નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તા. 1 ફેબ્રુઆરીએ બજેટ 2025 જાહેર કર્યું છે. નાણામંત્રીએ બે ઘર ધરાવતા લોકોને મોટી રાહત આપી છે. પહેલાં માત્ર એક મકાન પર ટેક્સ છૂટ મળતી હતી અને બીજા મકાન પર બજાર કિંમત અનુસાર ટેક્સ ભરવો પડતો હતો. પરંતુ હવે એક જ માલિકીના બે મકાનોને ટેક્સ મુક્તિનો લાભ મળશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે હવે બે મકાનોની કિંમત કરવેરાના દૃષ્ટિકોણથી શૂન્ય ગણવામાં આવશે. જેનાથી બે ઘર ધરાવતા લોકોને ઘણી રાહત થશે. સરકારે કરદાતાઓને રાહત આપવા માટે આ જાહેરાત કરી છે. મધ્યમ વર્ગમાં એવા ઘણા લોકો છે જેઓ બે મકાનો ધરાવે છે. હવે આવા લોકો શાંતિથી ઊંઘી શકશે. તેમને હવે તેમના બીજા ઘર પર ટેક્સની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
બે ઘર પર ટેક્સની ગણતરી કરવાની જરૂર નથી
હાઉસ પ્રોપર્ટીઝ ટેક્સના નિયમમાં મોટો ફેરફાર કરાયો છે. હવે બે ઘર ધરાવતા કરદાતાઓએ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે હાઉસ પ્રોપર્ટી ટેક્સની ગણતરી કરવાની રહેશે નહીં. કરદાતા બંને ઘરોની ઝીરો વેલ્યુનો દાવો કરી શકશે. જો કોઈ કરદાતા પાસે 3 ઘર છે તો તેને માત્ર ત્રીજા ઘરની બજાર કિંમત પર ટેક્સની ગણતરી કરવાની રહેશે.
1 એપ્રિલ 2025થી નવો નિયમ લાગુ થશે
નાણામંત્રીએ કહ્યું કે, આ નવો નિયમ તા. 1 એપ્રિલ 2025થી લાગુ પડશે. તેનો અર્થ એ થયો કે કોઈ પોતાના ઘરમાં રહે છે અથવા કોઈ કારણસર તે ઘરનો ઉપયોગ કરતો નથી તો પ્રોપર્ટીની વાર્ષિક બજાર કિંમત શૂન્ય માનવામાં આવશે.
ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ વ્યક્તિ પાસે બે મકાન છે. એક ઘરમાં તે રહે છે અને બીજું ઘર ખાલી છે. તો પણ તે બંને ઘરો માટે દાવો કરી શકે છે તે બંને ઘરનો ઉપયોગ કરે છે. આ રીતે કરદાતાએ બીજા ઘર પર પણ કોઈ કર ભરવો પડશે નહીં.
જો કરદાતા પાસે ત્રણ મકાનો હોય તો શું થાય?
જો કોઈ વ્યક્તિ પાસે ત્રણ મકાનો હોય, તો તે પોતાના ઉપયોગ માટે કોઈપણ બે મકાનો ગણી શકે છે. આવી સ્થિતિમાં, તેણે ત્રીજા મકાનના વાર્ષિક ભાડા મૂલ્ય પર જ ટેક્સની ગણતરી કરવી પડશે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે હાઉસ પ્રોપર્ટી પરના નિયમોમાં આ ફેરફારથી મોટી સંખ્યામાં કરદાતાઓને રાહત મળશે. તેમના પર ટેક્સ કમ્પ્લાયન્સનો બોજ ઓછો થશે.