આપણા રાષ્ટ્રીય તહેવારો ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગષ્ટ નજીક આવતાં જ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મીડિયા દ્વારા મેસેજોનો મારો કરી દેશભકત હોવાનો દેખાડો કરવા કેટલાક સોશ્યલ મીડિયા એક્ટિવિસ્ટો સક્રિય બની જાય છે. એમાંથી કેટલાંક તો પોતાની ખૂબ નજીકમાં થતાં ધ્વજવંદન કાર્યક્રમમાં પણ હાજર રહેવાની તસ્દી પણ લેતાં નથી. ખરેખર તો આવા કોઈ જ દેખાડા વગર પણ દેશની સામાન્ય કે આમજનતા ‘પોતે જ્યાં પણ હોય, જે પણ હોય’ પોતાની સાચી દેશભક્તિ બારેમાસ દેખાડી શકે છે. એ માટે સરહદ પર લડવા જવાની, કોઈ પદ પર હોવાની, કોઈ વિશેષ કાર્ય કરવાની, કોઈ વિશેષ સાધન- સુવિધા, શસ્ત્ર – સરંજામ હોવાની જરૂરિયાત નથી. આપણે તેને માટે કોઈ વિશેષ શિક્ષણ-પ્રશિક્ષણ મેળવવાની, ખૂબ જ સ્નાયુબદ્ધ શક્તિશાળી હોવાની જરૂર નથી.
એટલું જ નહીં, કોઈ ખાસ જાતિ, જ્ઞાતિ કે વર્ગના હોવાની પણ જરૂર નથી કે તેના માટે કોઈ ખાસ વર્દી-ગણવેશ કે સરકારની મંજૂરીની પણ જરૂર નથી. આપણાં રોજિંદા જીવનમાં રસ્તા પર કચરો ન ફેંકીને, જાહેરમાં ન થૂંકીને, કરવેરા ભરીને, જાહેર અને સરકારી સંપત્તિનું રક્ષણ કરીને, ટ્રાફિકના નિયમોનું પાલન કરીને, ગંદકી ન કરી – સ્વચ્છતા જાળવીને, બીજા નાગરિક, બાળકો-વડીલોને મદદરૂપ બનીને, અન્યને નડતરરૂપ કે અવરોધરૂપ ન બનીને, કોઈ બીલ ભરવા જઈએ તો લાઈનમાં ઊભા રહીને, દેશના રાષ્ટ્રધ્વજને – કાયદાને માન આપીને, અન્ન-પાણી જેવા બીજા કુદરતી સ્રોતોનો બગાડ અટકાવીને – બચાવીને તેમજ આવા અનેક નાનાં-મોટાં કાર્યો-ફરજોમાં સભાનતા-સજાગતા દાખવીને પણ આપણી દેશભક્તિ વ્યક્ત કરી શકીએ છીએ.
સુરત – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.