ કારણ છે આર્થિક!
ભારતમાં આર્થિક અરાજકતા છે. ખાસ તો કામ અને તેના વળતરમાં વ્યાપક શોષણ છે! ખાનગીકરણ અને ઉદારીકરણ પછી ભારતમાં સેવાલેગનો વ્યાપક વિકાસ થયો. સાથે સાથે રોજગારીનો વ્યાપ પણ વધ્યો! શરૂઆતમાં એમ હતું કે રોજગારી આવક વધશે એટલે ભારતમાં જ વિકાસની શકયતાઓ વધશે. પણ થોડા જ સમયમાં ખબર પડી ગઇ કે ભારતમાં સરકારની ખાનગી ક્ષેત્રમાં કોઇ નિયંત્રણ નથી. શ્રમિકો-કર્મચારીઓના શોષણ પણ અંકુશ નથી. ગ્રાહકોને લૂંટતી કીંમતો પર અંકુશ નથી! એટલે એક તરફ શિક્ષણ, આરોગ્ય, વાહનવ્યવહાર, સંદેશા વ્યવહારમાં ગ્રાહક પાસેથી લૂંટ જેવી કિંમતો વસુલવામાં આવે છે તો બીજી બાજુ દસ બાર કલાક કામ કરાવ્યા પછી પરચૂરણ જેવા પગાર આપવામાં આવે છે.
આ લેખમાળામાં એકવાર લખ્યું હતું કે આપણને વિદેશમાંથી બૂલેટ ટ્રેન લાવવાનું મન થાય છે. યુરોપમાંથી આર્થિક કાયદાઓ લવાય છે. મોલ, મલ્ટિપ્લેક્ષ સહિતની વિદેશી વ્યવસ્થા આપણે આનંદ સાથે ભારતમાં લાવીએ છીએ તો વિદેશમાંથી વેતનના કાયદા કેમ નથી લાવતા? જો 1 ડોલરના 75 રૂપિયા ભાવ હોય તો 1 ડોલરની વચ્ચે ભારતમાં 75 રૂપિયામાં વેચવામાં આવે છે તો કલાકના 7 ડોલર ચૂકવાતા હોય તેવા કામ માટે પાંચસો રૂપિયા કેમ નથી ચૂકવાતા! કેનેડા-અમેરિકામાં જઇને ભારતીયો ‘મજૂરી’ કરે છે તેવું કહેનારાએ સમજવું જોઇએ કે કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં મજૂરી કરીને જે કમાઇ શકાય છે! તે ભારતમાં શાળાના શિક્ષક બનીને નથી કમાઇ શકાતું.
દુનિયાના વિકસીત દેશોમાં જવાનું મોટુ આકર્ષણ એ આ ‘કામનું સન્માન’ અને ‘યોગ્ય વળતર’ છે. જે દિવસે ભારતમાં ‘એક કલાકના ઓછામાં ઓછા આટલા રૂપિયા તો ચૂકવવા જ પડશે’ તેવો કાયદો અને તેનો કડક અમલ નહીં થાય ત્યાં સુધી ભારતના યુવાનો વિદેશમાં જશે જ! ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી ભરતી નથી કરી! પોલીસમાં ખાલી જગ્યા ભરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ આપવા પડયા! શિક્ષકોની ખાલી જગ્યા હજી ભરવામાં નથી આવતી! દસ-દસ વર્ષથી યુવાનો સરકારી નોકરીની રાહમાં ‘ઘરડા’ થઇ રહ્યા છે! ખાનગી ક્ષેત્ર તેમનું નિરાંતે શોષણ કરી રહ્યું છે અને પછી સૌ ઉપદેશ આપે છે કે ‘રહેવાય તો ભારતમાં જ!’
દેશનું સામાજીક રાજકીય વાતાવરણ એ દેશમાં રહેવા માટે કે છોડવા માટેનું મહત્વનું પરિબળ છે. યુવાનોને વિદેશ ગમે છે તેની બીજી મહત્વની બાબત સામાજીક સાંસ્કૃતિક સ્વતંત્રતા! તમારી અંગત બાબતમાં કોઇ માથુ જ ન મારે!શું ખાવું! શું પીવું કોની સાથે લગ્ન કરવા જેવી બાબતોમાં વ્યકિત સંપૂર્ણ સ્વતંત્ર સાથે સાથે જાહેરજીવનમાં કાયદાનો કડક અમલ સામાજીક સાત્કીય ધાર્મિક કાર્યક્રમોમાં ઘોંઘાટ નહીં, રસ્તા રોકો કાર્યક્રમ નહીં. નાત-જાતના ભેદ નહીં! આ વાતાવરણ અમૂલ્ય છે! ભારતમાં આપણે મોડી રાત સુધી વાગતા ડી.જે. બંધ કરાવી શકતા નથી. રસ્તા પર ટ્રાફીક જાહેર જીવનમાં હિંસા ઘટવાને બદલે વધતી જાય છે. આ વાતાવરણમાં ગુંગળાતો માણસ જયારે યુરોપ અમેરિકાના શાંત જાહેર જીવનનો અનુભવ કરે છે ત્યારે ત્યાં જ વસી જાય છે.
ભારતમાં સરકારે સૌ પ્રથમ કરવા જેવું કામ હોય તો તે છે એ ખાનગી ક્ષેત્રમાં વેતન નિયમનનો કાયદો! ભારતમાં સમાજવાદ હતો ત્યારે સામુહિક સેવાઓનું ખાનગીકરણ ન હતું ત્યારે ઔદ્યોગીક ક્ષેત્ર માટે લઘુત્તમ વેતનનો કાયદો હતો. પણ ખાનગી હોસ્પિટલો, ખાનગી યુનિવર્સિટીઓ, ચેનલો વગેરેમાં આ લઘુત્તમ વેતનનો કાયદો અપૂરતો છે. સરકાર જેમ કર્મચારીઓ માટે પગાર પંચ રચે છે તેવી જ રીતે ખાનગી ક્ષેત્ર માટે પણ પગારપંચ રચવું જોઇએ અને તે મુજબ જ પગાર ચૂકવવા જોઇએ!
ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી વસુલ્યા પછી તેના અધ્યાપકોને માત્ર દસ પંદર હજાર કેવી રીતે ચુકવી શકે? ખાનગીકરણ પછી ભારતમાં અમલદારશાહી ઘટશે તેવી આશા હતી પણ છેલ્લા વર્ષોમાં તે વધી છે. સ્વતંત્ર વિચારને અહીં બાબુશાહીના શરણે જવું પડે છે! રાજકીય પીઠબળ વગર તમે રસ્તા ઉપર પાણીપૂરી વેચી શકતા નથી. બીજી સાહસીકતાની તો વાત જ કયાં? કરવી!
ભારતમાંથી રોજગારી અને આવકના કારણે પરદેશ જનારાની સંખ્યા મોટી છે. ભારત સરકાર યુક્રેનમાંથી ફસાયેલાને લઇ આવે છે. અમેરિકા જેને તગેડી મુકશે તેને પણ પાછા લઇ આવશે પણ જે ભારતમાં જ વિશ્વાસ કરીને બેઠા છે તેમના વિશ્વાસને જીતાડવા માટે શું કરશે? ભારતમાં સો કરોડની વસ્તી હતી ત્યારે આઠ કરોડ સરકારી કર્મચારી હતા. આજે એકસો પચાસ કરોડની વસ્તી સામે પાંચ કરોડ કર્મચારી નથી. પાંચ વર્ષના ફીકસ પગાર, પેન્શન, પી.એફ. વગરની નોકરી અને ઉંચા કરવેરાએ આર્થિક અસલામતી ઉભી કરી છે.
બધા તો જઇ નથી શકતા પણ જેમની પાસે આવડત છે, જ્ઞાન છે એ શા માટે અહીં પડયા રહે? તેવા પ્રશ્નો પણ ઉદ્ભવે છે! માટે જ એક લાંબાગાળાની નીતિ જરૂરી છે. જે ભારતના યુવાનોને ભારતમાં વિકસવાની તક આપે! તેની યુવાનીને યુવાનીનો અહેસાસ આપે! આપણે દેશમાં યોગ્ય મૂરતીયો હોય તો પણ જ્ઞાત, જાત, ગોળ, વાડાને જોતા હોઇએ અને વિદેશથી આવેલા યુવાનનો ફકત ‘પાસપોર્ટ’ જોતા હોઇએ તો યુવાન દેશને પછી ‘પાસપોર્ટ’ને પ્રથમ પસંદ કરશે! સિમ્પલ છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.