માનવતા હજુ મરી પરવારી નથીનો નજીકના ભૂતકાળમાં બનેલો એક સ્નેહીજનનો કિસ્સો ધ્યાનમાં આવ્યો. બન્યું હતું એવું કે મારા એક સ્નેહીજન તેમનાં પત્ની સાથે સ્કૂટર પર તેમના મોટા ભાઈને ત્યાં નવા વર્ષ નિમિતે મળવા જતા હતા.તેઓ મોટા ભાઈના ઘરથી થોડેક જ દૂર હતાં ત્યાં એક કારચાલકે તેમના સ્કૂટરને ટક્કર મારી ,પરિણામે બેલેન્સ ગુમાવતાં પત્ની રસ્તા પર જોરથી પટકાયાં અને જમણા હાથના ખભાથી કોણી સુધીના ભાગ પર ફ્રેકચર થયું. પાછળ બીજા એક કારચાલક આવતા હતા. તેમણે તેમની કાર સાઇડ પર કરી અને કહ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં હું તમને મૂકી દઉં. પેલા સ્કૂટર ચલાવનાર ભાઈએ કહ્યું, મારા ભાઈનો દીકરો ડોક્ટર છે અને અમે તેમને મળવા જ જઈ રહ્યા હતા. અહીંથી નજીક જ છે. પછી ઘણી મુશ્કેલી સાથે પત્નીને તેમની ગાડીમાં બેસાડ્યાં અને મોટા ભાઈને ઘરે પહોંચ્યા. ત્યાંથી તેમને ઓર્થોપેડીક હોસ્પિટલ લઈ જવા પડે તેમ હતું પણ જે ભાઈ તેમની કારમાં લઈ આવ્યા હતા તેમણે હોસ્પિટલ મૂકી જવાની તૈયારી બતાવી અને હોસ્પિટલ ઘણી દૂર છે તેવું જણાવતાં સુરતમાં જ્યાં હશે ત્યાં મૂકી જઈશ એવું કહ્યું અને મૂકી પણ ગયા. આ બધામાં તેમનો ખાસ્સો અઢી ત્રણ કલાકનો સમય ગયો. માનવતા હજુ મરી પરવારી નથી તે માટે આનાથી ઉત્તમ બીજું ઉદાહરણ શું હોઈ શકે? જે સ્નેહીજનને અકસ્માત થયો હતો તેમને માટે તો જાણે સાક્ષાત દેવદૂત મદદ માટે દોડી આવ્યા હોય તેવો આભાસ થયા વગર રહ્યો નહીં.
સુરત -સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તન કો ધોયા મગર મન કો ધોયા નહીં
મહાકુંભ મેળો એ ફક્ત ધાર્મિક અને આધ્યાત્મિક તહેવાર નથી પરંતુ એને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્કારનું પ્રતીક પણ માનવામાં આવે છે. રોજેરોજ દૈનિક છાપામાં એ અંગેના વિગતે સમાચાર અને લેખ પણ વાંચવા મળે છે. એવું માનવામાં આવે છે કે કુંભમેળામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું સવિશેષ મહત્ત્વ છે. મહાકુંભમાં દુનિયાભરમાંથી લોકો આવે છે અને એઓ માને છે કે શ્રદ્ધાથી પવિત્ર નદીમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત થાય છે. સ્નાન કરીને ભક્તો પોતાના શરીરનું શુદ્ધિકરણ કરે છે ત્યારે મને મનમાં વિચાર એ આવે છે કે નદીમાં સ્નાન કરવાથી શરીરની સફાઈ તો થાય છે પરંતુ મનની સફાઈ થાય છે ખરી ? શાહી સ્નાન કરવાથી મનની મલિનતા નીકળી શકે ખરી ? મહાકુંભમાં સ્નાન કરવાથી શું ખરેખર મોક્ષ મળે છે? અલબત્ત હું એ પણ સમજું છું કે આ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. મહાકુંભમાં પ્રથમ દિવસે 1.65 કરોડ લોકોએ પવિત્ર નદીમાં ડૂબકી લગાવી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીજીએ પણ પોતાના 54 મંત્રીઓ સાથે મહાકુંભમાં સ્નાન કર્યું. એમ માનવામાં આવે છે કે 45 દિવસ ચાલનારા આ કુંભમેળામાં 40 કરોડથી વધુ લોકો મુલાકાત લેશે. આ બધું વાંચીને મને વારંવાર પ્રશ્નો થાય છે કે તન કો ધોયા મગર મન કો ધોયા નહીં તો એનો શું ફાયદો? શું ખરેખર પવિત્ર નદીમાં શાહી સ્નાન કરવાથી આધ્યાત્મિક મુક્તિ મળતી હશે ખરી ? એવા અનેક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે.
નવસારી – ડો. જે.એમ.નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.