શહેરમાં ઠંડી હવે વિદાય તરફ છે ત્યારે આજે ફરી એક વખત ઠંડીનો અનુભવ થયો હતો. રાતનું તાપમાન એક ડિગ્રી ગગડયું હતું. જ્યારે દિવસે ૮ કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં હિમવર્ષાને પગલે ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.
શહેરમાં વિતેલા ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો ઉંચો જતા ઉનાળાના પ્રારંભનો અનુભવ થયો હતો. ગઈકાલથી શહેરમાં ફરી ઉત્તરનો પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં આજે રાતનું તાપમાન એક ડિગ્રી ઘટાડા સાથે ૧૭.૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે ૩૦.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં દિવસભર ૮ કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. શહેરમાં આગામી બે ત્રણ દિવસ ઠંડીનો જોર યથાવત રહેશે. ત્યારબાદ ઠંડી ધીમે ધીમે વિદાય લેશે અને ૧૫ ફેબ્રુઆરી બાદ ઉનાળાનો પ્રારંભ થશે.
દક્ષિણ ગુજરાતમાં હાલમાં બપોર દરમિયાન થોડી ગરમી લાગે છે ને રાત્રે ઠંડી લાગતાં લોકો બંને ઋતુ અનુભવી રહ્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયા સુધી વલસાડ જિલ્લામાં સતત ઠંડીનો પારો 10 ડિગ્રી રહ્યા બાદ ગુરૂવારે 11.5 અને શુક્રવારે 11 ડિગ્રી પર સ્થિર ગઈ ગયો છે. મહત્તમ 31 અને ભેજ 85 ટકા રહ્યો હતો. જ્યારે સાંજે થોડો ફેરફાર થતાં લઘુત્તમ 16 અને મહત્તમ 34 ડિગ્રી, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા જેટલું રહેવા પામ્યુ હતું. જ્યારે નવસારી જિલ્લામાં ગતરોજ લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધ્યું હતું. જ્યારે આજે ફરી તાપમાન અઢી ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો હતો.
નવસારી જિલ્લામાં ગત બુધવારે અચાનક લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ગગડ્યું હતું. ગુરૂવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધી જતા 14.5 ડિગ્રી નોંધાયું હતું. આજે શુક્રવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી ગગડિને 12 ડિગ્રી નોંધાયુ હતું. જેથી જિલ્લામાં ઠંડીનો ચમકારો ફરી વધ્યો છે.
શુક્રવારે મહત્તમ તાપમાનમાં નહિવત ઘટાડો થતા 31.2 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે ભેજનું પ્રમાણ 97 ટકા રહ્યું હતું. અને બપોરબાદ ભેજનું પ્રમાણ 29 ટકા રહ્યું હતું. આજે પવનોએ દિશા બદલતા દિવસ દરમ્યાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. ઉપરાંત ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 13 અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી, જ્યારે તાપી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 13 અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલુ તાપમાન નોંધાયુ
જિલ્લો લઘુત્તમ મહત્તમ
વલસાડ—11—34
નવસારી—12— 31.2
ભરૂચ—13—32
તાપી—13—32