અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચીન સામે ટ્રેડ વોર છેડી દીધી હતી અને ભારત માટે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો, પણ તેમના બીજા કાર્યકાળ દરમિયાન તેઓ આ બાબતમાં શીર્ષાસન કરતા જણાય છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સલાહકારોને કહ્યું છે કે તેઓ શપથ લીધા પછી ૧૦૦ દિવસમાં ચીન જવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે. અગાઉ ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ ચીન સામે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળના એક વર્ષમાં ૨૦૧૭માં ચીનની મુલાકાત લીધી હતી. નવેમ્બરમાં ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે શુક્રવારે પહેલીવાર શી જિનપિંગ સાથે વાત કરી હતી.
શી જિનપિંગ સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે બંને દેશો સાથે મળીને ઘણી સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ ચીને તેના ઉપરાષ્ટ્રપતિને મોકલ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં ચીન પ્રત્યે નરમાઈ દર્શાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટિક ટોક પરનો પ્રતિબંધ પણ મુલતવી રાખ્યો છે. ચીનના તાનાશાહ પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પની વધતી ઉદારતા ભારત અને જાપાનના અમેરિકા સાથેના સંબંધોને અસર કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના દુશ્મનોને ખુશ કરવા અને તેમના મિત્રોને અસ્વસ્થ બનાવવાનું વલણ ધરાવે છે.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નહોતું, જેને લઈને મોદીના વિરોધીઓ સોશિયલ મીડિયા પર એકદમ સક્રિય થઈ ગયા હતા અને સરકારને ટોણા મારતા રહ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ સમિટ માટે ભારત આવશે. ક્વાડમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ ચીન આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં ભાગ લેવા માટે ચીન જઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી નારાજ થયા છે, તેનું મુખ્ય કારણ એ છે કે ભારતના વડા પ્રધાન ડોલરના વિકલ્પ તરીકે બ્રિક્સના દેશોની કરન્સી વિકસાવવાનો સક્રિય પ્રયાસ કરી રહ્યા છે. જો બ્રિક્સના દેશો પરસ્પરના વેપાર માટે પણ ડોલરના બદલે બ્રિક્સની કરન્સી વાપરવા લાગે તો ડોલરનું પતન થાય અને તે સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ ખતમ થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ ખતરો બરાબર પારખી ગયા છે અને માટે જ તેમણે ભારત સામે મોરચો માંડ્યો છે. ૨૦૨૨માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૯૧.૮ અબજ ડોલર હતો.
ભારતે ૧૧૮ અબજ ડોલરની નિકાસ કરી હતી અને આયાત ૭૩ અબજ ડોલરની હતી. તેનો અર્થ એ કે ૨૦૨૨માં ભારત પાસે ૪૫.૭ અબજ ડોલરનો વેપાર સરપ્લસ હતો. જો ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ પોલિસી હેઠળ ભારત સામે ટેરિફ લાદશે તો પરિસ્થિતિ બદલાશે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ટ્રેડ સરપ્લસ ભારતની તરફેણમાં નહીં પણ અમેરિકાની તરફેણમાં હોય. જો ભારત બ્રિક્સની કરન્સીની દિશામાં આગળ વધશે તો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાંથી અમેરિકામાં કરવામાં આવતી આયાત પર ૧૦૦ ટકા જકાત નાખીને ભારતની કમ્મર તોડી નાખશે. ૧૯૭૨માં ચીન અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર માત્ર ૧૦ કરોડ ડોલર હતો, જે ૨૦૨૨માં વધીને ૭૫૮.૪ અબજ ડોલર થઈ ગયો હતો. ચીન અને અમેરિકા બંનેને એકબીજાની જરૂર છે અને તેઓ એકબીજાથી અલગ રહી શકતા નથી.
બ્રિક્સના દેશો વચ્ચે ડૉલરને બદલે અન્ય કોઈ ચલણમાં વેપાર કરવા અંગે ચર્ચા થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે બ્રિક્સના દેશો ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયાં વર્ષના ડિસેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જો બ્રિક્સના દેશો તેમની કરન્સી ઊભી કરશે તો તેમને ૧૦૦ ટકા જકાતનો સામનો કરવો પડશે. ડૉલર પર નિર્ભરતા ઘટાડવા માટે વિશ્વભરના દેશોમાં ચર્ચા થઈ રહી છે. ઘણા દેશો ચિંતિત છે કે અમેરિકાનું પ્રભુત્વ ધરાવતી વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થા ભવિષ્યમાં સંકટ લાવી શકે છે.
અમેરિકાએ રશિયાને વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન એટલે કે SWIFTમાંથી બાકાત રાખ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં SWIFT ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકાએ ૨૦૧૨માં જ ઈરાનને SWIFTથી અલગ કરી દીધું હતું. આ પછી ૨૦૧૫માં ઈરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર થઈ ગયું હતું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ફરીથી ઈરાન પર પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો અને તેને SWIFT થી સસ્પેન્ડ કર્યું હતું. જો અમેરિકા દુનિયાના કોઈ પણ દેશને SWIFT સિસ્ટમમાંથી બાકાત કરી દે તો તે દેશ દુનિયાના કોઈ દેશ સાથે વેપાર કરી શકતો નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર અમેરિકાની SWIFT સિસ્ટમના આધારે જ ચાલે છે.
બ્રિક્સ સમિટમાં ડોલરનો વિકલ્પ ખોજવાની વિચારણા ચાલી રહી છે તે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા માટે ચિંતાનો સૌથી મોટો મુદ્દો છે. ૨૦૨૩ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સની સમિટ યોજાઈ હતી. આ સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ કહ્યું હતું કે બ્રિક્સની નવી કરન્સી પેમેન્ટ માટે નવા વિકલ્પો બનાવશે અને મુશ્કેલ સમયમાં અમારા માટે વસ્તુઓ સરળ બનાવશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રશિયાના કઝાનમાં બ્રિક્સની સમિટ યોજાઈ હતી. આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ડૉલરનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે.
ભારત આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક કરન્સીને પ્રોત્સાહન આપવાની વાત પણ કરતું રહ્યું છે જેથી ડૉલર પરની નિર્ભરતા ઓછી કરી શકાય. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રશિયા સાથેના વેપારમાં રૂપિયાની ચૂકવણીની મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ભારત બ્રિક્સના દેશો વચ્ચે નાણાંકીય એકીકરણને સમર્થન આપે છે. હકીકતમાં ભારતના વડા પ્રધાન બ્રિક્સની કરન્સીના સૌથી મોટા સમર્થક છે અને તેની ડોનાલ્ડ ટ્રમ્પને ભારે નફરત છે. આ કારણે જ મોદી સાથેના દોસ્તીના દાવાને ફગાવીને તેઓ મોરચો માંડવા તૈયાર થઈ ગયા છે.
છેલ્લા બે દાયકામાં અમેરિકા સાથે ભારતના સંબંધો મજબૂત થયા છે, પરંતુ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ સમસ્યાઓમાં વધારો કરી શકે છે. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ નીતિને લઈને વધુ આક્રમક છે. એવું માનવામાં આવે છે કે ઇમિગ્રેશન અને વેપારના મુદ્દાઓ પર ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતને પડકારવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે જેડી વેન્સને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા છે અને વેન્સ ચીનને લઈને ખૂબ જ આક્રમક છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફાયદામાં નહીં હોય તેવું કંઈપણ કરવાનું ટાળશે. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ યુરોપમાં પણ ડર છે કારણ કે તેમણે યુક્રેનની મદદ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતકાળમાં ખાસ કરીને અમેરિકામાં બેરોજગારી અંગે ઘણી વખત ભારતની ટીકા કરી છે. જ્યારે ૨૦૨૦માં પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈનિકોની ચીન સાથે અથડામણ થઈ ત્યારે અમેરિકાએ ઈન્ટેલિજન્સ લેવલ પર ભારતની મદદ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન થશે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાનને દેશદ્રોહી અને આતંકવાદીઓને આશ્રય આપનાર દેશ ગણાવ્યો હતો. ૨૦૧૮માં ટ્રમ્પે પાકિસ્તાનને અપાતી સંરક્ષણ સહાય રદ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ ભારત અને ચીન વચ્ચે અમેરિકા સાથેના સંબંધોમાં સ્પર્ધા પેદા કરવાની છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને ખુશ કરવા ભારત ઉપર વેપાર જકાત લાદશે તો ભારતનું અર્થતંત્ર કથળી જશે અને ભારતના વડા પ્રધાન મોદીને બ્રિક્સની કરન્સીનો વિચાર માંડી વાળવાની ફરજ પડશે.