અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ચીન પર જકાત નાખવાની ધમકી આપી રહ્યા હતા ત્યારે ચાઈનીઝ ડીપસીકે સિલિકોન વેલીના પાયા હચમચાવી દીધા છે અને અમેરિકા સહિત વિશ્વનાં ઘણાં બજારોમાં હલચલ મચાવી દીધી છે. ડીપસીક ચીનનું AI સ્ટાર્ટઅપ છે. આ સ્ટાર્ટઅપ તેની નવીનતાઓ માટે જાણીતું છે. તેના સ્થાપક લિયાંગ વેનફેંગ છે. આ સ્ટાર્ટઅપે તાજેતરમાં તેનો AI ચેટબોટ ડીપસીક-આર1 રજૂ કર્યો છે. તે રિલીઝ થયાના થોડા જ સમયમાં માર્કેટમાં લોકપ્રિય બની ગયું હતું.
ઓપનએઆઈના ચેટજીપીટીને વટાવીને તે એપલના એપ સ્ટોર પર સૌથી વધુ રેટિંગ ધરાવતી ફ્રી એપ બની છે. ઘણાં લોકો આ AI આસિસ્ટન્ટ મોડલને પસંદ કરી રહ્યાં છે. આ ડીપસીક-આર1 સંચાલિત AI ચેટબોટને Nvidiaની H800 ચિપ્સનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં તેની કિંમત ૬૦ લાખ ડોલરથી ઓછી હતી. ChatGPT બનાવવામાં લગભગ ૧૦૦ ગણા વધુ પૈસા ખર્ચવામાં આવ્યા છે.
ડીપસીક કંપનીની સ્થાપના ૨૦૧૯ માં બેઇજિંગમાં કરવામાં આવી હતી અને તેને ચીન સરકારનો સીધો ટેકો છે. ચીનની સરકાર દ્વારા ડીપસીકની ટેક્નોલોજીનો ઉપયોગ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને આર્થિક ગુપ્તચર જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. આ કંપની ઓટોનોમસ સિસ્ટમ્સ અને ડેટા મોડેલિંગમાં અગ્રણી તરીકે ઉભરી આવી છે. માઈક્રોસોફ્ટ, ગૂગલ, મેટા અને એનવીડિયા જેવી અમેરિકન કંપનીઓને ઘણી વખત અમેરિકાના ડીપ સ્ટેટના પ્રતિનિધિ ગણવામાં આવે છે. ડીપ સ્ટેટ પરોક્ષ રીતે અમેરિકન રાજકીય અને લશ્કરી નિર્ણયોને નિયંત્રિત કરે છે. ચીનની ડીપસીકને હવે અમેરિકાના ડીપ સ્ટેટ સામે પડકારરૂપ શક્તિ તરીકે જોવામાં આવી રહી છે. ચીન તેનો ઉપયોગ દુનિયાના દેશોની જાસૂસી માટે કરી શકે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં AI માં ૫૦૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. ડીપસીકે એક દિવસમાં અમેરિકાના અર્થતંત્રને ૧,૦૦૦ અબજ ડોલરના ખાડામાં ઊતારી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ કહ્યું હતું કે AIની રેસમાં અમેરિકા સૌથી આગળ રહેશે, પરંતુ ડીપસીકના ઉદ્ભવે ટ્રમ્પ વહીવટીતંત્રની વ્યૂહરચના પર પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઘટનાને ચીનની સ્પુટનિક ક્ષણ કહેવામાં આવી રહી છે, જ્યારે તેણે પહેલી વાર સ્પેસ રેસમાં અમેરિકાને પાછળ છોડી દીધું હતું.
ડીપસીક અને અમેરિકન ડીપ સ્ટેટ વચ્ચેની સર્વોપરિતા માટેની આ લડાઈ માત્ર ટેકનિકલ ક્ષેત્રને જ નહીં, પરંતુ વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્ર પર પણ ઊંડી અસર કરશે. અમેરિકા અને ચીન વચ્ચે ટેકનોલોજીકલ સર્વોપરિતા માટેની આ રેસ એઆઈ, સાયબર સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રોમાં આગામી દાયકાઓમાં નવા પડકારો અને તકો લાવશે. ભારતમાં ટેક્નોલોજી હબ બનવાની ક્ષમતા છે, પરંતુ તેણે AIની વૈશ્વિક દોડમાં ટકી રહેવા માટે કુશળ માનવ સંસાધન, સ્ટાર્ટઅપ અને જાહેર-ખાનગી ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
જો કે ભારતના કિસ્સામાં ડીપસીક ચીનના એજન્ટ તરીકે કામ કરી રહી છે. આ એપ ભારતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જ્યારે એપ પર કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સહિતના પૂર્વોત્તર રાજ્યો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ડીપસીકે જવાબ આપ્યો કે ચાલો, કંઈક બીજી વાત કરીએ. હકીકતમાં ચીન ભારતના અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર-પૂર્વનાં ઘણાં રાજ્યો પર દાવો કરે છે, જે વાસ્તવમાં ભારતીય રાજ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન કાશ્મીરને પોતાનું હોવાનો દાવો કરે છે અને બધા જાણે છે કે ચીન પાકિસ્તાનનું સાથી છે. આવી સ્થિતિમાં ચીની બનાવટની ડીપસીક કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યો વિશે કોઈ માહિતી આપતી નથી.
ડીપસીક એક ચાઇનીઝ એપ્લિકેશન છે, જેનો ઉપયોગ કરવા માટે ભારતીય વપરાશકર્તાએ ઇમેઇલ અને મોબાઇલ નંબર જેવી મહત્ત્વપૂર્ણ માહિતી આપવી પડશે. ભારતીય યુઝર્સે આવું કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ડેટા ચોરીનું જોખમ વધી શકે છે. આ પહેલી વાર નથી જ્યારે ચીન પર ટેક્નોલોજીના દુરુપયોગનો આરોપ લાગ્યો હોય. અગાઉ પણ ભારત સરકારે દેશની અખંડિતતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીનની સેંકડો એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આવી સ્થિતિમાં ખોટી માહિતી આપવા બદલ ડીપસીક પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. ભારતે કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ બાબતમાં ડીપસીકના અભિગમ સામે વાંધો નોંધાવવો જોઈએ.
ડીપસીકના સ્થાપક અને સીઈઓ લિયાંગ વેન ફેંગ છે. તેના પિતા ચીનની એક પ્રાથમિક શાળામાં શિક્ષક છે. ૪૦ વર્ષીય લિયાંગનો જન્મ ચીનના ઝાંજિયાંગમાં થયો હતો. શાળાના શરૂઆતના દિવસોથી જ તેને નવી વસ્તુઓ શીખવાનો શોખ હતો. તે સમસ્યાઓના ઉકેલો શોધવાનું શરૂ કરી દેતો હતો. લિયાંગનું પ્રારંભિક શિક્ષણ એકદમ સામાન્ય સ્કૂલમાં થયું હતું, પરંતુ બાદમાં તેણે ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો.
અહીં તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં પોતાની પકડ મજબૂત કરી હતી. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી લિયાંગે એઆઈ બિઝનેસ સાથે સંબંધિત ઘણી કંપનીઓની સ્થાપના કરી. તેણે ૨૦૧૩માં હાંગઝોઉ યાકેબી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને ૨૦૧૫માં ઝેજિયાંગ જિઉઝાંગ એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના કરી. તેણે ૨૦૧૯માં હાઈ-ફ્લાયર AI પણ લોન્ચ કર્યું, જે ૧૦ અબજ યુઆનથી વધુની સંપત્તિનું સંચાલન કરતું સાહસ છે. આ પછી તેણે વર્ષ ૨૦૨૩માં ડીપસીકની સ્થાપના કરી હતી. આજે ડીપસીક અમેરિકાની ટેકજાયન્ટ કંપનીઓને પડકારવા જેટલી તાકાતવાન બની ગઈ છે.
ડીપસીકની સફળતા એવા સમયે મળી છે જ્યારે અમેરિકાએ ચીનમાં એડવાન્સ સેમિકન્ડક્ટરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનો હેતુ AI માં આગળ વધવાની ચીનની ક્ષમતાને મર્યાદિત કરવાનો છે, પરંતુ ડીપસીકે એવા મોડલ વિકસાવ્યાં છે જેને ઓછા પૈસાની જરૂર છે. આવી સ્થિતિમાં ડીપસીક કંપની આ નિયંત્રણો સાથે કામ કરવામાં સફળ રહી છે. ડીપસીક પોષણક્ષમતા અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓપનએઆઈ અને મેટા જેવા સ્પર્ધકોથી પોતાને અલગ પાડે છે.
OpenAI અને Meta જેવી કંપનીઓ વધુ અદ્યતન મોડલ વિકસાવે છે, જેમાં નોંધપાત્ર સંસાધનો અને Nvidia’s H100 GPU જેવી ખર્ચાળ AI ચિપ્સ જરૂરી છે. તે જ સમયે ડીપસીકે એવાં મોડલ બનાવ્યાં છે જે સમાન કાર્ય કરે છે પરંતુ તેની કિંમત ઘણી ઓછી છે. ડીપસીકનો વધુ સસ્તાં AI હાર્ડવેરનો ઉપયોગ અને નવીન અભિગમ તેને ઓછી કિંમત જાળવી રાખીને મોટા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે. આ ચેટબોટ એપ પ્રતિભાવ આપતાં પહેલાં તમારા તર્કને સમજાવવા જેવી વિશિષ્ટ સુવિધાઓ પણ આપે છે. આ વિશિષ્ટ સુવિધા તેને ઓપનએઆઈ મોડલ્સ જેમ કે ચેટ જીપીટીથી અલગ પાડે છે. તેનો ઓપન-સોર્સ અભિગમ વિકાસકર્તાઓને ડીપસીકની ટેક્નોલોજી પર નવાં બાંધકામ બનાવવાની પણ મંજૂરી આપે છે.
અમેરિકા ઉપરાંત ભારતીય શેરબજારમાં પણ ડીપસીકની અસર જોવા મળી રહી છે. માર્કેટમાં ડીપસીક આર1 મોડલ લોન્ચ થયા બાદ ભારતીય બજારમાં લિસ્ટેડ કેટલીક કંપનીઓના શેરના ભાવ છેલ્લાં ૨ થી ૩ ટ્રેડિંગ સેશનમાં ૫૦% જેટલા ઘટ્યા છે. ભારતના જે સ્થાનિક શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે તેમાં અનંત રાજ, નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયા અને ઝેન ટેક્નોલોજીસ સહિત અન્ય ટેક કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે. નેટવેબ એ NVIDIA માટે ભાગીદાર છે, જ્યારે અનંત રાજ ભારતમાં એક મુખ્ય ડેટા સેન્ટર પ્લેયર છે. તેની અસર અન્ય ટેક કંપનીઓ પર પણ જોવા મળી રહી છે. NVIDIAના શેરમાં બે દિવસમાં ૨૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે આ કંપનીની માર્કેટ વેલ્યુ ૬૦૦ અબજ ડોલર જેટલી ઘટી ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
