SURAT

સુરતમાં 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનને ગળું દબાવી મારી નાંખી, કારણ ચોંકાવનારું..

સુરત: સુરત શહેરમાં હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. નાનપુરા બારહજારી મોહલ્લા કાળજું કંપાવી દે તેવી હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. માત્ર એક વર્ષની નાની વયની બહેન રડી રહી હતી. જેથી 13 વર્ષીય ભાઈએ ગુસ્સે થઈને બહેનનું ઓશીકા વડે મો દબાવ્યા બાદ ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. ઘટના સંદર્ભે પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

અઠવાલાઇન્સ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નાનપુરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારમાં એક વર્ષ પહેલાં જન્મેલી બાળકીનું આજે અચાનક રહસ્યમય રીતે મોત નિપજ્યું હતું. ઘટના અંગેની જાણ થતા અઠવાલાઇન્સ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

મોતનું સાચું કારણ જાણવા બાળકીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં તબીબે બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ ચોંકી ગઈ હતી.

ઘટના અંગે પોલીસે ભોગ બનનાર પરિવારની પૂછપરછ કરતા ચોકવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જેમાં બાળકી રડતી હતી જેથી 13 વર્ષીય સગા ભાઈએ ગુસ્સામાં આવીને ઓશીકા વડે મોંઢું દબાવ્યા બાદ ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

ઘટના સંદર્ભે પોલીસે કિશોરને કસ્ટડીમાં લેતા પરિવારે કલ્પતાપ કરી ગુનો નહીં દાખલ કરવા પોલીસને આજીજી કરી હતી. પરંતુ પોલીસે ગંભીર ગુનાને લઈ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top