Charchapatra

જયોતીન્દ્ર દવે ગાર્ડનમાં રિનોવેશન બાદ પડતી અગવડો

અડાજણ ખાતે જયોતીન્દ્ર દવે ગાર્ડનને ટોરેન્ટો પાવર દ્વારા રિનોવેશન કર્યા બાદ ગાર્ડનમાં આવતી પબ્લીક રોજબરોજ સગવડો ભોગવવાના બદલે અગવડો વધુ ભોગવે છે. ટોરન્ટો પાવર દ્વારા રીનોવશન પાછળ કરોડનો મોટો ખર્ચ કરવામાં આવ્યો છે તેનો કોઇ મતલબ રહેતો નથી. પબ્લીક જુના ગાર્ડનને યાદ કરે છે. કેમ કે નવા ગાર્ડનમાં તકલીફો છે. ગાર્ડનના આગળ તથા પાછળના ભાગમાં જયાં મેઇન ગેટ છે ત્યાં ટુ વ્હીલર ફોર વ્હીલરની પાર્કીંગ ની જગ્યા બહુ જ ઓછી છે. ટુ વ્હીલરના પાર્કીંગની જગ્યામાં ફૂલઝાડના નાના છોડની સાથે બ્લોકસ બનાવ્યા છે. તેથી પાર્કીંગ કરવામાં તકલીફ પડે છે.  ગાર્ડનમાં કોઇ પણ જગ્યાએ જવા માટે સીધી એન્ટ્રી જ આપી નથી.

બધી જગ્યાએ ફરીફરીને જવું પડે છે.  ગાર્ડનમાં માત્ર એક ડોમ બનાવ્યો છે જે ચારે બાજુથી ખુલ્લો છે. આથી ચોમાસાની સીઝનમાં લોકોએ વરસાદમાં પલળવું પડે એવી હાલત છે.  ગાર્ડનમાં કૂતરાઓનું ન્યુસન્સ હજુ પણ ચાલુ છે.  ગાર્ડનમાં ગવૈયાઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. સવાર-સાંજ ગવૈયાઓ ફિલ્મીગીતો ડોમમાં કરાઓકે ઉપર ગાતા હોય છે તેથી ગાર્ડનમાં અવાજનું ન્યુસન્સ ખૂબ જ વધી ગયું છે. માનસિક શાંતિ માટે આવતા હોય તેઓને આથી હેરાનગતિ થાય છે. આથી આ ન્યુસન્સ બંધ કરાવવા.

ખાસ કરીને સવારના સમયે યુવાન છોકરા-છોકરીઓ મોટા ટોળામાં મ્યુઝીક સીસ્ટમથી મોટા અવાજે ફિલ્મી ગીતો મૂકતા હોય છે તેથી ગાર્ડનમાં આવતાં લોકોને ખૂબ જ ન્યુસન્સ રૂપ છે. ગાર્ડનમાં બેઠક વ્યવસ્થા પણ બરાબર નથી. જે બાંકડા મૂકયા છે તે આવવા જવાના વોકીંગ ટ્રેક ઉપર મૂકયા છે. વોકીંગ ટ્રેકનો રસ્તો પણ પહેલાં કરતાં ખૂબ જ નાનો બનાવી દીધો છે. લોકોને આથી ચાલવામાં પણ મુશ્કેલી અનુભવવી પડે છે. વેસ્ટ ઝોનનાં લાગતા વળગતા અધિકારીઓ તથા બાગખાતાના અધિકારીઓ દ્વારા આ ગાર્ડનની અવારનવાર મુલાકાત લેવાવી જોઈએ કે જેથી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે.
સુરત – વસંત આઈસક્રીમવાળા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બેન્ક કે-વાય-સી
રાષ્ટ્રીય કૃત બેન્કો દ્વારા નિરંતર ગ્રાહકોનો મોબાઈલ પર કે.વાય.સી સબમીટ કરાવો નહીં તો તમારું બેન્ક ખાતું બંધ થઇ જશે એવા મેસેજ આવતા રહે છે. પ્રશ્ન એ છે કે ગ્રાહક સંબંધિત બેન્ક શાખામાં જઇને ડોક્યુમેન્ટો સબમીટ કર્યા પછી પણ ગ્રાહકોના મોબાઈલ પર કે.વાય.સી.ના મેસેજો આવતા રહે છે. એટલે એનો અર્થ સ્પષ્ટપણે એવો થાય કે કે.વાય.સીની વિધિ કર્યા પછી બેન્ક કર્મચારીઓ એને સંબંધિત ખાતામાં રજીસ્ટ્રેશન કરતા નથી જેના પરિણામે આવા મેસેજો નિરંતર આવતા રહે છે. આ અંગે બેન્કના સત્તાધીશો ગ્રાહકો કે.વાય.સી.ના ડોક્યુમેન્ટ અને ફોર્મ આપે એટલે તાત્કાલિક સંબંધિત ખાતામાં રજીસ્ટ્રેશન થાયે તેની કામગીરી બેન્કમાં કર્મચારીઓ પાસે કરાવે જે બેન્ક ખાતેદારો માટે રાહતરૂપ રહેશે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top