ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમે સતત બીજી વખત ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ટુર્નામેન્ટ 2023 માં શરૂ થઈ હતી અને ભારતીય ટીમે પહેલી જ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ત્યારે શેફાલી વર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હતી. હવે બે વર્ષ પછી, ટુર્નામેન્ટની બીજી આવૃત્તિમાં નિક્કી પ્રસાદની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બની છે. ભારતે સતત બીજી વખત મહિલા અંડર-19 ટી-20 વર્લ્ડ કપ જીત્યો છે. ભારતીય ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું.
રવિવારે કુઆલાલંપુરમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં ભારતીય ટીમે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ત્રિશાએ 33 બોલમાં 44 રનની ઇનિંગ રમી. તેણે 3 વિકેટ પણ લીધી. ત્રિશા ફાઇનલની ખેલાડી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવી. ત્રિશાએ પોતાનો એવોર્ડ તેના પિતાને સમર્પિત કર્યો.
ફાઇનલમાં ભારતીય બોલરોએ ભારે તબાહી મચાવી હતી. ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની ટીમને 20 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ કરી દીધી. કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન રેનેકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે તેનો નિર્ણય ખોટો સાબિત થયો. ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમને બીજી ઓવરમાં સિમોન લોરેન્સના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. તેને પરુણિકા સિસોદિયાએ ક્લીન બોલ્ડ કરી. સિમોન ખાતું ખોલાવી શકી નહીં. આ પછી ચોથી ઓવરમાં શબનમ શકીલે જેમ્મા બોથાને કમાલિની દ્વારા કેચ આઉટ કરાવી. જેમાએ 14 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને પાંચમી ઓવરમાં 20 રનના સ્કોર પર ત્રીજો ફટકો પડ્યો. આયુષી શુક્લાએ દિયારા રામલકનને બોલ્ડ કરી. તે ફક્ત ત્રણ રન જ બનાવી શકી.
ગોંગાડીના બેટમાંથી ફરી રન આવ્યા
આ પછી ગોંગાડી ત્રિશા અને કમલિનીએ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ પહેલી વિકેટ માટે 30 બોલમાં 36 રન ઉમેર્યા. આ ભાગીદારી દક્ષિણ આફ્રિકાના કેપ્ટન રેનેકે તોડી હતી. તેણે કમાલિનીને સિમોન દ્વારા કેચ કરાવી. કમલિની ફક્ત આઠ રન જ બનાવી શકી. આ પછી ગોંગાડીએ સાનિકા ચલકે સાથે મળીને ટીમ ઈન્ડિયાને નવ વિકેટથી શાનદાર વિજય અપાવ્યો. ગોંગાડી 33 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 44 રન બનાવીને અણનમ રહી અને સાનિકા 22 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને અણનમ રહી.
ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ખેલાડી, જી ત્રિશાએ આ એવોર્ડ તેના પિતાને સમર્પિત કર્યો
ત્રિશા ગોંગાડી ટુર્નામેન્ટની ખેલાડી હતી. તેણે પોતાનો એવોર્ડ તેમના પિતાને સમર્પિત કર્યો. ત્રિશાએ ટુર્નામેન્ટમાં 309 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. તે ટુર્નામેન્ટની ટોપ સ્કોરર પણ રહી.