એક મેડીટેશન માટેનો સેમીનાર હતો. પ્રવચનકર્તાએ મેડીટેશન કઈ રીતે કરવું તે શીખવ્યું અને પહેલાં દસ મિનિટ પછી અડધો કલાક એમ બે મેડીટેશન કરાવ્યાં. સેમિનારમાં ભાગ લેનાર દરેકને સારો અને નવો અનુભવ થયો. કોઈકની આંખો બે ઘડી પણ બંધ રહેતી ન હતી. કોઈકની થોડી મિનિટો બાદ ખુલી જતી. અમુક લોકો શરૂઆત હતી છતાં આંખ બંધ લાંબો સમય સુધી રાખી શક્યાં હતાં. બધાના અનુભવ જુદા જુદા હતા છતાં બધાને સારું લાગી રહ્યું હતું.
બ્રેક પછી ધ્યાન શીખવનાર બહેન બોલ્યાં, ‘ચાલો, હવે એક પ્રયોગ કરીએ. પ્રયોગનું નામ છે ચિત્તનો અરીસો. તમારે બધાએ આંખ બંધ કરી બેસવાનું છે. અહીંથી માત્ર ધીમું સંગીત વાગશે. દસ મિનિટ સુધી તમારે આંખ બંધ કરી તમને જે દેખાય તે જોવાનું છે અને દસ મિનિટ પછી આંખ ખોલી શું દેખાયું તે કહેવાનું છે. ‘બંધ આંખે જોવાનું? બધાને થોડું અજુગતું લાગ્યું.
ધીમું સંગીત શરૂ થયું. બધા ધ્યાન મુદ્રામાં બેસી ગયા. એક પછી એક બધાની આંખો બંધ થવા લાગી અને બંધ આંખો સામે દૃશ્યો આવવા લાગ્યાં. દસ મિનિટ થઇ ગઈ.બધાને ધીમે ધીમે આંખ ખોલવાનું કહેવામાં આવ્યું. આંખ ખોલ્યા બાદ બધા એક પછી એક બધા પોતાનો અનુભવ કહેવા લાગ્યા. કોઈકને આગનું દૃશ્ય દેખાયું, કોઈકને હત્યાનું…કોઈકને પ્રકૃતિનું વહેતું ઝરણું દેખાયું… કોઈકને પ્રચંડ ધોધ, કોઈકને પ્રેમાળ સ્વજન, કોઈકને પોતાનું ઘર, કોઈકને સુંદર બાગ તો કોઈકને દેખાયો કચરાનો ઢગ….. ભાગ લેનાર જેટલાં લોકો એટલાં જુદાં દૃશ્યો અને જુદી અનુભૂતિ હતી.
કોઈકને પ્રચંડ વિનાશ દેખાયો તો કોઈકને ધીમે ધીમે વિકસતું ફૂલ અને અમુકને કંઈ ન દેખાયું. માત્ર શાંત કાળો રંગ કે પછી તેમાં રૂપેરી રેખા. બધાના અનુભવો સાંભળી લીધા બાદ ધ્યાન શીખવનાર બહેન બોલ્યાં, ‘આંખો બંધ કર્યા પછી તમને જે દેખાય છે તે તમારા ચિત્તનો અરીસો છે. તમારા મનની અવસ્થા છે. તમારા સુષુપ્ત મનમાં છુપાયેલી લાગણી છે. જો તમારા મનમાં પવિત્ર ભાવનાઓ હશે તો તમને આંખો બંધ કરતાં સુંદર, મનોહર, રમણીય દૃશ્ય દેખાશે.
જો તમારા મનમાં ભરપૂર લાગણી હશે તો તમને જેના પર પ્રેમ હશે તે સ્વજન કે વસ્તુ દેખાશે અને જો તમારા મનમાં અપવિત્ર અને નફરતની લાગણી હશે તો તમને નકારાત્મક વિનાશ, હત્યા જેવાં દૃશ્યો દેખાશે અને જો તમારું મન સાવ અલિપ્ત ખાલી હશે તમે કોઈ માટે કોઈ ભાવના મનમાં ભરી નહિ રાખતાં હો તો તમને કોઈ દૃશ્ય નહિ પણ માત્ર શાંત કાળો રંગ કે પછી તેમાં રૂપેરી રેખા કે અન્ય કોઈ રંગના તરંગ દેખાશે.‘બંધ આંખે દેખાતાં દૃશ્યોનો મહિમા એટલે છે કે તે મનને શુદ્ધ અને પવિત્ર કરવામાં મદદ કરે છે.જેમ જેમ મનની ભાવના બદલાશે દેખાતાં દૃશ્યો બદલાશે.’બધાને પોતાના મનની અવસ્થા સમજાઈ. ચાલો આપણે પણ આંખ બંધ કરી જોઈએ.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
